આજે ગાંધી ભારતમાં થોડા અપ્રસ્તુત થતા જાય છે. જયારે વિદેશમાં તે વધુને વધુ પ્રસ્તુત થતા જાય છે. જો કે એ ભારતની માનસિકતામાં રહેલી વર્તણુંક છે. રવીન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલીના કાવ્યોને ભારતના અખબારોએ છાપવાની તસ્દી નહોતી લીધી. પણ જયારે તે જ કાવ્યોને નોબલ પારિતોષિક એનાયત થયુ ત્યારે આપણે રવીન્દ્રનાથ ઠાકુરને હાથો હાથ ઉપાડી લીધા. અને તેના ગુણગાન કર્યા. એવું જ ગાંધી માટે થયું છે. જયારે આપણે ગાંધીજી પર ફિલ્મ બનાવવાનું વિચારતા પણ ન હતા. ત્યારે ગાંધીજી પર વિદેશી ફિલ્મ સર્જક રીચાર્ડ એડનબરોએ ઉત્તમ ફિલમ બનાવી અને એ ફિલ્મને અઢળક ઓસ્કાર મળ્યા. એવું જ નોબેલ પારિતોષિક માટે થયું છે. એક સમયે નોબલ પારિતોષિક માટે ગાંધીજીનું નામ ત્રણવાર વિચારણા તળે હતું. સૌ પ્રથમ, ૧ ઓક્ટોબર ૧૯૩૮ના રોજ લંડનની ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા સોસાયટી” એ શાંતિ માટેનું નોબેલ પારિતોષિક આપવાની નોર્વે સરકારને ભલામણ કરી હતી. એ પછી બીજીવાર ૧૪ માર્ચ ૧૯૪૭ના રોજ ઓસ્લોથી સમાચાર આવ્યા કે શાંતિ માટેના નોબેલ પારિતોષિક માટે ગાંધીજીના નામની ભલામણ થઇ છે. અને ત્રીજીવાર ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ પુનઃ એ જ સમાચાર આવ્યા. એ સમયે સૌને આશા હતી કે ગાંધીજીને જરૂર નોબેલ પારિતોષિક મળશે. પણ એ આશા ઠગારી નીવડી. ગાંધીજીને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ન મળ્યું. એ માટે સમિતિના સભ્યોએ કારણ આપતા કહ્યું હતું,
“ગાંધીજીની અહિંસાની લડત વિશ્વ શાંતિ
માટે ન હતી. પણ પોતાના દેશને આઝાદ કરાવવા પુરતી સીમિત હતી”.
આમ છતાં આજે પણ વિશ્વમાં મહાત્મા ગાંધીજી એક એવું અદભુદ
વ્યક્તિત્વ છે કે જેના આચાર, વિચાર અને વ્યવહાર વિચારધારા બની ગયા
છે. સંસ્થા બની ગયા છે. આજે તેમના સત્ય, અહિંસા અને સર્વ ધર્મસમભાવના વિચારો
વિશ્વના ચિંતકો માટે સ્વચ્છ અને મુલ્યનિષ્ઠ
જીવનનો માર્ગ બની ગયા છે. કારણ કે ગાંધીજીના વિચાર અને આચારમાં કોઈ ભેદ ન
હતો. તેઓ જે કહેતા એ જ જીવતા. આચરણમાં મુકતા. સત્ય અહિંસાનું તેમનું આચરણ આજે પણ
વિશ્વમાં ઉત્તમ ઉદાહરણ છે. પરિણામે સંયુક્ત રાષ્ટ્ર સંઘે (યુએનઆઇ) મહાત્મા
ગાંધીજીના જન્મદિવસ ૨ ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય “અહિંસા
દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
તેમની વિચારધારાના મુખ્ય ચાર સ્તંભો હતા.
૧. સત્ય : સત્ય એક
ઈશ્વર
૨. અહિંસા : માનવીય અહિંસા : નિર્મૂળ અહિંસા શક્ય નથી.
૩. સર્વધર્મ સમભાવ : સત્ય એક ઈશ્વર અર્થાત નૈતિક મૂલ્યોનું
આચરણ એજ ધર્મ
૪. આત્મ નિર્ભરતા :
સૂતર ને તાંતણે સ્વરાજ : ખાદી આત્મ નિર્ભરતાનું મુખ્ય સાધન
યરવડા જેલને ગાંધીજીએ “યરવડા મંદિર” નામ પાડ્યું હતું.
ત્યાં તેમને આશ્રમમાંથી સંખ્યાબંધ કાગળો આવતા. આ નિવૃત્તિનો સમય તેમણે રેંટીયાની
ભક્તિ અને ગીતાના મનમાં કાઢ્યો.એ અરસામાં આશ્રમની સવારની પ્રાર્થના સભા માટે
પ્રવચન લખી મોકલવાનો આગ્રહ કેટલાક આશ્રમવાસીઓ તરફથી થયો. પરિણામે આશ્રમના ૧૧ વ્રતો
ગાંધીજીએ લખી મોકલ્યા. એ અગિયાર વ્રતો ગાંધીજી વિચારના કેન્દ્રમાં છે.
ગાંધીજીના આ અગિયાર વ્રતો નીચે મુજબ છે.
૧. સત્ય ૨. અહિંસા ૩. બ્રહ્મચર્ય ૪. અસ્વાદ ૫. અસ્તેય ૬. અપરિગ્રહ ૭. અભય ૮. અસ્પૃશ્યતા નિવારણ ૯.
જાતે મહેનત ૧૦. સર્વ ધર્મ સમભાવ ૧૧.સ્વદેશી.
આમાં જાતે મહેનત અર્થાત સ્વાવલંબન, પોતાનાં બધાં કામ જાતે
કરવા, શ્રમનિષ્ઠ બનવુંમાં આત્મ નિર્ભરતાનો સિધ્ધાંત સમાયેલો છે.
અહિંસાના પુજારી ગાંધીજી અહિંસા સાથે સાદગી અને
સ્વાવલંબીપણા માટે પણ જાણીતા છે. સાદાઈથી રહેવું અને જાતે કામ કરી લેવું આ બંને
બાબતોમાં ગાંધીજીને ખાસ પ્રયત્ન કરી ને મનને તૈયાર નથી કરવું પડ્યું. વિલાયતમાં
તેઓ ભણતા હતા ત્યારે અન્નાહારી વીશીઓ શોધતા-શોધતા ગમે
તેટલે દૂર પગપાળા ચાલીને જવામાં ગાંધીજી કયારેય આળસ અનુભવતા નહિ. અને એ પછી
ગાંધીજી પોતાની રસોઈ જાતે બનાવતા શીખી ગયા હતા. ગાંધીજી બેરિસ્ટર થઈને હિન્દુસ્તાન
આવ્યા ત્યારે પણ મુંબઈમાં પોતાને ઘેરથી કોર્ટ સુધી તેઓ પગપાળા જતાં. દક્ષિણ
આફ્રિકામાં તેમણે જોયું કે ગોરો હજામ પોતાના વાળ કાપવા તૈયાર નથી ત્યારે તેની
ખુશામત કરવાને બદલે પોતાને હાથે જેમ તેમ વાળ કાપી લીધા હતા. અને ત્યારે કોર્ટમાં
ગોરા બેરિસ્ટરે મજાક કરતા પૂછ્યું મિસ્ટર ગાંધી તમારા વાળ ઉંદરે કતરી ખાધા છે કે
શું ? ત્યારે બાપુએ આખો કિસ્સો તેમને હસતા હસતા કહી સંભળાવ્યો હતો. ત્યાર
પછી તેમણે ટોલ્સટોય અને રસ્કિનના પુસ્તકો વાંચ્યા. પરિણામે તેઓ સાદાઈ અને
સ્વાવલંબન તરફ વધુ વળ્યા. ઝૂલું યુધ્ધના દિવસોમાં
એબ્યુલસ કોરનું કામ લઈને જે કષ્ટ ઉઠાવવા પડ્યા તેનું વર્ણન તેમણે તેમના
ગ્રંથોમાં આપ્યું છે. માણસનું શરીર સહન કરી શકે તેથી વધારે કષ્ટ સહન કરી તેમણે
એમ્બ્યુલન્સ કોરનું કામ કર્યું. ટોલ્સટોયનું પુસ્તક વાંચતા બ્રેડ લેબર (રોટી માટે
મજૂરી) નો વિચાર પણ તેમને ગમી ગયો. એમને ખાતરી થઈ કે શરીરને જીવતું રાખવા જેણે
ખાવું છે, તડકાથી બચવા માટે જેણે વસ્ત્રો પહેરવા છે, તેણે અન્ન વસ્ત્રોના ઉત્પાદનમાં કાઈને કાઈ ભાગ લેવો જ જોઈએ. હરિજનોના
દુઃખ દૂર કરવા હોય તો ઝાડો પેશાબ સાફ કરવાનું, પાયખાના સાફ કરવાનું કામ પણ હાથે
કરવું જોઈએ અને એ કામમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી સફાઈના કામને આદર્શ સુધી તેઓ
લઇ ગયા. અને તેનો કડક રીતે પોતાના જીવનમાં તેમણે અમલ પણ કર્યો.
દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલ ફિનિક્સ આશ્રમમાં સ્વાવલંબી
અર્થાત જાતે મહેનતનો પ્રારંભમાં અમલ કરવવા માટે તેમને ખુદ તેમના પત્ની કસ્તુબા
સાથે પણ વિચારી સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. એ ઘટના ગાંધીજીએ પોતાના શબ્દોમાં જ
પોતાની આત્મકથામાં ટાંકેલ છે. એ સાચે જ
જાણવા જેવી છે.
આવો જ એક રસપ્રદ કિસ્સો આશ્રમના નિયમો અંગેનો જાણવા જેવો
છે. ગાંધીના આશ્રમના નિયમોમાં પણ આત્મ
નિર્ભર કેન્દ્રમાં હતી. સૌ એ પોતાનું કાર્ય પોતે જ કરવું પડતું. એમાં કોઈ બાંધ છોડ
ગાંધીજી કયારેય ચલાવી લેતા નહિ. દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં ગાંધીજીએ દરેક
પોતના સંડાસ સાફ કરવાનો નિયમ કર્યો હતો. પણ એ નિયમનો વિરોધ સૌ પ્રથમ તેમની પત્ની
કસ્તુરબા એ કર્યો. અને તમને સંડાસનું વાસણ અડવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી.
ત્યારે મોટે ભાગે શાંત રહેતા મોહનદાસ ગાંધી પણ ગુસ્સે થઇ ગયા. અંગારા વેરતી આંખો,
ચહેરા પર ક્રોધની રેખાઓ અને અવાજમાં ઉગ્રતા સાથે મોહનદાસ ગાંધીએ પત્ની કસ્તુરબાનો
હાથ ઝાલીને રીતસર ઘરની બહાર ધક્કો માર્યો અને બોલાયા,
“તારે વાસણ (કમોડ) સાફ કરવું ન હોય તો મારી સાથે રહેવાની પણ
જરૂર નથી. નીકળી જા ઘરની બહાર.”
અને પારકા દેશમાં અસહાય દશામાં ઘરમાંથી બહાર કાઢી મુકતા પતિ
સામે રડમસ ચહેરે જોઈ કસ્તુરબા બોલ્યા,
“તમને તો લાજ નથી, જરા તો શરમાવ હું બહાર નીકળીને ક્યાં
જવાની હતી ? અહીં માં-બાપ નથી કે ત્યાં જાઉં હું બાયડી થઇ એટલે મારે તમારા ધુબા
ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોઈ જાશે તો બેમાંથી એકે નહિ
શોભીએ.”
પણ ગાંધીજીનો સંયમ અને સમજ બંન્ને એ તારીફે કાબિલ હતા.
તેમણે તુરંત સ્વસ્થતા કેળવી અને બોલી ઉઠ્યા.
“સારું તારું વાસણ (કમોડ) હું સાફ કરી નાખીશ.”
આત્મ નિર્ભરતાના આવતો અનેક દ્રષ્ટાંતો ગાંધી આશ્રમમાં
સામાન્ય હતા.
ગાંધીજી પોતાની જાતને વણકર અને ખેડૂત જ કહેતા. ૧૯૨૨મા
અમદાવાદના સર્કીટ હાઉસમાં ચાલેલ કેસમાં ગાંધીજીને છ વર્ષની કેદની સજા થઇ. બંગાળના
નાનકડા ગામનો એક મુસ્લિમ ખેડૂત આ સમાચાર જાણી રડવા લાગ્યો. કોઈ એ પૂછ્યું,
“તું શું કામ રડે છે ?”
પેલો ખેડૂત બોલ્યો,
“મારી જાતિના એક ૫૩ વર્ષના એક વૃદ્ધને છ વર્ષની સજા થઇ.”
“તારી જાતી કઈ ?”
“હું વણકર છું અને ગાંધજીએ પણ કોર્ટમાં પોતાનો વ્યવસાય વણકર
કહ્યો છે.”
આજ ગાંધીની જન શક્તિ હતી.
બાપુની આત્મ નિર્ભરતાની પરાકાષ્ટા સમો એક કિસ્સો જાણવા જેવો
છે. બાપુ ડીલ પર ક્યારેય પહેરણ પહેરતા નહિ. તેમની ધોતી પણ તેમણે પોતે જાતે કાંતેલા
સુતરમાંથી બનાવેલી હતી. એક દિવસ એક નાનકડા વિદ્યાર્થીએ ગાંધીજી પૂછ્યું.
“આપ પહેરણ કેમ નથી પહેરતા ?”
“મારી પાસે એટલા પૈસા ક્યાં છે ?”
“હું મારી માં ને કહું છું તે આપને પહેરણ સીવી આપશે.”
“એક બે પહેરણે મને નહિ થયા”
“તમારે કેટલા જોઈએ છીએ ?”
“મારે તો મારા
ચાલીસ કરોડ ભાઈભાડુંઓ માટે જોઈએ છે.”
વિદ્યાર્થી મૌન થઇ ગયો.
ગાંધી બોલ્યા,
“મારા ચાલીસ કરોડ ભાઈભાડું આત્મ નિર્ભર ન થાય ત્યાં સુધી
હું પહેરણ કેમ કરીને ફરું ?”
ગાંધીજીની અહિંસાની વિભાવના પણ માનવીય આદર્શો પર આધારિત
હતી. તેના કેન્દ્રમાં વિચાર માત્ર ન હતો, પણ માનવતા હતી. આ સંદર્ભે આશ્રમનો એક
કિસ્સો બહુ જાણીતો છે. સાબરમતી આશ્રમમાં એક ગાયનું વાછરડું એક માંદગીને કારણે
રીબાઈ રહ્યું હતું. ગાંધીજી યાત્રામાંથી આવ્યા. અને તેમને તે વાછરડાની જાણ થઇ.
તેમણે આશ્રમવાસીઓ સાથે ચર્ચા કરી. અને વાછરડાને મરણદાન આપવાનું નક્કી કર્યું.
વલ્લભભાઈ પટેલ આશ્રમમાં આવ્યા. બાપુના નિર્ણયની જાણ થતા બોલી ઉઠ્યા,
“આ વાછરડો તો બે ત્રણ દિવસમાં એની મેળે જ મરી જશે. પણ એને
મારી નાખશો તો નાહકનો ઝગડો વહોરી લેશો. આખા દેશના હુંદુ સમાજમાં ખળભળાટ મચી જશે.
હમણાં ફાળો ઉધરાવવા મુંબઈ જવાનું છે. ત્યાં આપણને કોઈ પાઈએ નહિ આપે. આપણું ઘણું
કામ અટકી જશે.”
પણ ગાંધીજી મક્કમ હતા. તેમણે દાકતરને બોલાવી તે વાછરડાને
ઝેરનું ઈન્જેકશન આપી મરણદાન આપ્યું. જો કે એ પછી ગાંધીજી પર “નવજીવન”માં પ્રશ્નોનો
વરસાદ વરસ્યો હતો. ગાંધીજીની અહિંસાના વિચાર પર લોકોએ શંકાઓ વ્યક્ત કરવા માંડી
હતી. પણ ગાંધીજી પોતાના અહિંસાના માનવીય અભિગમને
મક્કમતાથી વળગી રહ્યા હતા.
આત્માનિર્ભરતા એ આઝાદીની લડત અને રાષ્ટ્રીય જાગૃતિ માટે
અનિવાર્ય હતા. એ વાત ગાંધીજી બરાબર સમજતા હતા.
એટલે જ ગાંધીજીએ આત્મનિર્ભરતાના મુખ્ય સાધન તરીકે રેટીયા અને ખાદીને દેશ
વ્યાપી બનાવ્યા હતા. ગાંધીજી માનતા કે ખાદી અને ગ્રામોદ્યોગ સ્વનિર્ભરતા,
સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજના પાયાના પથ્થરો છે. આ અંગે નારાયણ દેસાઈ લખે છે,
“ગાંધીજીને મન સ્વરાજ માટેના આખા આંદોલનની કરોડરજ્જુ
રચનાત્મક કામ હતું. અને તેમાંય તેઓ ખાદીને સર્વ ગ્રામોદ્યોગના સૂર્યમંડળમાં
સૂર્યનું સ્થાન આપતા હતા. તેથી સાબરમતી આશ્રમ સ્થપાયો ત્યારથી આખર સુધી તેમણે આખા
દેશને ખાદીના વિચારને સમજાવવાનું, એના કામનું આયોજન અને એની વ્યવસ્થા ગોઠવવાનું
તેના કાર્યકર્તાઓની તાલીમમાં રસ લેવાનું નિરંતર ચાલુ રાખ્યું હતું.”
લોકમાન્ય તિલકે કહેલું “સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે.”
એટલે ગાંધીજીએ તેમના કાર્યને આગળ ધપાવતા નવું સૂત્ર આપ્યું હતું, “સૂતરના તાંતણે
સ્વરાજ”.
No comments:
Post a Comment