LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Saturday, December 12, 2020

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

 છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ ઇન્ફ્લેક્ષન માની નજીકના એક દાકતર પાસેથી સાધારણ દવા લઇ આવ્યો. પણ કઈ ઝાઝો ફેર ન પડ્યો. સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ચાલી. અંતે મેં મારા ફેમીલી દાકતર સબ્બીર ગડીને ફોન કર્યો. તેમણે મને તુરત આવી જવા કહ્યું. અસ્વસ્થ શરીરે ગાડી ડ્રાઈવ કરી હું અને મારી પત્ની સાબેરા દાકતરના દવાખાને પહોંચ્યા. આજકાલ કોરોનાને કારણે દવાખાનાઓ ઉભરાવા લાગ્યા છે. લગભગ અડધા કલાક પછી અમારો વારો આવ્યો. દાકતર સબ્બીર ગડી  યુવાન છે. પણ ખાસ્સા અનુભવી છે. તેમના નિદાનમાં હંમેશા વજૂદ હોય છે. મારું. બી.પી. અને પલ્સ ચેક કરી તેમણે મને દવાઓ લખી આપતા કહ્યું,

“દેસાઈ સાહેબ, તમારું સંપૂર્ણ ચેક અપ કરાવી લો. મને કોરોનાનો ડર છે.”

તેમનું વિધાન સાંભળી હું અને સાબેરા ભયભીત થયા. પણ તેમણે સાંત્વન આપતા કહ્યું,

“ચિંતા કરવાની જરૂર નથી. પણ ચેકઅપ કરાવી લો તો સારું.”

હું અને સાબેરા દવાનું પ્રિસ્ક્રીશન લઇ બહાર આવ્યા. અને ત્યાંથી સિદ્ધાં ચેક અપ કરાવવા લેબોરેટરીસમાં પહોંચ્યા. કોરોનાને કારણે ત્યાં પણ ભીડનો માહોલ હતો.  સંપૂર્ણ ચેક અપ કરાવતા અમને એકાદ કલાક લાગ્યો. પછી રીપોર્ટની રાહમાં બીજો અડધો કલાક ઇન્તઝાર કર્યો. બધા રીપોર્ટ હાથમાં આવી ગયા. તેમાં કોરોના પોઝીટીવ જોઈ મારી અને સાબેરાની ચિતા વધી ગઈ. લગભગ ૨૮ જેટલું કોરોનાનું પ્રમાણ હતું.

ડૉ. સબ્બીરભાઈનો સંપર્ક  કર્યો. પણ તેમણે તો સ્વસ્થ સ્વરે એટલું જ કહ્યું,

“ચિંતા ન કરો મેં જે દવા લખી આપી છે તે નિયમિત પાંચ દિવસ લો. પાંચ દિવસ પછી મને બતાવી જશો. સંપૂર્ણ કોરોનટાઈન પાળશો. રૂમમાંથી બિલકુલ બહાર ન નીકળશો. અન્યને પણ તમારા રૂમમાં પ્રવેશવા ન દેશો. અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો મને તુરત ફોન કરશો.”

આવા સંજોગોમાં હંમેશા સેકંડ ઓપીનીઅન લેવાનો મારો સ્વભાવ છે. મારા પરમ મિત્રોમાંના એક છે ડૉ. મુસ્તાક કુરેશી. તેમની સાથેનો મારો નાતો ટૂંકો છે. પણ થોડા સમયમાં અમારી ઘનિષ્ટતા આત્મીય બની ગઈ છે. વલસાડ પાસે પારડી હાઇવે પર તેમની પ્રતિષ્ઠિત પારડી હોસ્પિટલ છે. અનેક કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર તેઓ કરી ચૂક્યા છે. એટલે મેં વોટ શોપ પર તેમને મારો રીપોર્ટ મોકલ્યો. અને તેમનો તુરત ફોન આવ્યો.

“મહેબૂબભાઈ, કોરોના પોઝીટીવ છે. હવે જરા પણ વિચાર કર્યા વગર હું ગાડી મોકલું છું. આપ મારી ઇસ્પતાલે આવી જાવ. અહિયાં તમારી બધી તકેદારી લેવાશે. આપે એક પણ પૈસો ખર્ચવાનો નથી. બધું થઇ પડશે.”

તેમની લાગણીએ મને ભીજવી નાખ્યો. પણ વલસાડ ઈસ્પિતાલમાં દાખલ થવું મારા માટે શક્ય ન હતું. સામાજિક અને વ્યવસાયિક સબંધોને છેક વલસાડ સુધી ખેંચાવું પડે. વળી, સાબેરાને પણ મારી સાથે વલસાડમાં રહેવું પડે. એટલે મેં કુરેશી સાહેબને કહ્યું,

“આભાર કુરેશી સાહેબ, હું આ અંગે વિચારીને આપને જણાવીશ.”

અને અંતે મેં અમદાવાદમાં જ ડૉ. સબ્બીરભાઈ ગડીના માર્ગદર્શન તળે સારવાર લેવાનું નક્કી કર્યું.

 

જો કે સબ્બીરભાઈની પાંચ દિવસની શારીરીક અને માનસિક કેદના વિચારે મને પ્રથમ ધ્રુજાવી મુક્યો. ઘરમાં પગવાળીને બેસવાની જેને ટેવ ન હોય તેવા જીવને આ રીતે રૂમમાં કેદ રહેવું કેમ ગમે ? પણ હવે તો બીજો કોઈ વિકલ્પ જ ન હતો. ઘરે આવી મેં મારા બેડ રૂમમાં પ્રવેશ કર્યો. આજે તો સ્માર્ટ ફોન જેમ આપણા ઘરોના બેડરૂમ પણ સ્માર્ટ થઇ ગયા છે. સ્માર્ટ ટીવી, અનલિમિટેડ ઈન્ટરનેટ, લેપટોપ, પ્રિન્ટર, પુસ્તકો અને ઓડિયો સિસ્ટમથી સજ્જ મારો બેડ આજે મને કોઈ આધુનિક પ્રાશ્ચાત્ય જેલ જેવો લાગ્યો. પણ કોરોનાનો ભય મારા મનમાં એવો પ્રસરી ગયો હતો. કે આવી જેલમાં રહેવા મેં મનને મનાવી લીધું.

પાંચ દિવસ નિયમિત દવાઓનું સેવન અને શક્તિવર્ધક ટેબ્લેટ અને ભોજનની તકેદારી રાખવામાં સાબેરાએ કાફી તકેદારી રાખી. આમ તો દવાઓની અસરને કારણે રાત્રે નિયમિત મારી આંખ સવેળા લાગી જતી. અને સવારે મોડે સુધી સૂઈ રહેવાનું બનતું. આવા જેલના માહોલમાં મેં ચાર દિવસ તો કાઢી નાખ્યા. શરીરમાંથી તાવે વિદાય લીધી હતી. કળતર પણ હવે રહ્યું ન હતું. શરદી અને ખાંસી હતા જ નહીં. દિવસમાં ચાર પાંચવાર ઓક્સીમીટર દ્વારા શરીરના ઓક્સિજનને માપી લેતો. ધીમે ધીમે ઓક્સીમીટરમાં  ૯૬,૯૭,૯૮ જેવા નોર્મલ આંકડાઓ દેખાવા માંડ્યા. પણ છતાં મારા મનમાં કોરોનાનો ભય હજુ યથાવત હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનો સતત ભય મને રહ્યા કરતો.

એ ચોથા દિવસની રાત હતી. સાબેરાએ રાત્રે આઠેક વાગ્યે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. અને મને ભોજનની થાળી આપી. મેં તે લઇ ભોજન આરંભ્યું. ભોજન પૂર્ણ કરી રાત્રીની બધી દવાઓ લીધી. ગરમ હળદર અને મીઠું નાખેલ દૂધ પીધું. અને ટીવી ચાલુ કરી મેં મારા બેડ પર લંબાવ્યું. ક્યારે મારી આંખ લાગી ગઈ તેની મને ખબર નથી. અનાયાસે મારા પલંગ પર મને હૂંફનો અહેસાસ થયો. જાણે કોઈ મારા માથે હાથ ન ફેરવી રહ્યું હોય ? મેં આંખો ખોલીને જોયું તો અમ્મા મારી બાજુમાં સૂતા હતા. અમ્માના અવસાનને ૧૬ પછી આજે પ્રથમવાર અમ્માનો રૂપાળો ચહેરો મારી આંખો સામે હતો. તેમની પ્રેમાળ આંખો મને તાકી રહી હતી. અને મારા માથે તેમનો સુવાળો હાથ ફરી રહ્યો હતો. મેં કઈ પણ વિચાર કર્યા વગર તેમનો હાથ પકડી લીધો અને કહ્યું,  

“અમ્મા, મને તમારા ગાલ પર કિસ કરવા દો. તમારા ગાલની હૂંફાળી કિસ મને જીવતદાન આપશે.”

અને અમ્માના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું. જાણે કહેતા ન હોય, અરે બેટા, મને કિસ કરવા તારે પૂછવાનું હોય ? અને મેં અમ્માના ગાલ પર જીવતદાનના મોહમાં બે વાર કિસ કરી. ત્યારે અમ્મા બોલી ઉઠ્યા,

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.”

અને અચાનક અમ્માની હુંફ હવામાં ઓગળી ગઈ.

સવારે મોડે સુધી હું સૂતો રહ્યો. સાબેરાએ મારા રૂમનો દરવાજો ખખડવ્યો. મેં જોયું તો રૂમના દરવાજે તે મને પૂછી રહી હતી,

“આજે કેમ છે ? ચા લાવું ?”

મેં સાબેરાને સપનામાં અમ્માને કરેલ બે કિસની વાત કરી. સાબેરા બોલી ઉઠી,

“હવે કોરોના તો શું કોઈ તમારું કશું બગાડી નહિ શકે”

એ દિવસ ટ્રીટમેન્ટનો પાંચમો દિવસ હતો. ડૉ. સબ્બીરભાઈ પાસે ચેકઅપ માટે જવાનું હતું. સવારે સાડા દસ વાગ્યે ખુદ ગાડી ડ્રાઈવ કરી હું ડોકટરના ત્યાં પહોંચ્યો. તેમણે બીપી અને પલ્સ ચેક કરી. પછી બોલ્યા,

“આમ તો બધું નોર્મલ લાગે છે.  એટલે દવાની જરૂર નથી. છતાં ચેકઅપ કરાવી લઈએ. પણ હજુ દસ દિવસ કોરોનટાઇનમા તમારે રહેવું પડશે.”

સબ્બીરભાઈની વાત સ્વીકારી હું સિધ્ધો લેબોરેટરી પર ગયો. અને બધા રીપોર્ટ કઢાવ્યા. લગભગ અડધી કલાક પછી રીપોર્ટ મને મોબાઈલ પર મળ્યા. મે એ ડૉ. સબ્બીરભાઈને ફોરવર્ડ કર્યા. તેમનો તુરત જવાબ આવ્યો. “નોર્મલ”

એ “નોર્મલ” શબ્દએ મારી આંખો ભીંજવી નાખી.

આજે કોરોનટાઇનનો ચૌદમો દિવસ છે. રોજ રાત્રે અમ્માને મળવાની ચાહમાં સુવું છું. પણ અમ્મા જીવતદાનની બે કિસ આપી ગયા તે ગયા, હજુ સુધી પાછા આવ્યા નથી. પણ તેમના પ્રેમાળ શબ્દો

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.” આજે પણ મારા રૂમમાં પડઘા પાડી રહ્યા છે.