LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Sunday, October 18, 2020

સાદગી અને સ્વાવલંબન : ડૉ. મહેબૂબ દેસાઈ

 સંયુક્ત રાષ્‍ટ્ર સંઘે (યુએનઆઇ) વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨ ઓક્ટોબરને આંતરરાષ્‍ટ્રીય “અહિંસા દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. અહિંસાના પુજારી ગાંધીજી અહિંસા સાથે સાદગી અને સ્વાવલંબીપણા માટે પણ જાણીતા છે. સાદાઈથી રહેવું અને જાતે કામ કરી લેવું બંને બાબતોમાં ગાંધીજીને ખાસ પ્રયત્ન કરી ને મનને તૈયાર નથી કરવું પડ્યું. વિલાયતમાં તેઓ ભણતા હતા ત્યારે  અન્નાહારી વીશીઓ શોધતા-શોધતા ગમે તેટલે દૂર પગપાળા ચાલીને જવામાં ગાંધીજી કયારેય આળસ અનુભવતા નહિ. અને એ પછી ગાંધીજી પોતાની રસોઈ જાતે બનાવતા શીખી ગયા હતા. ગાંધીજી બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન આવ્યા ત્યારે પણ મુંબઈમાં પોતાને ઘેરથી કોર્ટ સુધી તેઓ પગપાળા જતાં. દક્ષિણ આફ્રિકામાં તેમણે જોયું કે ગોરો હજામ પોતાના વાળ કાપવા તૈયાર નથી ત્યારે તેની ખુશામત કરવાને બદલે પોતાને હાથે જેમ તેમ વાળ કાપી લીધા હતા. અને ત્યારે કોર્ટમાં ગોરા બેરિસ્ટરે મજાક કરતા પૂછ્યું મિસ્ટર ગાંધી તમારા વાળ ઉંદરે કતરી ખાધા છે કે શું ? ત્યારે બાપુએ આખો કિસ્સો તેમને હસતા હસતા કહી  સંભળાવ્યો હતો.  ત્યાર પછી તેમણે ટોલ્સટોય અને રસ્કિનના પુસ્તકો વાંચ્યા. પરિણામે તેઓ સાદાઈ અને સ્વાવલંબન તરફ વધુ વળ્યા. ઝૂલું યુધ્ધના દિવસોમાં  એબ્યુલસ કોરનું કામ લઈને જે કષ્ટ ઉઠાવવા પડ્યા તેનું વર્ણન તેમણે તેમના ગ્રંથોમાં આપ્યું છે. માણસનું શરીર સહન કરી શકે તેથી વધારે કષ્ટ સહન કરી તેમણે એમ્બ્યુલન્સ કોરનું કામ કર્યું. ટોલ્સટોયનું પુસ્તક વાંચતા બ્રેડ લેબર (રોટી માટે મજૂરી) નો વિચાર પણ તેમને ગમી ગયો. એમને ખાતરી થઈ કે શરીરને જીવતું રાખવા જેણે ખાવું છે, તડકાથી બચવા માટે જેણે વસ્ત્રો પહેરવા છે, તેણે અન્ન વસ્ત્રોના ઉત્પાદનમાં કાઈને કાઈ ભાગ લેવોજોઈએ. હરિજનોના દુઃખ દૂર કરવા હોય તો ઝાડો પેશાબ સાફ કરવાનું, પાયખાના સાફ કરવાનું કામ પણ હાથે કરવું જોઈએ અને કામમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી સફાઈના કામને આદર્શ સુધી તેઓ લઇ ગયા. અને તેનો કડક રીતે પોતાના જીવનમાં તેમણે અમલ પણ કર્યો.

 

આવી સાદગી અને સ્વાવલંબનને ગાંધીજી પૂર્વે  ૧૨૯૮ વર્ષ પહેલા સાકાર કરનાર અરબસ્તાનમાં જન્મેલ હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.) હતા મહંમદ સાહેબની સાદગી અને સ્વાવલંબી જીવન આજે પણ માનવ સમાજ માટે એક મિશાલ છે.

 

મહંમદ સાહેબની જીવનભરની પોતાની મિલકતમાં કેટલા ખજૂરીના ઝાડ થોડા ઊંટ અને બકરા હતા. આમાંથી તેમને ખજૂર અને દૂધ મળી રહેતું. રાતે ઘરમાં જે કઇ પણ સીધું-સામાન બચે તે ગરીબોને વહેંચી દેતા. આવતી કાલ માટે બચાવી રાખવું એને તેઓ અલ્લાહ પર વિશ્વાસની ઉણપ કહેતા. પરિણામે જ્યારે ખજૂરની મોસમ ન હોય ત્યારે કે જાનવરો દૂધ ન દેતા હોય ત્યારે તેમને અને તેમના ઘરવાળાને વારંવાર ઉપવાસ કરવા પડતા. કેવળ ખજૂર અને પાણી પર કુટુંબના સભ્યો મહિનાઓ કાઢી નાખતા. તેમના મૃત્યુ પછી એકવાર કોઈકે હઝરત આઈશાએ 

પૂછ્યું, “તો પછી આપ બધા કેવી રીતે જીવતા ?”

હઝરત આઈશાએ ઉત્તર આપ્યો,

“મદીના વાળા અમને જે કઈ  મોકલતાં તેના આધારે”

પોતાના ઘરમાં મહંમદ સાહેબ પોતાના હાથે ઝાડુ કાઢતા. પોતાની બકરીઓ ને દોહતા. પોતાના ફાટેલા કપડા ને  પોતે થીગડા મારતા. પોતાના હાથે પોતાના ચપલ સીવતા. અને પોતાના ઊંટને  પોતે જ ખરેરો કરતા. તેઓ ખજૂરીની ચટાઈ પર કે ખુલ્લી જમીન પર સૂતા. છેલ્લી માંદગીના દિવસોમાં એક વાર તેમની પીઠ પર સાદડીના નિશાન પડેલા જોઈ. કોઈએ સાદડી પર ગાદી પાથરવાની રજા માંગી. ત્યારે તેઓ બોલી ઉઠ્યા હતા,

“હું આરામ ભોગવવા પેદા નથી થયો.”

ક્યારેક કોઈ મહેમાન તેમને ત્યાં આવે ત્યારે પોતે ભૂખ્યા રહીને મહેમાનને પ્રેમપૂર્વક જમાડતા.  ઇરાન, રોમ અને ઇથોપિયાના એલચીઓ મહંમદ સાહેબના દરબારમાં આવતાં જતાં રહેતા. તે દિવસોમાય આરબોના આ અનોખા બાદશાહ કદી કોઈ પ્રકારના સિંહાસન, ગાદી કે કોઈ ઊંચા આસન પર નથી બેઠા. તેઓ બીજા  આમ લોકો સાથે મળીને એવી રીતે જમીન પર બેસી જતા કે જેથી કોઈને કશો ભેદ ન દેખાય. તેઓ આવે ત્યારે તેમના માનમાં કોઈ ઉભું થતું  તો તેનું પણ તેમને દુઃખ થતું અને તેઓ નારાજ થતા.

સાદગીના અને સ્વાવલંબનને જીવનભર જીવનમાં સાકાર કરનાર મહંમદ સાહેબને સલામ.

 

No comments:

Post a Comment