LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Saturday, September 11, 2021

:ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                         બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .

 

Sunday, April 11, 2021

સિંધના સૂફી સચલ : ડૉ. મહેબૂબ દેસાઈ


દર રમઝાનના ૧૩માં રોઝા પર ત્રણ દિવસ માટે જેમનો ભવ્ય ઉર્સ તેમની મૃત્યું તિથી પર ઉજવાય છે, એવા સિંધના પ્રસિદ્ધ સુન્ની સૂફી સચલ સર મસ્ત (૧૭૩૯-૧૮૨૭) નું મૂળ નામ અબ્દુલ વહાબ હતું. પિતાનું નામ સલાહુદ્દીન અને  દાદાનું નામ સાહિબુદ્દીન હતું. સચલ સર મસ્તના નામે જાણીતા થયેલા આ સંતના નામમાં જ તેમના ગુણો વ્યક્ત થયા છે. સચલ અર્થાત સત્યવાદી. સર મસ્ત એટલે ખુદાના નશામાં મસ્ત. ઈ.સ. ૧૭૩૯માં સિંધના ખૈરપુર રાજ્યના દરાઝ ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી હતી. કાકા અબ્દુલ હક્કે બાળક અબ્દુલા વહાબનું પાલન પોષણ કર્યું અને તેમને આધ્યાત્મિક જ્ઞાનથી તરબતર કર્યા. સૂફી સંત તરીકેની તેમની પ્રસિદ્ધિને કારણે તેમના ગામ દરાઝને લોકો દર-એ-રાઝ અર્થાત આધ્યાત્મિક માર્ગના દ્વાર તરીકે ઓળખાવતા હતા.

એકવાર સૂફી સંત લતીફ શાહ તેમના ગામમાંથી પસાર થયા. તેમની નજર શેરીમાં રમતા બાળક અબદુલ વહાબ પર પડી. તેમણે અબ્દુલ વહાબના ચહેરા પરના તેજને પામી જી તે અંગે પૂછપરછ કરી. જયારે તેમને જાણ થઇ કે આ તો ખુદાના પાક બંદા સલ્લાહુદ્દીનનો પુત્ર છે, ત્યારે તેમણે પોતાનો જમણો હાથ બાળક અબ્દુલ વહાબના મસ્તક પર મૂક્યો અને ફરમાવ્યું,

“મેં પાત્ર (વાસણ)ને આગ પર ચઢાવી દીધું છે. તેનું ઢાકાણ હવે તેના દ્વાર ખોલી નાખશે.

આવી આધ્યાત્મિક ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. અબદુલ વહાબ યુવા અવસ્થામાં જ ખુદાના પ્રેમ અને સંગીતનો દીવાનો બની ગયો. તેમની વાણીમાં ખુદાનો પ્રેમ અને આરાધના અવિરત છલકતા હતા. એકવાર સંત સચલને કોઈકે પૂછ્યું,

“આપ ક્યારે જન્મ્યા ? આપના માતાપિતા કોણ છે ?”

આપે જવાબ આપ્યો,

“હું જન્મ્યો નથી

 નથી કોઈએ મારું પોષણ કર્યું

 મેં સ્વર્ગને ખુદ છોડ્યું,

 તે મને પોષી ન શક્યું

 હું મારી ખુશીથી

 ધૂળમાંથી અવતર્યો છું

 અને એટલે જ

 હું અનંત છું, સર્વવ્યાપક છું

 પણ લોકોની ભૂલ છે

 કે તેઓ મને સચલ કહે છે”

વીસ વર્ષની વયે કુરાને શરીફ જેમને કંઠસ્થ હતું. ઇસ્લામી શરીયત (કાનૂન)ના જે તજજ્ઞ હતા. જેમના પર પર્શિયન કવિઓ અલ્લુદ્દીન સત્તાર અને હાફીઝની ગાઢ અસર હતી. સૂફીમાર્ગનો પ્રકાશ આપનાર તેમના કાકા અબ્દુલ હક્ક જેમના ગુરુ હતા. સિંધી મુસ્લિમ અને હિંદુઓના જેઓ પ્રિય હતા તેવા સચલ સર મસ્તે ભગવાન શ્રીકૃષ્ણ પર રચેલા કાવ્યો પણ માણવા જેવા છે.

“હે  આશ્ચર્ય જનક જોગી

 તારી વાંસળીની સૂરાવલી

 કેવી મધુરતા હતી.”

સૂફી સચલની રચનોમાં ગહનતા, સરળતા અને સર્વધર્મ સમભાવના જોવા મળે છે. સચલ આધ્યાત્મિક જ્ઞાનનો દરિયો હતા. અનેક ભાષાના તેઓ જાણકાર હતા. સિંધી, શ્રીલંકન, પર્સિયન, ઉર્દુ, બલુચી, પંજાબી અને એરેબીક ભાષાના તેઓ પ્રખર જાણકાર હતા. સચલના કાવ્યોમાં સમભાવના કેન્દ્રમાં હતી. માત્ર શુદ્ધ ઈબાદત (ભક્તિ)ના જ તેઓ આશક હતા. ખુદા ઈશ્વર પ્રત્યેના અલૌકિક પ્રેમને જ તેમણે પોતાના ભક્તિ કાવ્યોમાં વ્યક્ત કરેલ છે.

“અમે કાબાને અમારા હદયમાં નિહાળ્યું

 હવે મક્કા જવાની શી જરૂર

 જયારે મારું મન જ મસ્જિત છે

 પછી મસ્જિતમાં જવાની શી જરૂર ?

 મારી નસોમાં જ ખુદા વહે છે

 પછી કલમા પઢવાની શી જરૂર ?

 સચલ ખુદાના પ્રેમથી ઘવાઈ ગયો છું

 પછી ખંજરથી ઘાયલ થવાની શી જરૂર ?

સચલની રચનાઓનું સંક્ષ્પ્તીકરણ કરવાનો યશ આગા સૂફીને જાય છે. ૧૯૩૩માં તે સંગ્રહ શિકારપુર (સિંધ) થી પ્રકાશિત થયો હતો. તેમાં સચલનું જીવન ચરિત્ર અને તેમની આધ્યાત્મિક  રચનાઓનું વિષ્લેષણ આપવામાં આવ્યું છે. સૂફી સચલે પોતાના વિચારોને વાચા આપવા ઉર્દુ-પંજાબી ભાષાનો બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે ફારસીમાં પણ લખ્યું છે. પણ મોટે ભાગે તેમણે સિંધીમાં વધુ લખ્યું છે. ઇ.સ. ૧૮૨૭માં સચલના જીવન પર પડદો પડી ગયો. છતાં સિંધમાં તેમના ગીતો આજે પણ લોકજીભે રમે છે.

 

 

Thursday, April 8, 2021

સૂફી સાહિત્યમાં જીવનની ક્ષણભંગુતા : ડૉ. મહેબૂબ દેસાઈ

 સૂફી સાહિત્યમાં જીવનની અલ્પતા અને તેની મોહમાયાની ક્ષણભંગુતા વિષે ઘણું લખાયું છે. અલબત સૂફી કવિઓ અને સંતોની ભાષા અને શૈલીની ભિન્નતા તેમાં વ્યક્ત થાય છે. પણ એ જ તો  તેની સાચી ખૂબસૂરતી છે. ખુદાના ઘરમાં તમારા ઠાઠમાઠ નકામા છે. દૂનિયાની શાનોશૌકત અહીં જ રહેવાની છે. ઈશ્વરને ત્યાં તેનું કોઈ મુલ્ય નથી. તેની દ્રષ્ટિમાં તો તમારા સદકાર્યો તમારી મૂડી છે. તમારી શાલીનતા તમારી લાયકાત છે. તમારી માનવતા તમારી ઓળખ છે. અને એટલે જ જે કઈ જીવન તમને મળ્યું છે તેને એવી રીતે વ્યતીત કરો કે તે એક મિશાલ બની જાય. દ્રષ્ટાંત બની જાય. વ્યક્તિ અને સમાજ માટે પ્રેરણા બની જાય. આ જ વિચારને રજુ કરવાની ભાષા અને શૈલી  દરેક સંત કે કવિની અલગ અલગ છે. જે સાચે જ માણવા જેવી છે.

કબીરે જીવનની ક્ષણભંગુતાને પોતાના આચાર સાથે વિચારોમાં પણ સાકાર કરેલ છે.  તેઓ લખે છે,

“ઇસ તન ધન કિ કૌન બડાઈ

 દેખત નૈનન, મિટી મિલાઈ

 અપને ખાતિર મહલ બનાયા

 આપહિ જાકાર જંગલ સોયા

 હાડ જલે જૈસે લકડી કી મૌલી

 બાલ જલે જૈસે ઘાસ કી પોલી

 કહત કબીર સૂન મેરે ગુનિયા

 આપ મરે પીછે ડૂબ ગઈ દૂનિયા”

કબીરના વિચારોને આમ ભાષામાં મુકતા કહી શકાય કે,

 

“આ તન (શરીર) અને ધન (સંપતિ) ની સુંદરતા અને ભવ્યતાનો ગર્વ ન કર. જયારે શરીરમાંથી શ્વાસ હણાઈ જશે. ત્યારે એક પળમાં તારો ગર્વ માટીમાં મળી જશે. તે બનાવેલો મહેલ તારા કશો  કામ નહિ આવે. અંતે તો તારે જંગલમાં જઈને જ સૂવાનું છે. શરીરની સુંદરતા પલભરની છે. હાડ અને વાળ તો જીવનની અલ્પતા સાથે ભસ્મ થઇ જવાના છે. જયારે મૃત્યું આવશે ત્યારે જીવનનો સમગ્ર ઠાઠ અહિયાં જ રહી જવાનો છે.”

જીવનના આ ઠાઠની અલ્પતાને સૂફી સંત નઝીર પોતાની શૈલીમાં વ્યક્ત કરતા લખે છે,

“ જબ ચલતે ચલતે  રસ્તે મેં

  યહ ગૌન તેરી ઢલ જાયેગી

  એક બધિયા તેરી મીટ્ટી પર

  ફિર ઘાસ ન ચરને આયેગી

  યહ ખેપ જો તુને લદી  હૈ

  સબ હિસ્સો મેં બાત જાયેગી

  ધી પૂત જમાઈ બેટા કયા

  બંજારન પાસ ન આયેગી

  સબ ઠાઠ પડા રાહ જાયેગા

  જબ લાદ ચેલેગા બંજારા”

કવિ નઝીરની રચનો ભાવ પણ માણવા જેવો છે,

“વેપાર ધંધામાં તું કરોડો રૂપિયા કમાયો.  ગાડી, વાડી ને લાડી ત્રણેને પ્રાપ્ત કરીને તું ઠાઠમાઠથી જીવન જીવી રહ્યો છે. જમીનથી વેંત ઉંચો ચાલે છે. આમ જ બાદશાહીથી દિવસો પસાર થઇ  જવાના  છે, એમ માની મગરૂરીથી તું જીવી રહ્યો છે. પણ એક દિવસ તારી આ ગૌન, આ શરીર તને ભારે પડી જશે. એક દિવસ તારું શરીર ગમે ત્યારે ગમે તે સંજોગોમાં નષ્ટ થઇ જશે. ઢળી પડશે. શ્વાસ થંભી જશે. ત્યારે તારા શરીરને જ્યાં અગ્નિદાહ કે દફનાવવામાં આવશે, એ જમીન પર જે ઘાસ ઉગશે એ ઘાસ પણ બળદ કે બકરી ચરવા આવશે નહિ. ખેત, માલ મિલકત, સંપતિ તું જેના માટે કમાયો છે તે તારી દીકરી, પુત્ર, જમાઈ, પત્ની કોઈ તારી પાસે આવશે નહિ. તારી સંપતિ તેઓ અંદર અંદર વહેચી લેશે. માટે ચેત. પરમાત્માએ આપેલ આ અલ્પ માનવ શરીરને અન્ય માટે, કલ્યાણ માટે ઉપયોગ કરી તારી મૌત પછીને સફર માટે સદ્કાર્યોની સંપતી ભેગી કર.”   

 

કવિ નઝીરની એક ઔર રચના “મૌત કા ડેરા” પણ આ જ વિચારનો વિસ્તાર કરે છે.

 

“કયા જીપર બોઝ ઉઠતા હૈ

 ઇન ગૌનો ભારી ભારી કે

 જબ મૌત કા ડેરા  આન પડા

 ફિર દોનો હૈ વ્યોપારી કે

 કયા સાજ જડાઉ જર જેવર

 કયા ગોટે થાન કિનારી કે

 કયા ઘોડે જીન સુનહરી કે

 કયા હાથી લાલ અમારી કે

 સબ ઠાઠ પડા રાહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”

 

નકશીદાર જડતર કરેલા સોનાના દાગીના, અલંકારો, તારી સ્ત્રી માટે તે બનાવી આપેલી કીમતી ચોળી, કબજા, ઉંચી ઔલાદના ઘોડા અને સોના, જીન ને હાથી અંબાડી. આ બધો સાજો સામાન  તારી ખુશીનો સામાન નથી. પણ તારી વ્યથા અને દુઃખનો સમાન છે. તારી ગોન, તારું શરીર આ સાજો સામાનથીજ એક દિવસ ઢળી જશે. તારો બધો વૈભવ એક પળમાં છૂટી જશે. માટે તું તારા કલ્યાણ માટે સદકાર્યોનું ધન એકત્ર કર.

હાલમાં જ હર્ષ બ્રહ્મભટ્ટનું એક સુંદર પુસ્તક “એક અભિન્ન અનુબંધ” વાંચવામાં આવ્યું. તેમાં હિંદી ફિલ્મના ગીતોના કાવ્યતત્વ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. એ સંગ્રહમાં તેમણે કવિ શૈલેન્દ્રના  “તીસરી કસમ” ફિલ્મના એક ગીતની સુંદર ચર્ચા કરી છે. એ ગીત પણ જીવનની ક્ષણભંગુરતાને વ્યક્ત કરે છે. કબીર અને કવિ નઝીરની રચનાઓ સાથે તેની સમાનતા અદભૂદ રીતે માણવા જેવી  છે.

“સજન રે જુઠ મત બોલો

 ખુદા કે પાસ જાના હૈ

 ન હાથી હૈ ન ઘોડા હૈ

વહાં પૈદલ હી જાના હૈ

 

તુમ્હારે મહેલ ચોબારે

યહી રહ જાયેંગે સારે

અકડ કિસ બાત કિ પ્યારે

એ સર ફિર ભી ઝૂકના હૈ

 

ભલા કીજે ભલા હોગા

બુરા કીજે બૂરા હોગા

બહી લિખ લિખ્ કે કયા હોગા

યહી સબ કુછ ચુકાના હૈ

 

જીવનની કડવી ક્ષણભંગુતાને અભિવ્યક્ત કરતી આવી રચનો આજે પણ એટલી જ જીવંત લાગે છે જેટલી જીવનની ક્ષણભંગુતા છે. આજે કોરોના કાળે આપણને જીવનની અલ્પતા અને અનિશ્ચિતાનો નજીકથી અહેસાસ કરાવ્યો છે. એ એહસાસ માનવ મુલ્યોને સમાજમાં પ્રસરાવવામાં સહભાગી બનશે તો કદાચ આપણે સૌ પુનઃ ઈશ્વર ખુદાના ડરને મહેસૂસ કરી, મુલ્યો અને સદ્કાર્યોના માર્ગ પર અવશ્ય પાછા ફરીશું. અને કદાચ એ જ કોરોનાની અસરકારક વેક્સીન સાબિત થશે.