પ્રોફે. ડૉ મહેબૂબ દેસાઈ ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર (૧૯૯૮ થી ૨૦૧૨) અને ઇતિહાસ અને સંસ્કૃતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અધ્યક્ષ અને પ્રોફેસર(૨૦૧૨ થી ૨૦૧૮) તરીકે કાર્યરત હતા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક તરીકે તેમની કામગીરી ગાંધી વિચારના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર રહી છે. “દિવ્ય ભાસ્કર” “ફૂલછાબ” સૌરાષ્ટ્ર સમાચાર” “જયહિન્દ” જેવા અખબારોમાં તેમની કોલમો અવિરત ચાલતી રહી છે. “કુમાર” “પ્રબધ્ધ જીવન” “અખંડ આનંદ” “જનકલ્યાણ” “રંગતરંગ” “ચાંદની” “મેમન વેલ્ફેર” જેવા સામયિકોમાં પણ તેમની કલમ વાચકોને લુભાવતી રહી છે. તેમને ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તેમના સંશોધન ગ્રંથ “ભારતની સ્વાતંત્ર ચળવળના સંદર્ભમાં ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય ચળવળો (૧૯૨૦ થી ૧૯૪૭) માટે એનાયત થયું છે. ગાંધીજીને મળેલ માનપત્રો વિષયક તેમની “કુમાર” સામાયિકમાં પ્રસિધ્ધ થયેલ લેખમાળાને ૨૦૧૯મા કુમાર ચંદ્રક મળેલ થયેલ છે. તેમના બે પુસ્તકો “યાત્રા” અને “ઇતિહાસ, વિચાર અને સંવેદના”નું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની ચેમ્બરમાં થયું છે. જાણીતા કથાકાર પૂ. મુરારિબાપુ દ્વારા મહુવા મુકામે ૨૦૧૪ના તેમને "હુસૈન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિને
(૧૯૯૨) ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યપાલ શ્રી કમલ
બેનિવાલાના હસ્તે સન્માન પ્રાપ્ત કરનાર ડૉ દેસાઈ સ્વભાવે અને કર્મે શુધ્ધ અધ્યાપક
છે. તેઓ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન, ઇતિહાસવિદ, લેખક, સહિત્યકાર અને ઉત્તમ વક્તા
છે. ભારતની બિન સાંપ્રદાયિક્તાના જીવંત પ્રતિક છે. તેમના પિતાજી અને દાદા બંને
પોલીસ વિભાગમાં પોલીસ અધિકારી હતા, છતાં રાષ્ટ્રીય ચળવળના પ્રખર હિમાયતી અને
ખાદીધારી હતા. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરતાં
રહ્યા છે. ડૉ દેસાઈએ ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં સિધ્ધી અને પ્રસિધ્ધિ મેળવેલ
છે. તેમના ઇતિહાસ વિષયક ૨૫ ગ્રંથો ઇતિહાસ ક્ષેત્રે અત્યંત મૂલ્યવાન છે. મા.
નરેન્દ્રભાઇ મોદી તેમના વિષે લખે છે,
“પોતાના કાર્યકાળ દરમિયાન
ઇતિહાસનું શૈક્ષણિક કાર્ય કરતી યુવા પેઢીઓ તૈયાર કરવાનું, ગુજરાત સેવાઆયોગ તથા
અન્ય દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઇતિહાસના વિષય દ્વારા વિદ્યાર્થીઓને
સહાયભૂત થવાનું અને સાથે સાથે સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપીને ડૉ દેસાઈએ
તેમનો કાર્યકાળ માત્ર નિભાવ્યો નથી પરંતુ દિપાવ્યો છે.”
ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા તેઓ બજાવી રહ્યા છે. “ગીતા અને કુરાન” “ઇસ્લામ અને અહિંસા” “ભગતસિંહ અને ગાંધીજી” “સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો” “ભારતમાં સૂફીવાદનો ઉદ્ભવ, વિકાસ અને અસરો” “શિક્ષણ પધ્ધતિમાં સર્જનાત્મકતા” “બંદરિય શહેર ઘોઘા” “મહાત્મા ગાંધી અને ડૉ આંબેડકર” “સૂફી પરંપરા અનુપ્રણિત ગુજરાતી સંત સાહિત્ય” જેવા તેમના સંશોધન લેખો આંતર રાષ્ટ્રીય કક્ષાએ આજે પણ સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.૨૫ ઇતિહાસ વિષયક, ૧૦ પ્રવાસન વિષયક, ૧૨ આધ્યાત્મિક, ૧૦ સાહિત્ય વિષયક, ૫ સૂફીવાદ વિષયક અને ૧૦ શિક્ષણ વિષયક ગ્રંથોના સર્જક ડૉ દેસાઈ ૧૫૦ થી વધુ રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. છેલ્લે તેમનું વ્યાખ્યાન તાજમાનીયા યુનિવર્સિટીય (Austrlia)માં “ડૉ. ડૉક લિખિત ગાંધીજીનું પ્રથમ જીવનચરિત્ર” વિષય પર યોજાયું હતું.
ડૉ દેસાઈ ઉદારમતવાદી
રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવે છે. એ તેમના વ્યક્તિત્વનું ઉમદા અને નોંધનીય પાસું છે.
આપણા જાણીતા સાહિત્યકાર અને પદ્મશ્રી મા. ગુણવંતભાઈ શાહ ડૉ દેસાઈ વિષે લખે છે,
“નુતન ભારત થોડાક
મહેબૂબભાઈઓની અપેક્ષા કરે છે. જેથી ખાબોચિયામાં પુરાઈ ગયેલી કહેવાતી ધાર્મિકતાને
મહાસાગરની વિશાળતા સાંપડે” આપના જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુ ડૉ. દેસાઇને ૨૦૦૨ના
અશાંત વાતાવરણ સમયે કહે છે, “મહેબૂબ ભાઈ મારા આશ્રમમાં ચાલ્યા આવો મને તમારી ચિંતા
થાય છે.”
આવું ઉમદા અને રાષ્ટ્રીય
વ્યક્તિત્વ ૫ મેના રોજ કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવી રહ્યું છે. આપણે સૌ તેમને
આવકારી સ્નેહના સંબંધોને ઘાટા કરીએ, એ જ અભ્યર્થના.
No comments:
Post a Comment