LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Monday, June 16, 2025

સદભાવના યાત્રા : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ




 મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથેની મારી બીજી મુલાકાત પણ અત્યંત રોચક હતી. એ દિવસોમાં નરેન્દ્રભાઇ મોદી સમગ્ર ગુજરાતમાં સદભાવના યાત્રા દ્વારા કોમી એખલાસ પ્રસરાવવામાં સક્રિય હતા. ગુજરાતના જુદા જુદા જિલ્લાના મુખ્ય મથકોમાં સદભાવના યાત્રા અને એક દિવસીય ઉપવાસ સાથે ભવ્ય સમારંભનું આયોજન થતું. આવું જ એક આયોજન ભાવનગર શહેરમાં થઈ રહ્યું હતું. સદભાવના સમારંભમાં શ્રી નરેન્દભાઈ ખુદ હાજર રહેતા અને વ્યાખ્યાન આપતા. પણ તેમના વ્યાખ્યાન પૂર્વે સ્થાનિક અગ્રગણીઓ સંબોધન કરતાં. સદભાવના યાત્રાનું આયોજન ભાવનગર શહેરમાં આરંભયું. તેના ભાગ રૂપે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રીને એક પાત્ર પાઠવવામા આવ્યો. જેમાં દસ અધ્યાપકોના નામો કલેકટર શ્રી ઝાલાવાડીયા દ્વારા માંગવામાં આવ્યા. આ અધ્યાપકોમાંથી એકની પસંદગી શ્રી નરેન્દ્રભાઈ પોતાના વ્યાખ્યાન પૂર્વે વ્યાખ્યાન આપવા માટે કરવાના હતા. ભાવનગર યુનિવર્સિટીના એ સમયના કુલપતિ શ્રી ડી. આર. કોરાટ હતા. તેમને મારા પ્રત્યે વિશેષ પ્રેમ હતો. આમ તો તેઓ કોંગ્રેસી હતા. અને મને નરેન્દ્રભાઈનો મિત્ર માનતા હતા. એટલે યુનિવર્સિટીના દસ અધ્યાપકોમાં તેમણે મારુ નામ અગ્ર ક્રમે મૂક્યું. મે સાંભળ્યું હતું કે વડોદરામાં આવા જ સદભાવના કાર્યક્રમમાં એમ.એસ. યુનિના એક અધ્યાપકે વ્યાખ્યાન આપ્યું હતું, જેમાં કઈંક નરેન્દ્રભાઈને ન ગમતું બોલવાને કારણે તેમનું ઇન્ક્રીમેન્ટ અટકાવી દેવામાં આવ્યું હતું. એટલે મારા કુલપતિ શ્રી કોરાટે પણ મારુ નામ અગ્ર મૂકી મને સાચે જ મુશ્કેલીમાં મૂકવા પ્રયાસ કર્યો હોવાનો ભય મને સતાવી રહ્યો હતો. આમ દસ નામો કલેકટર ઝાલાવાડીયા પાસે પહોંચી ગયા. તેમણે તે લિસ્ટ મુખ્યમંત્રી શ્રીને મોકલી આપ્યું. એક સાંજે હું મારી બાલ્કનીમાં નિરાંતે બેઠો હતો અને મારા મોબાઈલની રિંગ વાગી. મે ફોન ઉપડ્યો. સામે થી અવાજ સંભળાયો,

“હલ્લો, કલેકટર ઝાલાવાડીયા બોલું છું. મારી વાત પ્રોફેસર મહેબૂબ દેસાઇ સાથે થઈ રહી છે ?”

“જી હું મહેબૂબ દેસાઇ બોલું છું.

“નમસ્તે દેસાઇ સાહેબ, સોરી આપને અત્યારે ડિસ્ટર્બ કર્યા.”

“કશો વાંધો નહીં, બોલો ઝાલાવાડીયા સાહેબ કેમ યાદ કર્યો ?”

“દેસાઇ સાહેબ, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સદભાવના કાર્યક્રમમાં વ્યાખ્યાન આપવા આપના નામની પસંદગી સાહેબે કરી છે. તો આપ મને થોડા દિવસમાં આપના વ્યાખ્યાનની સ્ક્રિપ્ટ આપો તો તે સાહેબની મંજૂરી માટે મોકલી દઉં. સાહેબ સ્ક્રિપ્ટ માન્ય કરે એ મુજબ જ આપે વ્યાખ્યાન આપવાનું રહેશે.”

હું થોડી પળો કલેકટર શ્રી ઝાલાવાડીયા સાહેબની વાત સાંભળી રહ્યો. પછી મૌન તોડતા મે કહ્યું,

“ઝાલાવાડીયા સાહેબ હું એક અધ્યાપક છું. મને વાંચેલું ભાષણ આપતા નથી આવડતું. વિષયને અનુરૂપ એ સમયે મારા મનમાં જે આવશે તે બોલીશ. એટલે અગાઉથી સ્ક્રિપ્ટ આપવી મારા માટે શક્ય નથી.”

“દેસાઇ સાહેબ, આ તો પ્રોટોકોલ છે. એમા હું કઈ ન કરી શકું. છતાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી આપની વાત પહોંચાડી દઇશ”

અને ફોન પૂરો થયો. મે રાજકીય મંચ પરથી કયારેય વ્યાખ્યાન આપ્યું ન હતું. એટલે મનમાં હતું કે આ બહાને જો મારુ નામ પડતું મુકાયા તો સારું. પણ મારી ધારણા ખોટી પડી. બે ત્રણ દિવસ પછી પાછો કલેકટર શ્રી ઝાલાવાડીયા સાહેબનો ફોન આવ્યો,

“ ગુડ મોર્નિંગ દેસાઇ સાહેબ, કેમ છો ? મજામા ને ?”

“ગુડ મોર્નિંગ સર, મજામાં છું”

“દેસાઇ સાહેબ, સાહેબે આપની વાત માન્ય રાખી છે. આપ સદભાવના અંગે જે કઈ બોલવું હોય તે દસેક મિનિટમાં બોલી શકો છો.”

શ્રી ઝાલાવાડીયા સાહેબની વાત સાંભળી મને શ્રી નરેન્દ્રભાઈ પ્રત્યેના આદરમાં વૃધ્ધિ થઈ. એમણે  મારા પર મુકેલ વિશ્વાસ મને ગમ્યો. મે કહ્યું, 

“જેવી સાહેબની ઈચ્છા. આપ મને સમય અને સ્થળ જણાવશો ત્યાં હું પહોંચી જઈશ.”

 

અને એ દિવસ આવી ગયો જ્યારે ભાવનગર શહેરને દુલ્હન જેમ સજાવવામાં આવ્યું હતું. ચારે બાજુ મુખ્યમંત્રી શ્રીના આગમનની તૈયારીઓ ધમધોકાર ચાલતી હતી. ભાવનગરના જવાહર મેદાનમાં લગભગ દસથી પંદર હજાર નાગરિકો માટેનો શમિયાણો બાંધવામાં આવ્યો હતો. તેના વિશાળ સ્ટેજ ને સુશોભિત કરવાના આવ્યું હતું. કાર્યક્રમ એકાદ વાગ્યે શરૂ થવાનો હતો. એટલે ૧૨ વાગ્યે હું કાર્યક્રમ સ્થળે પહોંચી ગયો. પણ મને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચતા ખાસ્સી તકલીફ પડી. ડગલે ને પગલે સુરક્ષા કર્મીઓએ મારી સધન તપાસ કરી. માંડ માંડ હું સ્ટેજ નજીક પહોંચ્યો. એ સમયે સ્ટેજ પર કોઈ ન હતું. મારુ આઈ કાર્ડ જરૂરી દસ્તાવેજો તપાસી મને સ્ટેજ પર જવા દીધો. સ્ટેજ પર ગોઠવાયેલ ખુરસીઓની છેલ્લી હરોળમાં મે સ્થાન લીધું. લગભગ એકાદ કલાક પછી સ્ટેજ પર હલચલ મચી ગઈ. જાણે કોઈ વિશેષ વ્યક્તિનું આગમન ન થયું હોય. હું સમજી ગયો. મુખ્યમંત્રીનું આગમન થઈ રહ્યું છે. અનેક સુરક્ષા કર્મીઓ અને નેતાઓ થી ઘેરાયેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેજ પર આગમન થયું. સ્ટેજ અને તેની તેની આસપાસ ઉભેલા સર્વે એ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. અને નરેન્દ્રભાઈએ સ્ટેજની પ્રથમ હરોળમાં મુકેલ સોફા પર સ્થાન લીધું. અને કાર્યક્રમ સંચાલકે માઇક પરથી જાહેર કર્યું,

“આપણા લાડીલા મુખ્ય મંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્ટેજ પર પધારી ગયા છે. આપણે આપણો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરીશું.”

નરેન્દ્રભાઈની આસપાસ ગુજરાતના અગ્ર નેતાઓ બેઠા હતા. અનેક નાગરિકો અને સંસ્થાઓ તેમનું સન્માન કરવા લાઇન ઊભા હતા. એવા સમયે તેમણે એક કાર્યકર ને પૂછ્યું,

“મહેબૂબ દેસાઇ કયા છે ?”

અને સ્ટેજ પર દોડધામ મચી ગઈ. કોઈને ખબર ન હતી કે હું સ્ટેજની છેલ્લી હરોળમાં બેઠો છું. પરિણામે કાર્યક્રમ સંચાલકે માઇક પરથી જાહેર કર્યું,

“પ્રોફેસર મહેબૂબ દેસાઇ જયાં હોય ત્યાંથી તુરત સ્ટેજ પર આવી જાય”

મે મારી ખુરસી ઉપરથી ઊભા થઈ હાથ ઊંચો કરી મારી જાણ કરી. અને એક સેવક દોડતો મારી પાસે આવી ચડયો.

“ચાલો, સાહેબ આપને યાદ કરે છે.”

અને સ્વયંસેવક અને સુરક્ષા કર્મીઓ મને નરેન્દ્રભાઈ પાસે દોરી ગયા. તેમની પાસે પહોંચી મે પ્રથમ હસ્તધૂનન કર્યું. પછી તેમણે ઓઢાડવા માટે હાથમાં રાખેલ શાલ તેમને ઓઢાડી તેમનું અભિવાદન કર્યું. નરેન્દ્રભાઈ હસ્તે ચહેરે મારી લાગણીનો સ્વીકાર કરતાં કહ્યું,

“મહેબૂબ ભાઈ પાછળ કેમ બેઠા હતા. આગળ આવી જાવ”

મે કહ્યું,

“ સર હું બરાબર છું. આપની હરોળમાં નેતાઓ જ શોભે”

અને તેઓ પુનઃ હસી પડ્યા. અને બોલ્યા,

“સ્વામી વિવેકાનંદ જીની ૧૫૦ જન્મજયંતીની મિટિંગનું નિયત્રંણ આપને મળી ગયું ?

“ના જી હજુ તો નથી મળ્યું”
“ સારું હું જોઈ લઇશ”

અમારી વાત ચાલતી હતી ને કાર્યક્રમ સંચાલકે જાહેર કર્યું,

“હવે “ભાવનગરની પ્રજાના મૂળભૂત સંસ્કારો” વિષય પર પ્રોફેસર મહેબૂબ દેસાઈ વ્યાખ્યાન આપશે.

જાહેરાત થતાં જ નરેન્દ્રભાઈની રજા લઈ મે  સ્ટેજ પરના વ્યાખ્યાન ડેસ્ક તરફ કદમો માંડ્યા. પ્રારંભિક સંબોધન બાદ મે કહ્યું,

“આપણી પરંપરા છે કે આપણે આપણાં મહેમાનનું સ્વાગત કયારેક ફૂલહારથી કરીએ છીએ, તો ક્યારે શબ્દો થી કરીએ છીએ. હું ભાવનગરના આંગળે પધારેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભાવનગરની પ્રજા, મારી ભાવનગર યુનિવર્સિટી અને ભાવનગરના મુસ્લિમ સમાજ વતી બે બે શબ્દો દ્વારા તેમનું સ્વાગત કરીશ,

“કિસને દસ્ક્ત દી દિલ પર કૌન હૈ

અંદર તો આપ હૈ બહાર કૌન હૈ”

પછી તો વ્યાખ્યાનમાં ભાવનગર શહેરના બે સપૂતો પૃથ્વીસિંહ અને રજબઅલી લાખાણી વચ્ચેની સદભાવના સાથે, ભાવનગરના આંબાચોકમાં આવેલ નારેશ્વરની સંધ્યાની આરતી અને જુમ્મા મસ્જિદના મગરિબની નમાજ સાથે જ થાય છે, છતાં તેમાં કોઈ કલેશ, કંકાશ કે વિખવાદ નથી થયો, તેની વિગતે મે વાત કરી. વ્યાખ્યાનના અંતે શ્રી નરેન્દ્રભાઈની એ સમયની રાજકીય અને માનસિક પરિસ્થિતિઓનો ચિતાર આપતા રાહત ઈંદોરીઓની એક ગઝલને ટાંકતા મે કહયું,

 

“ लोग हर मोड़ पे रुक रुक के सँभलते क्यूँ हैं

इतना डरते हैं तो फिर घर से निकलते क्यूँ हैं

 

नींद से मेरा तअल्लुक़ ही नहीं बरसों से

ख़्वाब आ आ के मिरी छत पे टहलते क्यूँ हैं

 

मैं न जुगनू हूँ दिया हूँ न कोई तारा हूँ

रौशनी वाले मिरे नाम से जलते क्यूँ हैं

 

मोड़ होता है जवानी का सँभलने के लिए

और सब लोग यहीं आ के फिसलते क्यूँ हैं”

 

મારા સમગ્ર વ્યાખ્યાન દરમિયાન નરેન્દ્રભાઈના ચેહરો એક નાગરિકનો તેમના નેતા પ્રત્યેનો અહોભાવ પ્રતીત કરાવતા હતા. એ સમયે જે ખુશી અને પ્રસન્નતા તેમના ચહેરા પર હતા, એ  જોઈને જ અનુભવી શકાય. આજે પણ એ વ્યાખ્યાન અને તેની પળો મારી સ્મૃતિમાં અકબંધ છે અને જીવન પર્યંત રહેશે.

(એ સંપૂર્ણ વ્યાખ્યા આપ મહેબૂબ દેસાઇની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકો છે)

 

 

 

પુસ્તક લોકાર્પણ : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ




આ એ દિવસોની વાત છે જ્યારે દર વર્ષે મારા એકાદ બે પુસ્તકો પ્રકાશિત થતાં હતા. મારા માટે એ જરૂરી હતું. યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે લેખન, સંશોધન અને પ્રકાશન મારી લાયકાતમાં અભિવૃધ્ધિ કરતાં હતા. ૨૦૧૧માં મારા બે પુસ્તકો પ્રકાશન ક્રિયામાં હતા. એક પુસ્તક “ઇતિહાસ, વિચાર અને સંવેદના” હતું. જ્યારે બીજું પુસ્તક “યાત્રા” . “ઇતિહાસ, વિચાર અને સંવેદના” પુસ્તકમાં ઇતિહાસ વિષયક મારા સંશોધન લેખો, વિચાર પ્રેરક લેખો અને સંવેદનશીલ લેખો હતો. જયારે “યાત્રા” પુસ્તકમાં મે છેલ્લે કરેલ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના પ્રવાસની કથા આલેખાયેલી હતી. બંને પુસ્તકોના પ્રકાશનું કાર્ય પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા છેલ્લા છ માસથી મંદ ગતિએ ચાલતું હતું. પાર્શ્વ પ્રકાશનના સંચાલક શ્રી બાબુભાઇ શાહ મારા પરમ મિત્ર હતા. તેમને વારંવાર ફોન પર મળવાનું થતું. અને વારંવાર વિનંતી કરવી પડતી,

“બાબુભાઈ પુસ્તકો ક્યારે હાથમાં આવશે ?

“મહેબૂબ ભાઈ, તમે ઉતાવળ ના કરો પુસ્તકો લાઇનમાં જ છે. તમારી અધીરાઇ તો એવી છે, જાણે આ તમારા પ્રથમ પુસ્તકો હોય”

“એવું નથી બાબુભાઇ, પુસ્તક પહેલું હોય કે ત્રીસમું તેને જોવાની અધીરાઇ લેખક માટે હંમેશા પ્રથમ પુસ્તક જેટલી જ હોય”

“સારું સારું  એકાદ માસમાં પુસ્તક આપી દઇશ”

અને મારો હંમેશ મુજબનો સંવાદ પૂરો થાય. પણ બાબુભાઈ તેમનો વાયદો કયારેય પૂરો ન કરે. અંતે છેલ્લે કંટાળીને મે તેમને ફોન કર્યો,

“કેમ છો બાબુભાઈ, ? મજામાં ને ?”

“બોલો બોલો સાહેબ,”

“બાબુભાઈ, તમારો મહિનો પૂરો થઈ ગયો. પણ હજુ પુસ્તકના દર્શન થયા નથી.”

“સાહેબ ઉતાવળ શી છે ? એકાદ માસમાં પુસ્તક આવી જશે”

પુસ્તકો જલદીથી તૈયાર થઈ જાય એ હેતુથી મે તુક્કો લડાવતા કહ્યું.

“ઉતાવળ તો હોય જ ને, બંને પુસ્તકોનું અનાવરણ મારે મુખ્યમંત્રી પાસે કરાવવાનું છે. તેમની સાથે તારીખ અંગે ચર્ચા ચાલી રહી છે.”

અને બાબુભાઈ એ સાંભળી થોડા ગંભીર થયા અને બોલ્યા,

“એમ ? ત્યારે તો મારે ચોક્કસ ઉતાવળ કરવી પડશે.”

મારો આ તુક્કો સાચ્ચે જ કામે લાગી ગયો. અને બાબુભાઈ એ બંને પુસ્તકો એકાદ માસમાં જ તૈયાર કરીને તેની પાંચ નકલ મને મોકલાવી આપી. અને સાથે પત્રમાં લખ્યું,

“દેસાઈ સાહેબ, પુસ્તકોનું વિમોચન મુખ્યમંત્રીશ્રી ના હસ્તે થાય ત્યારે મને અવશ્ય યાદ કરશો”

તેમના પત્ર એ મને સાચે જ ધર્મસંકટમાં મૂકી દીધો. પુસ્તકો જલદી આવી જાય એ માટે મે જે તુક્કો લડાવ્યો હતો તે મને જ ભારે પડી રહ્યો હતો. હું વિચારે ચડયો. અંતે મે મનોમન નક્કી કર્યું કે “મુખ્યમંત્રી કાર્યાલયને વિમોચન માટે વિનંતી કરતો એક પત્ર પાઠવવો. પછી શું થયા છે તે જોવું. વધુમાં વધુ તેઓ ના પડશે. એથી વધુ કશું થવાનું નથી”

અને મે એક મેઈલ મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયને કર્યો. જેમાં લખ્યું હતું,

“આપ સાથે મારો અલ્પ પરિચય છે. આપના કાર્યાલયમાં પ્રથમવાર આપણે મળવાનું થયું હતું. એ પછી ભાવનગરમાં યોજાયેલ સદભાવના કાર્યક્રમમાં આપે મને વ્યાખ્યાન આપવાની તક આપી હતી. મારા બે પુસ્તકો ૧ ઇતિહાસ વિચાર અને સંવેદના ૨. યાત્રા હાલમાં જ પ્રકાશિત થયા છે. જેનું વિમોચન આપના હસ્તે કરવાની ઈચ્છા છે. આપ અનુકૂળ તારીખ ફાળવશે એવી વિનંતી છે.”

અને પત્રની નકલ પાર્શ્વ પ્રકાશને મોકલી. મે નિરાંતનો શ્વાસ લીધો. પણ એકાદ અઠવાડિયા પછી મુખ્ય મંત્રી કાર્યાલયમાંથી મારા પર ફોન આવ્યો,

“હું પ્રોફેસર દેસાઇ સાહેબ સાથે વાત કરી શકું ?”

“જી, હું મહેબૂબ દેસાઇ બોલું છું”

“દેસાઇ સાહેબ, આપનો મેઈલ સાહેબને મળ્યો છે. સાહેબનું સૂચન છે કે આપ તેમના કાર્યાલય પર આવી જાવ. બંને પુસ્તકોનું વિમોચન સાહેબ તેમના કાર્યાલયમાં જ કરશે.”

“આભાર, આપ સાહેબની અનુકૂળ તારીખ મને જણાવશો. ત્યારે હું આવી જઈશ.”

મારા આનંદ અને આશ્ચર્ય બંને પરમ સીમાએ હતા. એક નાનકડો તુક્કો સાચે જ હકીકત બની ગયો હતો. બે ત્રણ દિવસ પછી મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી ફોન આવ્યો.

“દેસાઈ સાહેબ, સાહેબે ૩૦ મે સાંજે ચાર વાગ્યાનો સમય ફાળવ્યો છે.”

“આભાર. અમે એ દિવસે અને સમય આવી જઈશું.
અને મે એ દિવસની તૈયારીઓ આરંભી દીધી. સૌ પ્રથમ મારા અંગત ફોટોગ્રાફર પંકજભાઈને ફોન કરી તેમને ૩૦ તારીખે મારી સાથે આવવાનું કહી દીધું. એ પછી પુસ્તકના પ્રકાશક બાબુભાઇને ફોન કરી તેમને માહિતી આપી. તેઓ ઘણા ખુશ થયા.

“દેસાઈ સાહેબ આ તો ખૂબ સરસ સમાચાર છે. પણ ૩૦ મીએ હું અમદાવાદમાં નથી. છતાં આપની સાથે આવવા પ્રયાસ કરીશ”

પુસ્તક વિમોચન સમયે હું કોઈ રાજકારણી કે અન્ય કોઈ મહાનુભાવને સાથે રાખવાના મતનો ન હતો. એટલે મે માત્ર મારા સ્વજન મારા નાના બહેન મહેમૂદા અને તેમના પતિ કાલુભાઈ અને મારા ફોટોગ્રાફર પંકજભાઈને જ સાથે લઈ જવાનું નક્કી કર્યું. ૩૦ મી એ સવારે બાય કાર અમે ભાવનગર થી ગાંધીનગર જવા નીકળ્યા. મહેમૂદા અને કાલુભાઈ ગાંધીનગરમાં જ નિવાસ કરતાં હોય, ગાંધીનગર પહોંચી અમે તેમને સાથે લઈ લીધા. અને બરાબર ૩.૩૦ કલાકે અમે મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચી ગયા. અમારા આગમનની જાણ તેમના પી.એ. એ  નરેન્દ્રભાઈને કરી. અને અમને વિનંતી કરતાં કહ્યું,

“મહેરબાની કરીને કેમેરો સાથે ન લઈ જશો”

“મે કહ્યું, “ અમારે વિમોચન પ્રસંગના ફોટા લેવાના છે”

“આપ તેની ચિંતા ન કરો. આપને વિમોચનના તમામ ફોટો અમે મોકલી આપીશું.”

આટલી ગુફતગુ પછી અમે મુખ્ય મંત્રીની ચેમ્બરમાં પ્રવેશ્યા. ખૂબ જ ઉમળકાથી નરેન્દ્રભાઈ એ અમને આવકાર્ય. અને તેમની ચેર પર સ્થાન સ્થાન લેતા બોલ્યા,

“મહેબૂબભાઈ, તમારે મેઈલમાં તમારો પરિચય આપવાનો ન હોય. હું તમને કયા નથી ઓળખતો”

“સર, આપ દિવસમાં હજારો નાગરિકોને મળતા હશો. બધા થોડા આપણે યાદ રહે ?”

“મહેબૂબ ભાઈ, બધા અને તમારામાં ફેર છે.”

અને મે રેપ કરેલ બને પુસ્તકો ટેબલ પર મુકતા કહ્યું,

“ આ બંને પુસ્તકોનું વિમોચન આપના હસ્તે કરવાની ઈચ્છા આપે પૂર્ણ કરી છે, તે બદલ આપનો આભારી છું.”

“આ તો મારા માટે પણ આનંદની વાત છે.”

મે તેમના હાથમાં બંને પુસ્તકો મૂક્યા. નરેન્દ્રભાઈ એ પુસ્તક રેપરમાંથી  મુક્ત કરવાનો આરંભ કર્યો. પણ પુસ્તકો રેપરમાંથી બહાર કાઢતા તેમને થોડી વાર લાગી. એટ્લે સસ્મિત મે કહ્યું,

“પુસ્તક લખવામાં જેટલો શ્રમ લેખકને થયો હોય, તેનાથી એકાદ ટકો શ્રમ વિમોચકને થાય એ સ્વભાવિક છે.”

મારુ એ વિધાન સાંભળી નરેન્દ્રભાઈ હસી પડ્યા. થોડીવારમાં તેમણે બંને પુસ્તકો રેપર મુક્ત કરી દીધા. અને તેનું લોકાર્પણ કર્યું. મે કહ્યું,

“સર, વિમોચનની યાદગાર તસવીર તો લેવી પડશે.”

‘અવશ્ય” એમ કહી નરેન્દ્રભાઈ પોતાની ખુરસી માંથી બહાર આવ્યા. અને વિમોચનની યાદગાર તસવીર સાકર થઈ. વિમોચન પત્યા પછી અમે પાછા તેમની સામે ગોઠવાયાં. અને સાહિત્યની વાતો એ વળગ્યાં. નરેન્દ્રભાઇને શેરો શાયરીનો શોખ છે. એ મને ખબર હતી. એટલે મે કહ્યું,

“હાલમાં જ રાહત ઈંદોરીની એક તાજા ગઝલ મે સાંભળી છે. એ સાંભળી નરેન્દ્રભાઈ બોલી ઉઠયા,

“ઈર્શાદ”

અને મે તેમને એ ગઝલના કેટલાક અંશો સંભળાવ્યા.

 

उगलियाँ यूँ न सब पर उठाया करो
खर्च करने से पहले कमाया करो

ज़िन्दगी क्या है खुद ही समझ जाओगे
बारिशों में पतंगें उड़ाया करो

शाम के बाद जब तुम सहर देख लो
कुछ फ़क़ीरों को खाना खिलाया करो

 

ગઝલ સાંભળી નરેન્દ્રભાઈ ખુશ થયા. અંતે અમે તેમની રજા લેતા કહ્યું

“નરેન્દ્રભાઈ, આપ કા બહોત બહોત શુક્રિયા”

અને તેમણે અમને વિદાય આપતા કહ્યું,

“મહેબૂબભાઈ, લેખકો સાથે સત્સંગ કરવાનો મૌકો રાજકારણિયોને બહુ ઓછો મળે છે. એટલે એ માટે મારે પણ તમારો આભાર માનવો રહ્યો.”

અને હાસ્યના વાતાવરણમાં અમે જયારે તેમની ચેમ્બર બહાર આવ્યા ત્યારે એક સાહિત્ય પ્રેમી

સી.એમ. સાથેના સત્સંગની પ્રસન્નતા અમારા બધાના ચહેરા પર ઉભરાતી હતી.  

 

 

Saturday, September 11, 2021

:ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                         બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .

 

Sunday, April 11, 2021

સિંધના સૂફી સચલ : ડૉ. મહેબૂબ દેસાઈ


દર રમઝાનના ૧૩માં રોઝા પર ત્રણ દિવસ માટે જેમનો ભવ્ય ઉર્સ તેમની મૃત્યું તિથી પર ઉજવાય છે, એવા સિંધના પ્રસિદ્ધ સુન્ની સૂફી સચલ સર મસ્ત (૧૭૩૯-૧૮૨૭) નું મૂળ નામ અબ્દુલ વહાબ હતું. પિતાનું નામ સલાહુદ્દીન અને  દાદાનું નામ સાહિબુદ્દીન હતું. સચલ સર મસ્તના નામે જાણીતા થયેલા આ સંતના નામમાં જ તેમના ગુણો વ્યક્ત થયા છે. સચલ અર્થાત સત્યવાદી. સર મસ્ત એટલે ખુદાના નશામાં મસ્ત. ઈ.સ. ૧૭૩૯માં સિંધના ખૈરપુર રાજ્યના દરાઝ ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી હતી. કાકા અબ્દુલ હક્કે બાળક અબ્દુલા વહાબનું પાલન પોષણ કર્યું અને તેમને આધ્યાત્મિક જ્ઞાનથી તરબતર કર્યા. સૂફી સંત તરીકેની તેમની પ્રસિદ્ધિને કારણે તેમના ગામ દરાઝને લોકો દર-એ-રાઝ અર્થાત આધ્યાત્મિક માર્ગના દ્વાર તરીકે ઓળખાવતા હતા.

એકવાર સૂફી સંત લતીફ શાહ તેમના ગામમાંથી પસાર થયા. તેમની નજર શેરીમાં રમતા બાળક અબદુલ વહાબ પર પડી. તેમણે અબ્દુલ વહાબના ચહેરા પરના તેજને પામી જી તે અંગે પૂછપરછ કરી. જયારે તેમને જાણ થઇ કે આ તો ખુદાના પાક બંદા સલ્લાહુદ્દીનનો પુત્ર છે, ત્યારે તેમણે પોતાનો જમણો હાથ બાળક અબ્દુલ વહાબના મસ્તક પર મૂક્યો અને ફરમાવ્યું,

“મેં પાત્ર (વાસણ)ને આગ પર ચઢાવી દીધું છે. તેનું ઢાકાણ હવે તેના દ્વાર ખોલી નાખશે.”

આવી આધ્યાત્મિક ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. અબદુલ વહાબ યુવા અવસ્થામાં જ ખુદાના પ્રેમ અને સંગીતનો દીવાનો બની ગયો. તેમની વાણીમાં ખુદાનો પ્રેમ અને આરાધના અવિરત છલકતા હતા. એકવાર સંત સચલને કોઈકે પૂછ્યું,

“આપ ક્યારે જન્મ્યા ? આપના માતાપિતા કોણ છે ?”

આપે જવાબ આપ્યો,

“હું જન્મ્યો નથી

 નથી કોઈએ મારું પોષણ કર્યું

 મેં સ્વર્ગને ખુદ છોડ્યું,

 તે મને પોષી ન શક્યું

 હું મારી ખુશીથી

 ધૂળમાંથી અવતર્યો છું

 અને એટલે જ

 હું અનંત છું, સર્વવ્યાપક છું

 પણ લોકોની ભૂલ છે

 કે તેઓ મને સચલ કહે છે”

વીસ વર્ષની વયે કુરાને શરીફ જેમને કંઠસ્થ હતું. ઇસ્લામી શરીયત (કાનૂન)ના જે તજજ્ઞ હતા. જેમના પર પર્શિયન કવિઓ અલ્લુદ્દીન સત્તાર અને હાફીઝની ગાઢ અસર હતી. સૂફીમાર્ગનો પ્રકાશ આપનાર તેમના કાકા અબ્દુલ હક્ક જેમના ગુરુ હતા. સિંધી મુસ્લિમ અને હિંદુઓના જેઓ પ્રિય હતા તેવા સચલ સર મસ્તે ભગવાન શ્રીકૃષ્ણ પર રચેલા કાવ્યો પણ માણવા જેવા છે.

“હે  આશ્ચર્ય જનક જોગી

 તારી વાંસળીની સૂરાવલી

 કેવી મધુરતા હતી.”

સૂફી સચલની રચનોમાં ગહનતા, સરળતા અને સર્વધર્મ સમભાવના જોવા મળે છે. સચલ આધ્યાત્મિક જ્ઞાનનો દરિયો હતા. અનેક ભાષાના તેઓ જાણકાર હતા. સિંધી, શ્રીલંકન, પર્સિયન, ઉર્દુ, બલુચી, પંજાબી અને એરેબીક ભાષાના તેઓ પ્રખર જાણકાર હતા. સચલના કાવ્યોમાં સમભાવના કેન્દ્રમાં હતી. માત્ર શુદ્ધ ઈબાદત (ભક્તિ)ના જ તેઓ આશક હતા. ખુદા ઈશ્વર પ્રત્યેના અલૌકિક પ્રેમને જ તેમણે પોતાના ભક્તિ કાવ્યોમાં વ્યક્ત કરેલ છે.

“અમે કાબાને અમારા હદયમાં નિહાળ્યું

 હવે મક્કા જવાની શી જરૂર

 જયારે મારું મન જ મસ્જિત છે

 પછી મસ્જિતમાં જવાની શી જરૂર ?

 મારી નસોમાં જ ખુદા વહે છે

 પછી કલમા પઢવાની શી જરૂર ?

 સચલ ખુદાના પ્રેમથી ઘવાઈ ગયો છું

 પછી ખંજરથી ઘાયલ થવાની શી જરૂર ?

સચલની રચનાઓનું સંક્ષ્પ્તીકરણ કરવાનો યશ આગા સૂફીને જાય છે. ૧૯૩૩માં તે સંગ્રહ શિકારપુર (સિંધ) થી પ્રકાશિત થયો હતો. તેમાં સચલનું જીવન ચરિત્ર અને તેમની આધ્યાત્મિક  રચનાઓનું વિષ્લેષણ આપવામાં આવ્યું છે. સૂફી સચલે પોતાના વિચારોને વાચા આપવા ઉર્દુ-પંજાબી ભાષાનો બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે ફારસીમાં પણ લખ્યું છે. પણ મોટે ભાગે તેમણે સિંધીમાં વધુ લખ્યું છે. ઇ.સ. ૧૮૨૭માં સચલના જીવન પર પડદો પડી ગયો. છતાં સિંધમાં તેમના ગીતો આજે પણ લોકજીભે રમે છે.

 

 

Thursday, April 8, 2021

સૂફી સાહિત્યમાં જીવનની ક્ષણભંગુતા : ડૉ. મહેબૂબ દેસાઈ

 સૂફી સાહિત્યમાં જીવનની અલ્પતા અને તેની મોહમાયાની ક્ષણભંગુતા વિષે ઘણું લખાયું છે. અલબત સૂફી કવિઓ અને સંતોની ભાષા અને શૈલીની ભિન્નતા તેમાં વ્યક્ત થાય છે. પણ એ જ તો  તેની સાચી ખૂબસૂરતી છે. ખુદાના ઘરમાં તમારા ઠાઠમાઠ નકામા છે. દૂનિયાની શાનોશૌકત અહીં જ રહેવાની છે. ઈશ્વરને ત્યાં તેનું કોઈ મુલ્ય નથી. તેની દ્રષ્ટિમાં તો તમારા સદકાર્યો તમારી મૂડી છે. તમારી શાલીનતા તમારી લાયકાત છે. તમારી માનવતા તમારી ઓળખ છે. અને એટલે જ જે કઈ જીવન તમને મળ્યું છે તેને એવી રીતે વ્યતીત કરો કે તે એક મિશાલ બની જાય. દ્રષ્ટાંત બની જાય. વ્યક્તિ અને સમાજ માટે પ્રેરણા બની જાય. આ જ વિચારને રજુ કરવાની ભાષા અને શૈલી  દરેક સંત કે કવિની અલગ અલગ છે. જે સાચે જ માણવા જેવી છે.

કબીરે જીવનની ક્ષણભંગુતાને પોતાના આચાર સાથે વિચારોમાં પણ સાકાર કરેલ છે.  તેઓ લખે છે,

“ઇસ તન ધન કિ કૌન બડાઈ

 દેખત નૈનન, મિટી મિલાઈ

 અપને ખાતિર મહલ બનાયા

 આપહિ જાકાર જંગલ સોયા

 હાડ જલે જૈસે લકડી કી મૌલી

 બાલ જલે જૈસે ઘાસ કી પોલી

 કહત કબીર સૂન મેરે ગુનિયા

 આપ મરે પીછે ડૂબ ગઈ દૂનિયા”

કબીરના વિચારોને આમ ભાષામાં મુકતા કહી શકાય કે,

 

“આ તન (શરીર) અને ધન (સંપતિ) ની સુંદરતા અને ભવ્યતાનો ગર્વ ન કર. જયારે શરીરમાંથી શ્વાસ હણાઈ જશે. ત્યારે એક પળમાં તારો ગર્વ માટીમાં મળી જશે. તે બનાવેલો મહેલ તારા કશો  કામ નહિ આવે. અંતે તો તારે જંગલમાં જઈને જ સૂવાનું છે. શરીરની સુંદરતા પલભરની છે. હાડ અને વાળ તો જીવનની અલ્પતા સાથે ભસ્મ થઇ જવાના છે. જયારે મૃત્યું આવશે ત્યારે જીવનનો સમગ્ર ઠાઠ અહિયાં જ રહી જવાનો છે.”

જીવનના આ ઠાઠની અલ્પતાને સૂફી સંત નઝીર પોતાની શૈલીમાં વ્યક્ત કરતા લખે છે,

“ જબ ચલતે ચલતે  રસ્તે મેં

  યહ ગૌન તેરી ઢલ જાયેગી

  એક બધિયા તેરી મીટ્ટી પર

  ફિર ઘાસ ન ચરને આયેગી

  યહ ખેપ જો તુને લદી  હૈ

  સબ હિસ્સો મેં બાત જાયેગી

  ધી પૂત જમાઈ બેટા કયા

  બંજારન પાસ ન આયેગી

  સબ ઠાઠ પડા રાહ જાયેગા

  જબ લાદ ચેલેગા બંજારા”

કવિ નઝીરની રચનો ભાવ પણ માણવા જેવો છે,

“વેપાર ધંધામાં તું કરોડો રૂપિયા કમાયો.  ગાડી, વાડી ને લાડી ત્રણેને પ્રાપ્ત કરીને તું ઠાઠમાઠથી જીવન જીવી રહ્યો છે. જમીનથી વેંત ઉંચો ચાલે છે. આમ જ બાદશાહીથી દિવસો પસાર થઇ  જવાના  છે, એમ માની મગરૂરીથી તું જીવી રહ્યો છે. પણ એક દિવસ તારી આ ગૌન, આ શરીર તને ભારે પડી જશે. એક દિવસ તારું શરીર ગમે ત્યારે ગમે તે સંજોગોમાં નષ્ટ થઇ જશે. ઢળી પડશે. શ્વાસ થંભી જશે. ત્યારે તારા શરીરને જ્યાં અગ્નિદાહ કે દફનાવવામાં આવશે, એ જમીન પર જે ઘાસ ઉગશે એ ઘાસ પણ બળદ કે બકરી ચરવા આવશે નહિ. ખેત, માલ મિલકત, સંપતિ તું જેના માટે કમાયો છે તે તારી દીકરી, પુત્ર, જમાઈ, પત્ની કોઈ તારી પાસે આવશે નહિ. તારી સંપતિ તેઓ અંદર અંદર વહેચી લેશે. માટે ચેત. પરમાત્માએ આપેલ આ અલ્પ માનવ શરીરને અન્ય માટે, કલ્યાણ માટે ઉપયોગ કરી તારી મૌત પછીને સફર માટે સદ્કાર્યોની સંપતી ભેગી કર.”   

 

કવિ નઝીરની એક ઔર રચના “મૌત કા ડેરા” પણ આ જ વિચારનો વિસ્તાર કરે છે.

 

“કયા જીપર બોઝ ઉઠતા હૈ

 ઇન ગૌનો ભારી ભારી કે

 જબ મૌત કા ડેરા  આન પડા

 ફિર દોનો હૈ વ્યોપારી કે

 કયા સાજ જડાઉ જર જેવર

 કયા ગોટે થાન કિનારી કે

 કયા ઘોડે જીન સુનહરી કે

 કયા હાથી લાલ અમારી કે

 સબ ઠાઠ પડા રાહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”

 

નકશીદાર જડતર કરેલા સોનાના દાગીના, અલંકારો, તારી સ્ત્રી માટે તે બનાવી આપેલી કીમતી ચોળી, કબજા, ઉંચી ઔલાદના ઘોડા અને સોના, જીન ને હાથી અંબાડી. આ બધો સાજો સામાન  તારી ખુશીનો સામાન નથી. પણ તારી વ્યથા અને દુઃખનો સમાન છે. તારી ગોન, તારું શરીર આ સાજો સામાનથીજ એક દિવસ ઢળી જશે. તારો બધો વૈભવ એક પળમાં છૂટી જશે. માટે તું તારા કલ્યાણ માટે સદકાર્યોનું ધન એકત્ર કર.

હાલમાં જ હર્ષ બ્રહ્મભટ્ટનું એક સુંદર પુસ્તક “એક અભિન્ન અનુબંધ” વાંચવામાં આવ્યું. તેમાં હિંદી ફિલ્મના ગીતોના કાવ્યતત્વ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. એ સંગ્રહમાં તેમણે કવિ શૈલેન્દ્રના  “તીસરી કસમ” ફિલ્મના એક ગીતની સુંદર ચર્ચા કરી છે. એ ગીત પણ જીવનની ક્ષણભંગુરતાને વ્યક્ત કરે છે. કબીર અને કવિ નઝીરની રચનાઓ સાથે તેની સમાનતા અદભૂદ રીતે માણવા જેવી  છે.

“સજન રે જુઠ મત બોલો

 ખુદા કે પાસ જાના હૈ

 ન હાથી હૈ ન ઘોડા હૈ

વહાં પૈદલ હી જાના હૈ

 

તુમ્હારે મહેલ ચોબારે

યહી રહ જાયેંગે સારે

અકડ કિસ બાત કિ પ્યારે

એ સર ફિર ભી ઝૂકના હૈ

 

ભલા કીજે ભલા હોગા

બુરા કીજે બૂરા હોગા

બહી લિખ લિખ્ કે કયા હોગા

યહી સબ કુછ ચુકાના હૈ

 

જીવનની કડવી ક્ષણભંગુતાને અભિવ્યક્ત કરતી આવી રચનો આજે પણ એટલી જ જીવંત લાગે છે જેટલી જીવનની ક્ષણભંગુતા છે. આજે કોરોના કાળે આપણને જીવનની અલ્પતા અને અનિશ્ચિતાનો નજીકથી અહેસાસ કરાવ્યો છે. એ એહસાસ માનવ મુલ્યોને સમાજમાં પ્રસરાવવામાં સહભાગી બનશે તો કદાચ આપણે સૌ પુનઃ ઈશ્વર ખુદાના ડરને મહેસૂસ કરી, મુલ્યો અને સદ્કાર્યોના માર્ગ પર અવશ્ય પાછા ફરીશું. અને કદાચ એ જ કોરોનાની અસરકારક વેક્સીન સાબિત થશે.