LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Monday, June 16, 2025

પુસ્તક લોકાર્પણ : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ




આ એ દિવસોની વાત છે જ્યારે દર વર્ષે મારા એકાદ બે પુસ્તકો પ્રકાશિત થતાં હતા. મારા માટે એ જરૂરી હતું. યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે લેખન, સંશોધન અને પ્રકાશન મારી લાયકાતમાં અભિવૃધ્ધિ કરતાં હતા. ૨૦૧૧માં મારા બે પુસ્તકો પ્રકાશન ક્રિયામાં હતા. એક પુસ્તક “ઇતિહાસ, વિચાર અને સંવેદના” હતું. જ્યારે બીજું પુસ્તક “યાત્રા” . “ઇતિહાસ, વિચાર અને સંવેદના” પુસ્તકમાં ઇતિહાસ વિષયક મારા સંશોધન લેખો, વિચાર પ્રેરક લેખો અને સંવેદનશીલ લેખો હતો. જયારે “યાત્રા” પુસ્તકમાં મે છેલ્લે કરેલ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના પ્રવાસની કથા આલેખાયેલી હતી. બંને પુસ્તકોના પ્રકાશનું કાર્ય પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા છેલ્લા છ માસથી મંદ ગતિએ ચાલતું હતું. પાર્શ્વ પ્રકાશનના સંચાલક શ્રી બાબુભાઇ શાહ મારા પરમ મિત્ર હતા. તેમને વારંવાર ફોન પર મળવાનું થતું. અને વારંવાર વિનંતી કરવી પડતી,

“બાબુભાઈ પુસ્તકો ક્યારે હાથમાં આવશે ?

“મહેબૂબ ભાઈ, તમે ઉતાવળ ના કરો પુસ્તકો લાઇનમાં જ છે. તમારી અધીરાઇ તો એવી છે, જાણે આ તમારા પ્રથમ પુસ્તકો હોય”

“એવું નથી બાબુભાઇ, પુસ્તક પહેલું હોય કે ત્રીસમું તેને જોવાની અધીરાઇ લેખક માટે હંમેશા પ્રથમ પુસ્તક જેટલી જ હોય”

“સારું સારું  એકાદ માસમાં પુસ્તક આપી દઇશ”

અને મારો હંમેશ મુજબનો સંવાદ પૂરો થાય. પણ બાબુભાઈ તેમનો વાયદો કયારેય પૂરો ન કરે. અંતે છેલ્લે કંટાળીને મે તેમને ફોન કર્યો,

“કેમ છો બાબુભાઈ, ? મજામાં ને ?”

“બોલો બોલો સાહેબ,”

“બાબુભાઈ, તમારો મહિનો પૂરો થઈ ગયો. પણ હજુ પુસ્તકના દર્શન થયા નથી.”

“સાહેબ ઉતાવળ શી છે ? એકાદ માસમાં પુસ્તક આવી જશે”

પુસ્તકો જલદીથી તૈયાર થઈ જાય એ હેતુથી મે તુક્કો લડાવતા કહ્યું.

“ઉતાવળ તો હોય જ ને, બંને પુસ્તકોનું અનાવરણ મારે મુખ્યમંત્રી પાસે કરાવવાનું છે. તેમની સાથે તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે.”

અને બાબુભાઈ એ સાંભળી થોડા ગંભીર થયા અને બોલ્યા,

“એમ ? ત્યારે તો મારે ચોક્કસ ઉતાવળ કરવી પડશે.”

મારો આ તુક્કો સાચ્ચે જ કામે લાગી ગયો. અને બાબુભાઈ એ બંને પુસ્તકો એકાદ માસમાં જ તૈયાર કરીને તેની પાંચ નકલ મને મોકલાવી આપી. અને સાથે પત્રમાં લખ્યું,

“દેસાઈ સાહેબ, પુસ્તકોનું વિમોચન મુખ્યમંત્રીશ્રી ના હસ્તે થાય ત્યારે મને અવશ્ય યાદ કરશો”

તેમના પત્ર એ મને સાચે જ ધર્મસંકટમાં મૂકી દીધો. પુસ્તકો જલદી આવી જાય એ માટે મે જે તુક્કો લડાવ્યો હતો તે મને જ ભારે પડી રહ્યો હતો. હું વિચારે ચડયો. અંતે મે મનોમન નક્કી કર્યું કે “મુખ્યમંત્રી કાર્યાલયને વિમોચન માટે વિનંતી કરતો એક પત્ર પાઠવવો. પછી શું થયા છે તે જોવું. વધુમાં વધુ તેઓ ના પડશે. એથી વધુ કશું થવાનું નથી”

અને મે એક મેઈલ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને કર્યો. જેમાં લખ્યું હતું,

“આપ સાથે મારો અલ્પ પરિચય છે. આપના કાર્યાલયમાં પ્રથમવાર આપણે મળવાનું થયું હતું. એ પછી ભાવનગરમાં યોજાયેલ સદભાવના કાર્યક્રમમાં આપે મને વ્યાખ્યાન આપવાની તક આપી હતી. મારા બે પુસ્તકો ૧ ઇતિહાસ વિચાર અને સંવેદના ૨. યાત્રા હાલમાં જ પ્રકાશિત થયા છે. જેનું વિમોચન આપના હસ્તે કરવાની ઈચ્છા છે. આપ અનુકૂળ તારીખ ફાળવશે એવી વિનંતી છે.”

અને પત્રની નકલ પાર્શ્વ પ્રકાશને મોકલી. મે નિરાંતનો શ્વાસ લીધો. પણ એકાદ અઠવાડિયા પછી મુખ્ય મંત્રી કાર્યાલયમાંથી મારા પર ફોન આવ્યો,

“હું પ્રોફેસર દેસાઇ સાહેબ સાથે વાત કરી શકું ?”

“જી, હું મહેબૂબ દેસાઇ બોલું છું”

“દેસાઇ સાહેબ, આપનો મેઈલ સાહેબને મળ્યો છે. સાહેબનું સૂચન છે કે આપ તેમના કાર્યાલય પર આવી જાવ. બંને પુસ્તકોનું વિમોચન સાહેબ તેમના કાર્યાલયમાં જ કરશે.”

“આભાર, આપ સાહેબની અનુકૂળ તારીખ મને જણાવશો. ત્યારે હું આવી જઈશ.”

મારા આનંદ અને આશ્ચર્ય બંને પરમ સીમાએ હતા. એક નાનકડો તુક્કો સાચે જ હકીકત બની ગયો હતો. બે ત્રણ દિવસ પછી મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી ફોન આવ્યો.

“દેસાઈ સાહેબ, સાહેબે ૩૦ મે સાંજે ચાર વાગ્યાનો સમય ફાળવ્યો છે.”

“આભાર. અમે એ દિવસે અને સમય આવી જઈશું.
અને મે એ દિવસની તૈયારીઓ આરંભી દીધી. સૌ પ્રથમ મારા અંગત ફોટોગ્રાફર પંકજભાઈને ફોન કરી તેમને ૩૦ તારીખે મારી સાથે આવવાનું કહી દીધું. એ પછી પુસ્તકના પ્રકાશક બાબુભાઇને ફોન કરી તેમને માહિતી આપી. તેઓ ઘણા ખુશ થયા.

“દેસાઈ સાહેબ આ તો ખૂબ સરસ સમાચાર છે. પણ ૩૦ મીએ હું અમદાવાદમાં નથી. છતાં આપની સાથે આવવા પ્રયાસ કરીશ”

પુસ્તક વિમોચન સમયે હું કોઈ રાજકારણી કે અન્ય કોઈ મહાનુભાવને સાથે રાખવાના મતનો ન હતો. એટલે મે માત્ર મારા સ્વજન મારા નાના બહેન મહેમૂદા અને તેમના પતિ કાલુભાઈ અને મારા ફોટોગ્રાફર પંકજભાઈને જ સાથે લઈ જવાનું નક્કી કર્યું. ૩૦ મી એ સવારે બાય કાર અમે ભાવનગર થી ગાંધીનગર જવા નીકળ્યા. મહેમૂદા અને કાલુભાઈ ગાંધીનગરમાં જ નિવાસ કરતાં હોય, ગાંધીનગર પહોંચી અમે તેમને સાથે લઈ લીધા. અને બરાબર ૩.૩૦ કલાકે અમે મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચી ગયા. અમારા આગમનની જાણ તેમના પી.એ. એ  નરેન્દ્રભાઈને કરી. અને અમને વિનંતી કરતાં કહ્યું,

“મહેરબાની કરીને કેમેરો સાથે ન લઈ જશો”

“મે કહ્યું, “ અમારે વિમોચન પ્રસંગના ફોટા લેવાના છે”

“આપ તેની ચિંતા ન કરો. આપને વિમોચનના તમામ ફોટો અમે મોકલી આપીશું.”

આટલી ગુફતગુ પછી અમે મુખ્ય મંત્રીની ચેમ્બરમાં પ્રવેશ્યા. ખૂબ જ ઉમળકાથી નરેન્દ્રભાઈ એ અમને આવકાર્ય. અને તેમની ચેર પર સ્થાન સ્થાન લેતા બોલ્યા,

“મહેબૂબભાઈ, તમારે મેઈલમાં તમારો પરિચય આપવાનો ન હોય. હું તમને કયા નથી ઓળખતો”

“સર, આપ દિવસમાં હજારો નાગરિકોને મળતા હશો. બધા થોડા આપણે યાદ રહે ?”

“મહેબૂબ ભાઈ, બધા અને તમારામાં ફેર છે.”

અને મે રેપ કરેલ બને પુસ્તકો ટેબલ પર મુકતા કહ્યું,

“ આ બંને પુસ્તકોનું વિમોચન આપના હસ્તે કરવાની ઈચ્છા આપે પૂર્ણ કરી છે, તે બદલ આપનો આભારી છું.”

“આ તો મારા માટે પણ આનંદની વાત છે.”

મે તેમના હાથમાં બંને પુસ્તકો મૂક્યા. નરેન્દ્રભાઈ એ પુસ્તક રેપરમાંથી  મુક્ત કરવાનો આરંભ કર્યો. પણ પુસ્તકો રેપરમાંથી બહાર કાઢતા તેમને થોડી વાર લાગી. એટ્લે સસ્મિત મે કહ્યું,

“પુસ્તક લખવામાં જેટલો શ્રમ લેખકને થયો હોય, તેનાથી એકાદ ટકો શ્રમ વિમોચકને થાય એ સ્વભાવિક છે.”

મારુ એ વિધાન સાંભળી નરેન્દ્રભાઈ હસી પડ્યા. થોડીવારમાં તેમણે બંને પુસ્તકો રેપર મુક્ત કરી દીધા. અને તેનું લોકાર્પણ કર્યું. મે કહ્યું,

“સર, વિમોચનની યાદગાર તસવીર તો લેવી પડશે.”

‘અવશ્ય” એમ કહી નરેન્દ્રભાઈ પોતાની ખુરસી માંથી બહાર આવ્યા. અને વિમોચનની યાદગાર તસવીર સાકર થઈ. વિમોચન પત્યા પછી અમે પાછા તેમની સામે ગોઠવાયાં. અને સાહિત્યની વાતો એ વળગ્યાં. નરેન્દ્રભાઇને શેરો શાયરીનો શોખ છે. એ મને ખબર હતી. એટલે મે કહ્યું,

“હાલમાં જ રાહત ઈંદોરીની એક તાજા ગઝલ મે સાંભળી છે. એ સાંભળી નરેન્દ્રભાઈ બોલી ઉઠયા,

“ઈર્શાદ”

અને મે તેમને એ ગઝલના કેટલાક અંશો સંભળાવ્યા.

 

उगलियाँ यूँ सब पर उठाया करो
खर्च करने से पहले कमाया करो

ज़िन्दगी क्या है खुद ही समझ जाओगे
बारिशों में पतंगें उड़ाया करो

शाम के बाद जब तुम सहर देख लो
कुछ फ़क़ीरों को खाना खिलाया करो

 

ગઝલ સાંભળી નરેન્દ્રભાઈ ખુશ થયા. અંતે અમે તેમની રજા લેતા કહ્યું

“નરેન્દ્રભાઈ, આપ કા બહોત બહોત શુક્રિયા”

અને તેમણે અમને વિદાય આપતા કહ્યું,

“મહેબૂબભાઈ, લેખકો સાથે સત્સંગ કરવાનો મૌકો રાજકારણિયોને બહુ ઓછો મળે છે. એટલે એ માટે મારે પણ તમારો આભાર માનવો રહ્યો.”

અને હાસ્યના વાતાવરણમાં અમે જયારે તેમની ચેમ્બર બહાર આવ્યા ત્યારે એક સાહિત્ય પ્રેમી

સી.એમ. સાથેના સત્સંગની પ્રસન્નતા અમારા બધાના ચહેરા પર ઉભરાતી હતી.  

 

 

No comments:

Post a Comment