LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Sunday, October 18, 2020

ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : બકુલા દેસાઈ ઘાસવાલા

 બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધન કાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ! એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ. અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારત ભરનાં તો ખરાં જ. તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે. આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય. ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે. કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે. એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે. સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે .અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે. નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે. સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં. અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે. તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.
ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ, શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)
 
મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય. સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું, પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની, આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે શ્રી ગફુરભાઈ બિલખીયાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે.અલબત્ત, દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો  ! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.
ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

----------------------------------------------------------------------------------------------------------
પ્રકાશક: ગૂર્જર ગ્રંથ રત્ન પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩
કિંમત :₹ ૧૨૦૦/૦૦ .

સાદગી અને સ્વાવલંબન : ડૉ. મહેબૂબ દેસાઈ

 સંયુક્ત રાષ્‍ટ્ર સંઘે (યુએનઆઇ) વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨ ઓક્ટોબરને આંતરરાષ્‍ટ્રીય “અહિંસા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. અહિંસાના પુજારી ગાંધીજી અહિંસા સાથે સાદગી અને સ્વાવલંબીપણા માટે પણ જાણીતા છે. સાદાઈથી રહેવું અને જાતે કામ કરી લેવું આ બંને બાબતોમાં ગાંધીજીને ખાસ પ્રયત્ન કરી ને મનને તૈયાર નથી કરવું પડ્યું. વિલાયતમાં તેઓ ભણતા હતા ત્યારે  અન્નાહારી વીશીઓ શોધતા-શોધતા ગમે તેટલે દૂર પગપાળા ચાલીને જવામાં ગાંધીજી કયારેય આળસ અનુભવતા નહિ. અને એ પછી ગાંધીજી પોતાની રસોઈ જાતે બનાવતા શીખી ગયા હતા. ગાંધીજી બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન આવ્યા ત્યારે પણ મુંબઈમાં પોતાને ઘેરથી કોર્ટ સુધી તેઓ પગપાળા જતાં. દક્ષિણ આફ્રિકામાં તેમણે જોયું કે ગોરો હજામ પોતાના વાળ કાપવા તૈયાર નથી ત્યારે તેની ખુશામત કરવાને બદલે પોતાને હાથે જેમ તેમ વાળ કાપી લીધા હતા. અને ત્યારે કોર્ટમાં ગોરા બેરિસ્ટરે મજાક કરતા પૂછ્યું મિસ્ટર ગાંધી તમારા વાળ ઉંદરે કતરી ખાધા છે કે શું ? ત્યારે બાપુએ આખો કિસ્સો તેમને હસતા હસતા કહી  સંભળાવ્યો હતો.  ત્યાર પછી તેમણે ટોલ્સટોય અને રસ્કિનના પુસ્તકો વાંચ્યા. પરિણામે તેઓ સાદાઈ અને સ્વાવલંબન તરફ વધુ વળ્યા. ઝૂલું યુધ્ધના દિવસોમાં  એબ્યુલસ કોરનું કામ લઈને જે કષ્ટ ઉઠાવવા પડ્યા તેનું વર્ણન તેમણે તેમના ગ્રંથોમાં આપ્યું છે. માણસનું શરીર સહન કરી શકે તેથી વધારે કષ્ટ સહન કરી તેમણે એમ્બ્યુલન્સ કોરનું કામ કર્યું. ટોલ્સટોયનું પુસ્તક વાંચતા બ્રેડ લેબર (રોટી માટે મજૂરી) નો વિચાર પણ તેમને ગમી ગયો. એમને ખાતરી થઈ કે શરીરને જીવતું રાખવા જેણે ખાવું છે, તડકાથી બચવા માટે જેણે વસ્ત્રો પહેરવા છે, તેણે અન્ન વસ્ત્રોના ઉત્પાદનમાં કાઈને કાઈ ભાગ લેવો જ જોઈએ. હરિજનોના દુઃખ દૂર કરવા હોય તો ઝાડો પેશાબ સાફ કરવાનું, પાયખાના સાફ કરવાનું કામ પણ હાથે કરવું જોઈએ અને એ કામમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી સફાઈના કામને આદર્શ સુધી તેઓ લઇ ગયા. અને તેનો કડક રીતે પોતાના જીવનમાં તેમણે અમલ પણ કર્યો.

 

આવી સાદગી અને સ્વાવલંબનને ગાંધીજી પૂર્વે  ૧૨૯૮ વર્ષ પહેલા સાકાર કરનાર અરબસ્તાનમાં જન્મેલ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) હતા મહંમદ સાહેબની સાદગી અને સ્વાવલંબી જીવન આજે પણ માનવ સમાજ માટે એક મિશાલ છે.

 

મહંમદ સાહેબની જીવનભરની પોતાની મિલકતમાં કેટલા ખજૂરીના ઝાડ થોડા ઊંટ અને બકરા હતા. આમાંથી તેમને ખજૂર અને દૂધ મળી રહેતું. રાતે ઘરમાં જે કઇ પણ સીધું-સામાન બચે તે ગરીબોને વહેંચી દેતા. આવતી કાલ માટે બચાવી રાખવું એને તેઓ અલ્લાહ પર વિશ્વાસની ઉણપ કહેતા. પરિણામે જ્યારે ખજૂરની મોસમ ન હોય ત્યારે કે જાનવરો દૂધ ન દેતા હોય ત્યારે તેમને અને તેમના ઘરવાળાને વારંવાર ઉપવાસ કરવા પડતા. કેવળ ખજૂર અને પાણી પર કુટુંબના સભ્યો મહિનાઓ કાઢી નાખતા. તેમના મૃત્યુ પછી એકવાર કોઈકે હઝરત આઈશાએ 

પૂછ્યું, “તો પછી આપ બધા કેવી રીતે જીવતા ?”

હઝરત આઈશાએ ઉત્તર આપ્યો,

“મદીના વાળા અમને જે કઈ  મોકલતાં તેના આધારે”

પોતાના ઘરમાં મહંમદ સાહેબ પોતાના હાથે ઝાડુ કાઢતા. પોતાની બકરીઓ ને દોહતા. પોતાના ફાટેલા કપડા ને  પોતે થીગડા મારતા. પોતાના હાથે પોતાના ચપલ સીવતા. અને પોતાના ઊંટને  પોતે જ ખરેરો કરતા. તેઓ ખજૂરીની ચટાઈ પર કે ખુલ્લી જમીન પર સૂતા. છેલ્લી માંદગીના દિવસોમાં એક વાર તેમની પીઠ પર સાદડીના નિશાન પડેલા જોઈ. કોઈએ સાદડી પર ગાદી પાથરવાની રજા માંગી. ત્યારે તેઓ બોલી ઉઠ્યા હતા,

“હું આરામ ભોગવવા પેદા નથી થયો.”

ક્યારેક કોઈ મહેમાન તેમને ત્યાં આવે ત્યારે પોતે ભૂખ્યા રહીને મહેમાનને પ્રેમપૂર્વક જમાડતા.  ઇરાન, રોમ અને ઇથોપિયાના એલચીઓ મહંમદ સાહેબના દરબારમાં આવતાં જતાં રહેતા. તે દિવસોમાય આરબોના આ અનોખા બાદશાહ કદી કોઈ પ્રકારના સિંહાસન, ગાદી કે કોઈ ઊંચા આસન પર નથી બેઠા. તેઓ બીજા  આમ લોકો સાથે મળીને એવી રીતે જમીન પર બેસી જતા કે જેથી કોઈને કશો ભેદ ન દેખાય. તેઓ આવે ત્યારે તેમના માનમાં કોઈ ઉભું થતું  તો તેનું પણ તેમને દુઃખ થતું અને તેઓ નારાજ થતા.

સાદગીના અને સ્વાવલંબનને જીવનભર જીવનમાં સાકાર કરનાર મહંમદ સાહેબને સલામ.

 

Wednesday, October 14, 2020

સૂફી સાધિકા રાબિયા : ડૉ. મહેબૂબ દેસાઈ

 હઝરત રાબિયાનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હતો. તે  સાચા અર્થમાં રહસ્યવાદી હતા.

મુસ્લિમ સૂફી સાધકોમાં સાધિકા રાબિયા અંગે આ અગાઉ લખ્યું છે. પણ વાચકો રાબિયાના જીવન કવન

અંગે વધુ ને વધુ જાણવા વારંવાર ઉત્સુક છે. તેમનો જીવનકાળ સન ૭૧૭ થી ૮૩૦ સુધીનો માનવામાં આવે છે. જે દિવસ રબીયાનો જન્મ થયો, એ દિવસે તેમના પિતા પાસે પહેરવાના પૂરતા કપડા પણ ન હતા. તેમના પિતાને ત્રણ પુત્રીઓ હતી. અને એ ચોથું સંતાન હતા. એટલે તેમનું નામ રાબિયા અર્થાત ચોથી રાખવામાં આવ્યું. અરબીમાં “રાબીઅહ”નો અર્થ ચોથી થયા છે. એમનો જન્મ બસરા શહેરમાં થયો હતો. તેથી તેમને રાબિયા બસરી કહેવામાં આવતા. તેમની ઉમર થોડી મોટી થઈ ત્યારે તેમના માતા પિતાનું અવસાન થઈ ગયું. એ સમયે બસરામાં મોટો દુષ્કાળ પડ્યો. એટલે  ચારે બહેનો એક બીજાથી વિખુટી પડી ગઈ. તેના માતા-પિતાના મૃત્યુ પછી તેમના  એક  દુષ્ટ સગાએ થોડા સિક્કાઓ માટે રાબિયાને ગુલામ તરીકે વેચી દીધી. રાબિયા તેમના માલિકનું દિવસ-રાત કામ કરતા અને રાતના પોતાની ઓરડીમાં ખુદાની ઈબાદત કરતા રહેતા. એક દિવસ રાતે તેમના માલિકે રાબિયાની ઓરડીમાં નજર કરીને જોયું તો રાબિયા ખુદાની  ઈબાદતમાં લીન બેઠા હતા. અને ખુદાને પ્રાર્થના કરી રહ્યા હતા,

 “ હે ખુદાવંદ,  તમે તો મારા દિલની વાત જાણો છો કે હું તો તમારી સેવા કરવા ઈચ્છું છું. પણ તમે તો મને અન્યની ગુલામ બનાવી દીધી છે.”

 રાબિયા દુવા માંગતા હતા ત્યારે એક દીવો વિના આધારે રાબિયાના મસ્તક ઉપર ઝળહળી રહ્યો હતો. રાબિયાની આ દુવા અને અધ્ધર રહેલા દીવાને જોઇ આશ્ચર્યચકિત થયેલ માલિકે બીજે દિવસે રાબિયાને બોલાવીને કહ્યું,

 “રાબિયા, તમને હું આજથી મારી ગુલામીમાંથી મુક્ત કરું છું. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છે.”

 માલિકની રજા લઇ રાબિયા બસરી શહેરને છેવાડે એક નાની ઓરડીમાં રહેવા ચાલ્યા ગયા. એ ઓરડીમાં એક ચટાઈ હતી. એક માટીનો ઘડો હતો. દિવસ રાત રાબિયા પરમાત્માના ધ્યાનમાં મગ્ન રહેતા. એમનું હૃદય ખુદાના પ્રેમથી સદાય છલોછલ રહેતું. એક વાર એને કોઈ કે પૂછયું “રાબિયા લગ્ન કરવાની તમને ઈચ્છા નથી થતી ?” રાબિયાએ કહ્યું,

 “શરીર સંબંધી લગ્ન ? મારું શરીર મારું ક્યાં છે ? આ શરીરને તો મે ક્યારનું ખુદાને સમર્પિત કરી દીધું છે. મારું શરીર તેની આજ્ઞાને આધીન છે.  ખુદાના કાર્યોમાં જ મારું શરીર સતત સેવા આપી રહ્યું છે.”

 એક દિવસ રાબિયાએ સ્વપ્નમાં  હઝરત મહંમદ સાહેબને જોયા. સ્વપ્નમાં પયગંબર સાહેબે રાબિયાને પૂછ્યું

  “રાબિયા તું મને પ્રેમ કરે છે ?”

 ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર રાબિયાએ કહ્યું,

“હે અલ્લાહના રસૂલ, એવો કોણ ઇન્સાન આ દુનિયામાં છે જે આપને પ્રેમ કરતો ન હોય ? પણ ખુદાના પ્રેમએ મારા ઉપર એવો અધિકાર જમાવી દીધો છે કે એમના સિવાય અન્ય કોઈ સાથે પ્રેમ કે   ધૃણા કરવાને સ્થાન જ મારા હૃદયમાં નથી.”

 પરમ સૌંદર્ય સ્વરૂપ ખુદાને રાબિયાએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. સૂફી સાધિકા તરીકે એની ખ્યાતી દૂર દૂરના દેશો સુધી ફેલાઈ ગઈ હતી. રોમ અને ઇજિપ્તના સૂફી સાધકો  એમને મળવા બસરા આવતા. દિવસો સુધી એમની સાથે સત્સંગ કરતા. અને પરમાત્માને પામવાના પ્રેમ માર્ગની કંઠી બાંધી જતા. પોતાના ભીતરમાં રહેલા પરમાત્મા પ્રેમના અજવાળાને રાબિયા વિશેષ મહત્વ આપતા. એક વાર  કોઈએ એમને કહ્યું,

 “રાબિયા, વસંતઋતુ ખીલી છે. તેનું સૌંદર્ય જોવા ઓરડાની બહાર આવો.”

 બંધ ઓરડામાં ઉપાસના કરી રહેલા રાબિયાએ તેને કહ્યું,

 “તું ઓરડામાં આવ અને પ્રકૃતિનું જે સૌંદર્ય  જેણે નિર્માણ કર્યું છે તે પરમાત્માને જો.”

અબ્દુલ ઉમર લખે છે

“એકવાર હું અને સૂફી સંત સુફિયાન હઝરત રાબિયાની માંદગીના સમાચાર જાણી તેમના ખબર અંતર પૂછવા ગયા. હઝરત રાબિયાની વિદ્વતાથી અમે પરિચિત હતા. એટલે તેમની સાથે કઈ પણ વાત કરતા અમે ખચકાતા હતા. ત્યાજ હઝરત રાબિયા બોલ્યા,

“હઝરત સુફિયાન આપને કઈ કહેવું હોય તો કહો.”

હઝરત સુફિયાન બોલ્યા,

“દેવી, આપ ખુદાને પ્રાર્થના કરો કે ખુદા આપને સ્વસ્થ કરી દે.”

હઝરત રાબિયાએ સંત સુફિયાન સામે જોઈ કહ્યું,

“હઝરત સુફિયાન તમે નથી જાણતા કે માંદગી કોની ઇચ્છાથી આવે છે ?”

“હા, હું જાણું છું કે માંદગી તો ખુદાના આદેશથી જ આવે છે.

“જયારે આવું જાણો છો તો પછી મને એવું શા માટે કહો છો કે મારે તેની ઈચ્છા વિરુદ્ધ મારા સાજા થવાની દુવા માંગવી જોઈએ ? જેને આપણે અપાર પ્રેમ કરતા હોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ દુવા કરવી એ પ્રેમીનું કર્તવ્ય છે ?”

 રાબિયાનું જીવન સાદાઇમાં અને પ્રભુ ઉપાસના સતત રત રહ્યું. પ્રેમ ભક્તિ અને પરમાત્માને પોતાનું સર્વસ્વ સોંપી દેવું એ તેની વિશેષતા હતી. નિષ્કામ પ્રેમની એ પુજારણ હતા .

હઝરત રાબિયા ખુદાને હંમેશા જે દુવા કરતા તે પણ  જાણવા જેવી છે. ખુદાને દુવા કરતા તેઓ કહેતા,

“હે ખુદા, તે આલોકમાં મારે માટે જે કઈ નક્કી કરેલું હોય, તે તમારા  વિરોધીઓ (નાસ્તિકોને) ને આપજો. અને પરલોકમાં જે કાંઈ નક્કી કરેલું હોય, તે મારા મિત્રો (ભક્તો) ને  આપજો. કેમ કે મારે પોતાને માટે તો આપ જ બસ હોઈ, આપ સિવાઈ બીજું કશું હું ચાહતી નથી. હું જો દોઝાકના ડરથી આપની ઈબાદત કરતી હોઉં તો હે ખુદા, મને દોઝાકમાં જ નાખજો. અને જો હું જન્નતના મોહમાં આપની ઈબાદત કરતી હોઉં તો તે જન્ન્નત મારા માટે હરામ છે. પરંતુ જો હું માત્ર આપને પ્રાપ્ત કરવા માટે જ આપની ઈબાદત કરતી હોઉં તો આપ આપના  દિવ્ય પ્રકાશમ્ય, પાક, નિર્મળ, નિર્દોષ અને સુંદર સ્વરૂપના દિદારથી મને વંચિત ન રાખશો   : આમીન.”