LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Thursday, June 19, 2025

હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે : ડૉ. મહેબૂબ દેસાઈ

 

આજકાલ સફળ ફીલ્મોની રીમેઈકનો જમાનો છે. ફિલ્મની રીમેઈક સમયે મૂળ કથામા સમયને અનુરૂપ પરિવર્તન કરવામાં આવે છે. અથવા તેના ઉત્તમ દ્રશ્યો કે પ્રસંગોનું પુનરાવર્તન કરવામાં આવે છે. એ જ રીતે સફળ જીવનની રીમેઈક બનાવવી હોય તો પણ મૂળ કથામા પરિવર્તન કરવું પડે. અથવા મૂળ કથાની અવિસ્મરણીય પળોને પુનઃ જીવંત કરવી પડે. આ જ વાત ઇતિહાસની પરિભાષામાં પણ કહી શકાય. ઇતિહાસ અભ્યાસના અનેક હેતુઓમાંનો એક હેતુ એ છે કે "ભૂતકાળની ભૂલોનું પુનરાવર્ત ન કરવા માટે ઇતિહાસનું શિક્ષણ જરૂરી છે" એ દ્રષ્ટિએ મારી જિંદગીના ૭૨ વર્ષ મને પુનઃ જીવવા મળે તો મારી ભૂલોનું  પુનરાવર્તન ન કરું અને જીવનની અવિસ્મરણીય પળોનું  પુનઃ નિર્માણ કરું. એ વિચાર આ લેખના કેન્દ્રમાં છે.

મને ગત જાન્યુઆરી ૨૦૨૫મા ૭૨ પૂર્ણ (જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૩) થયા. ૭૨ વર્ષની મારી જીવનયાત્રા ખુદાની રહેમતથી અત્યંત સુખરૂપ રહી છે. ભાવનગર મુકામે ૨૮ નવેમ્બર ૨૦૧૨ના રોજ ઉજવાયેલ મારી ષષ્ઠી પૂર્તિ નિમિત્તે મને એક પત્રકાર મિત્રએ પૂછ્યું હતું,

"તમારી સફળતા માટે કોને યશ આપશો?"

મે કહ્યું હતું,

"અલ્લાહની અપાર રહેમત(કૃપા) ને"

આ રહેમત મને ફરી એકવાર ૭૨ વર્ષ જીવવાની તક આપે તો કદાચ ખુદાની રહેમતને હું વધુ સારી રીતે જીવનના ઉદેશોને સાકાર કરવામાં અમલી બનાવી શકું.

૭૨ વર્ષનો મારો જીવન કાળ સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા અને ઉત્સાહ-હતાશાથી ભરપુર છે. અનેક ભૂલો અને ઉણપોનું ભાથું છે. એ ઉણપો અને ભૂલોમાંથી  હું ખુબ શીખ્યો છું. અને જીવનમાં પરિવર્તન કરતો રહ્યો છું. શાયર અકબરઅલી જસદણવાળાના પેલા શેર મુજબ

"મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું

 પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું" 

પણ જો હું મારી ઉણપો અને ભૂલોમાંથી સંપૂર્ણ ઉગરી શક્યો હોત, તો કદાચ ખુદા કે ઈશ્વરની કૃપાથી આજે જ્યાં છું, તેનાથી ઘણો આગળ હોત. જો કે કોઈ પણ માનવ માટે એ શક્ય નથી.

સૌ પ્રથમ મારે મારી ખુદા-ઈશ્વર પ્રત્યેની આસ્થાની વાત કરવી છે. યુવાવયમા દરેક યુવાનમા અતિ આત્મ આત્મવિશ્વાસ હોય છે. મારામા પણ હતો. મને બરાબર યાદ છે, મારી યુવાનીમાં મને મારી પત્ની સાબેરા કહેતી,

"ખુદા-ઈશ્વરને કયારેક યાદ કરી લો"

ત્યારે હું ગર્વથી તેને કહેતો

"પરિશ્રમ નો કોઈ જ વિકલ્પ નથી. ખુદા ને યાદ કરવા કરતા હું વધુ પરિશ્રમ કરવાનું પસંદ કરીશ"

એ સમયે મને ખબર ન હતી કે પરિશ્રમ સાથે ખુદા-ઈશ્વરની રહેમત અર્થાત કૃપા  માનવી માટે અનિવાર્ય છે. આ વાત મને ત્યારે સમજાય જયારે એક દિવસ મારી કોલેજના વિદ્વાન આચાર્યએ એકાએક કશું કારણ દર્શાવ્યા વગર મને નોકરીમાંથી મુક્ત કરી દીધો. મારી નિષ્ઠા, લાયકાત અને પરિશ્રમ કશું કામ ન આવ્યું. અને શરૂ થઇ અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઇન્સાફની જંગ. ઇન્સાફ માટે મારે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપવી પડી. લગભગ દોઢેક વર્ષના એ સંઘર્ષ પછી મને વિજય મળ્યો. એ કાનૂની લડત સમયે મારી સાથે માત્ર મારો ખુદા અને મારી પત્ની સાબેરા જ હતા. પણ એ લડતમાંથી હું ઘણું શીખ્યો.

૧. સૌ પ્રથમવાર મને ખુદા-ઈશ્વરના અસ્તિત્વનો અહેસાસ થયો.

૨. લડત દરમિયાન પણ દુશ્મન સાથે મીઠા સબંધો રાખવાની નિખાલસતા હું શીખ્યો.  

૩. અને સૌથી મોટી બાબત પોતાની જાત ને શ્રેષ્ટ સિદ્ધ કરવાનું ગજબનું ઝનુન એ સંઘર્ષમાથી મને મળ્યું.

આજે મને મળેલ સિદ્ધિઓમાં એ ઝનુનનો ફાળો મોટો છે. આજે મારા સંઘર્ષના એ દિવસોને પાછું વાળીને જોવું છું ત્યારે મને લાગે છે, જો કદાચ મને મારા વિદ્વાન આચાર્યએ વિના કારણે નોકરીમાંથી મુક્ત કરવાનું અપકૃત્ય ન કર્યું હોત, મારા પીએચ.ડી.ના ગાઈડ ડૉ. આર. જી. પરીખે મારું પીએચ.ડી.દસ વર્ષ સુધી ન અટકાવી રાખ્યું હોત, તો કદાચ હું આટલો ઘડાયો ન હોત. સંઘર્ષના એ દિવસોમાં મને હરિવંશ રાય બચ્ચનની એક કડી હંમેશા યાદ આવતી.

मन का हो तो अच्छा; मन का ना हो, तो ज़्यादा अच्छा
क्यूँकि फिर वो ईश्वर के मन का हो रहा है

જીવનમા વ્યસ્તતા કોઈ પણ કાર્યરત વ્યક્તિ માટે સ્વાભાવિક છે. મે મારા જીવનમાં વ્યસ્તતા અનુભવી છે. જોઈ છે. અને તેમાંથી પસાર પણ થયો છું. પ્રારંભના વર્ષોની વ્યસ્તતામા મે શું ગુમાવ્યું તેનો મને એ સમયે અહેસાસ ન હતો. પણ પછી મને એ વાત સમજાય કે ગમે તેટલી વ્યસ્તતામા પણ કુટુંબ માટે સમય કાઢવો જરૂરી છે. કારણ કે એ જીવનનું અમુલ્ય ભાથું  છે. એ પછી મે હંમેશા મારા નાનકડા કુટુંબ હું, પત્ની સાબેરા, પુત્ર ઝાહિદ અને પુત્રી કરિશ્માના અભ્યાસ કે મનોરંજન માટે ગમે તેમ કરીને પણ સમય કાઢવાનું શરુ કર્યું. મારા પુત્રના અભ્યાસ પાછળ, તેના વિદેશગનમની તૈયારી પાછળ મે પુરતો સમય આપ્યો છે. મને યાદ છે, મારી પુત્રી કરિશ્મા ફિલ્મ જોવાની જબરજસ્ત શોખીન. નવી ફિલ્મ દર શુક્રવારે રીલીઝ થાય એટલે અચૂક તેની સાથે પ્રથમ દિવસે મારે સહ કુટુંબ ફિલ્મ જોવા જવું જ પડે. ઘણીવાર તો હું ફિલ્મમા સૂઈ જાઉં. પણ થિયેટરના અંધારામાં કરિશ્મા અને સાબેરાના ચહેરા પરની ખુશી હું બંધ આંખોએ પણ અનુભવી શકતો. એ વર્ષો મને પાછા મળે તો હું વીતી ગયેલી એ પળો પુનઃ મારા નાનકડા કુટુંબ સાથે જીવવાનું પસંદ કરીશ.

મારો પુત્ર ઝાહિદ તેના કુટુંબ સાથે હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા)મા વસ્યો છે. તેની પત્ની સીમા મારા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ છે. મારા બંને પૌત્રો ઝેન અને જૈફ સાથે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ શહેરમાં ગુજારેલ દિવસો મારી જિંદગીના બહેતરીન દિવસો છે. રોજ સવારે મારો પૌત્ર જેફ મારા રૂમમાં આવી મારુ ઓઢવાનું ખેંચી મને જગાડતા કહે છે,

Dada, get up its morning time” તેનું આ એ એક વાક્ય મારા સમગ્ર જીવનની ખુશીનું કેન્દ્ર બની જાય છે. કારણે કે દાદાનો અંતિમ મિત્ર તેનો પૌત્ર હોય છે. પૌત્રનો પ્રથમ દોસ્ત તેના દાદા હોય છે. આવા બે મિત્રોની રમત મહેસૂસ કરવાનું સદભાગ્ય મને સાંપડ્યું છે. એ માટે હું ઈશ્વરનો ઋણી છું. અમારા પિતા પુત્રનો સબંધ પણ નિરાલો છે. મારો જુદા જુદા દેશોમાં ફરવાનો શોખ ઝાહિદ પોશે છે. અમારા વચ્ચે વણ નોંધી સમજૂતી છે. એર ટિકિટ હું કાઢું, તો હોટેલનો ખર્ચ તે ઉપાડે,  એવું રુણાનુબંધન અમારી વચ્ચે વર્ષોથી ચાલે છે. એકવાર હોબર્ટમાં મારી સફેદ ફેંચ કટ દાઢીને કાળી કરવા તે મારી પાછળ પડ્યો હતો. અને મને દોડાવી દોડાવી થકવી નાખ્યો હતો. આજે પણ એ ઘટના પિતા પુત્ર વચ્ચેની મૈત્રીની સાક્ષી પૂરતી મારા હદયમાં અંકિત છે. 

મારી પુત્રી કરિશ્મા પરણીને કેનેડામાં સ્થાહી થઈ છે. તેના પતિ ફહાદભાઈ અત્યંત સમજદાર અને વ્યવહારુ ઇન્સાન છે. હાલ દોઢ એક માસથી હું તેમની સાથે જીવનની સુંદર પળો વિતાવી રહ્યો છે. તેમનો પુત્ર જોહાન પણ રોજ સવારે મારા રૂમમાં આવી ,મારુ ઓઢવાની ખેંચી મને કહે છે,

“નાનું બહાર ચલો, સુબહ હો ગઈ.” અને ત્યારે જીવનની સાચી સાર્થકતા અનુભવું છું. બાળકો સાથે વિતાવેલી આવી પળો હું એકાંતમાં યાદ કરું છું ત્યારે મને ગાલિબનો પેલો  શેર યાદ આવી જાય છે,

હજારો ખ્વાહિશે ઐસી કે હર ખ્વાહિશ પર દમ નીકલે,

 બહોત નીકલે મેરે અરમાં લેકિન ફિરભી કમ નિકલે                         

જો કે જીવનમાં એક વસવસો આજે પણ મને સતાવે છે. અને એ છે મારા માતા પિતા સાથેના મારા સબંધો. અલબત્ત મારા માતા પિતા મને બહુ પ્રેમ કરતા. ચાર બહેનોં વચ્ચે હું એક જ ભાઈ હતો. અર્થાત મારા માતા પિતાનો એક માત્ર પુત્ર. એટલે બંનેનો અપાર પ્રેમ મને મળ્યો છે. હું પણ એમને ખુબ પ્રેમ કરતો. પણ એ પ્રેમને અભિવ્યક્ત કરવાની સમજનો મારામાં એ સમયે અભાવ હતો. મારી મમ્મી અને પપ્પા મારા પીએચ.ડી અર્થે મારી સાથે અડીખમ ઉભા રહ્યા હતા. અને મારું પીએચ.ડી. તેમણે જ પુરુ કરાવ્યું હતું. મારી નાની મોટી જરૂરિયાત માટે મારા પિતાજી સાથે મારી  મા લડ્તા . મારી પ્રથમ વિદેશ યાત્રા ઈ. સ ૧૯૮૬માં બેંગકોકમા પતાયા શહેરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી અર્થે યોજાય હતી. એ યાત્રામા જતી વખતે મારા પિતાજીએ મને મુઠ્ઠીમા નોટો વાળીને થોડા રૂપિયા આપેલા હતા. એ ક્ષણ આજે પણ મને યાદ છે. પણ ત્યારે મને તે નોટોનું મુલ્ય સમજાયું ન હતું. થોડા વર્ષો પછી મને એ ઘટનાનું મુલ્ય સમજાયું. અને તેના પરિપાક રૂપે મે મારા માતા પિતાના નિકાહના પચ્ચાસ વર્ષની ઉજવણી ભવ્ય રીતે ધામધુમથી કરી હતી. લગભગ ૩૫૦ માણસોનો ભોજન સમારંભ કર્યો. એ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા સાક્ષર મા. યશવંત શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ દિવસે મારા મમ્મી અને ડેડીના ચહેરા પરની ખુશી આજે પણ મને આશીર્વાદ (દુવા) આપતી ભાસે છે. ખુદા મારા ડેડી અને મમ્મીની સાથે પુનઃ જીવવાની તક મને આપે તો હું ન વ્યક્ત કરી શકેલ મારો બધો પ્રેમ તેમના પર મન મુકીને વરસાવવા તત્પર છું.

અને છલ્લે, ૭૨ વર્ષના જીવનમાંથી અડધાથી વધુ વર્ષો શિક્ષણના ક્ષેત્રમાં વિતાવ્યા છે. જો ખુદા- ઈશ્વર પુનઃ ૭૨ વર્ષ જીવવાની તક આપે તો હું ફરીવાર શિક્ષક-અધ્યાપક જ થવાનું પસંદ કરીશ. જે મહાન ગુરુઓ અને વિદ્યાર્થીઓ સુધી હું નથી પહોંચી શક્યો તેમના સુધી પહોચી જ્ઞાન મેળવવાનો અને આપવાનો અધૂરી રહી ગયેલો યજ્ઞ હું પૂરો કરવાનું પસંદ કરીશ. આવી તો ૭૨ વર્ષના જીવનની અનેક પળો કે અધૂરી ઇચ્છાઓ છે. જેમાથી જીવનનો ધબકતો અર્ક પળે પળે નીતરે છે. પણ તેને યુવાન મિત્રો હિદાયત (ઉપદેશ) કે મારો ખોખલો આદર્શ માનવાની ભૂલ ન કરે.આ તો અનુભવના એક બે છાંટણા છે. તેના એકાદ બુંદનું આચમન થાય તો કરજો, અન્યથા હું તો એમ માનું છું કે માનવીની વિદાય સાથે તેના કાર્યો, ઈચ્છાઓ અને યાદો પણ ઓજસ પાલનપુરીના પેલા શેર જેમ હંમેશા વિસરાઈ જાય છે.

“મારી હસ્તી મારી પાછળ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ”

અસ્તુ.

Monday, June 16, 2025

જિસ કા કોઈ નહીં ઉસ કા ખુદા હૈ યારો : ડૉ. મહેબૂબ દેસાઈ



 વર્ષો પહેલા “મુકદ્દર કા સિકંદર” નામની એક ફિલ્મ આવી હતી. જેમાં એક ગીત હતું.

“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા  હૈ યારો

 હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”

અહિયાં ખુદાનો મતલબ સર્વ શક્તિમાન ઈશ્વર-ખુદા છે. કુરાને શરીફમાં “રબ્બીલ આલમીન” શબ્દ વારંવાર વપરાયો છે. તેનો અર્થ થાય છે “સમગ્ર માનવ જાતનો ખુદા”.  કુરાને શરીફમાં કયાંય “રબ્બીલ મુસ્લિમ” અર્થાત “મુસ્લિમોનો ખુદા લખ્યું નથી.

આ ગીત અત્રે યાદ  આવવાનું પ્રયોજન હાલમાં જ અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન દુર્ઘટના છે. આ ઘટનામાં પ્રત્યક્ષ રીતે અવસાન પામનાર વિમાનના યાત્રીઓના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. અને તેમના સ્વજનોને આ દુ;ખ સહેવાની શક્તિ આપે. આ યાત્રીઓ ઉપરાંત જે મેડિકલ કોલેજની મેસ પર વિમાન પડ્યું ત્યાંનાં અનેક ભાવિ ડોકટરો પણ તેનો ભોગ બન્યા છે. પણ એવા  કેટલાક ભાવિ ડોકટરો છે જેનો બચાવ ખુદા અને ઈશ્વરની કૃપાથી થયો છે, તે જયારે જાણીએ છીએ ત્યારે ખદા કે ઈશ્વરની અપરંપાર શક્તિનો અહેસાસ થયા વગર રહેતો નથી.

આજે એવા જ એક ભાવિ ડૉક્ટરની વાત કરવી છે. જેનું નામ છે અરમાન પઠાણ. બી. જે. મેડિકલ કોલેજમાં એમ બી. બી. એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં અરમાનના પિતા ડૉ. અત્તા ઉલ્લાહ  ખાન પઠાણ મારા પરમ મિત્ર છે. ભાવનગર યુનિવર્સિટી હું જ્યારે ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ હતો ત્યારે તેમની નિયુક્તિ હિન્દી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે થઈ હતી. ઇતિહાસ અને હિન્દી વિભાગ એક જ બિલ્ડિંગમાં બેસતાં હોય ડૉ. અત્તા ઉલ્લાહ સાથે અવાર નવાર મુલાકાત થતી. સ્વભાવે સરળ, નિષ્ઠાવાન અને સારા અધ્યાપક તરીકે તેમની છાપ મારા મનમાં ઊડે ઊંડે છે.  આજે તો ડૉ. અત્તા ઉલ્લાહ  ભાવનગર યુનિવર્સિટીના હિન્દી વિભાગના વડા અને પ્રોફેસર છે. વળી, તેમના પત્ની અમન મારા પરમ મિત્ર સલીમભાઈ નગોરીના પુત્રી થાય. એ નાતે અમારો નાતો મિત્ર કરતાં કૌટુંબિક વધુ રહ્યો છે. ભાવનગરમાં મારા નિવાસ દરમિયાન સમગ્ર કુટુંબ મારે ત્યાં અવારનવાર આવતું. એ સમયે અરમાન તો ઘણો નાનો હતો. છતાં તેની સાથેનો લગાવ આજે પણ મારી સ્મૃતિમાં છે.

એ જ અરમાન આજે યુવાન થઈ ગયો છે. અભ્યાસમાં નાનપણથી જ તે તેજસ્વી હતો. 2023 માં તેને બી.જે. મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મળી ગયો. આજે તે બી જે મેડિકલ કોલેજ,અમદાવાદમાં એમ બી. બી. એસ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હું જ્યારે કેલગારીમાં હતો ત્યારે મારા એક વિદ્યાર્થી ડૉ. કોમેલ રાજાણીનો મેસેજ આવ્યો,  

“સર, ડૉ.અત્તા ઉલ્લાહ ખાન સાહેબનો પુત્ર જે અમદાવાદમાં મેડિકલ કોલેજમાં ભણે છે તેને પણ વિમાન દુર્ઘટનામાં ઇજા થઈ છે. અને તે હોસ્પિટલમાં છે.”

સમાચાર જાણી મે તુરંત ડૉ.અત્તા ઉલ્લાહ ખાનને ફોન લગાડ્યો. પણ કોઈ ઉત્તર સાંપડ્યો નહીં. એટલે મારી ચિંતા વધુ ઘાટી થઈ. મે વૉટશોપ પર તેમને મેસેજ કર્યો. તેનો પણ કોઈ ઉત્તર ના મળ્યો. કેલગરી થી હું પરત ટોરેન્ટો આવ્યો ત્યારે મારા વૉટશોપ મેસેજ બોક્ષમાં ડૉ.અત્તા ઉલ્લાહ ખાનનો એક મેસેજ હતો. જેમાં લખ્યું હતું,  

“ખુદાની રહમત થી અરમાન બચી ગયો છે. પણ ઇજા ઘણી થઈ છે. અમે બંને હાલ હજ યાત્રાએ છીએ. એટલે તેને મળી શકાયું નથી. પણ તેણે અમને મોકલેલ ઘટનાનો ચિતાર આપની જાણ માટે  મોકલું છું. અરમાને મોકલે મેસેજમાં લખ્યું છે,

“બીજા વર્ષની પ્રિલિમ પરીક્ષા 16 જૂનથી શરૂ થવાની હતી. એટલે કોલેજમાં રીડિંગ વેકેશન હતું. પરિણામે હોસ્ટેલમાં જ રહીને મે રીડિંગ કરવાનું નક્કી કર્યું. બપોરે લાઈબ્રેરીથી સીધો જ મેસમાં જમવા ગયો. મેસની બેન્ચ પર બેસી હજુ પહેલો કોળિયો મોઢામાં મૂકું છું, ત્યાં તો અચાનક મોટો ધડાકો થયો અને મેસની છતનો સ્લેબ મારા માથા અને પગ પર તૂટી પડ્યો. પથ્થરની બેન્ચ હોવાને કારણે સ્લેબનો મોટો ભાગ એના સહારે રોકાઈ ગયો. પણ મારા પગો સ્લેબ નીચે દબાયેલા હતા. માથા અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. સ્લેબના કાટમાળમાં ફસાયેલો હોવાથી નીકળી શકાય તેમ ન હતું. લોકો મદદ માટે આવ્યા ત્યાં તો બીજો ધડાકો થયો અને ગેસ સિલિન્ડર પણ ફાટ્યા. મદદ કરનારા તમામ ડરને લીધે ભાગી ગયા. એ ક્ષણે તો મોત મને મારી સામે જ લાગ્યું. 15 મિનિટ પછી વિદ્યાર્થીઓ અને લોકોએ કાટમાળમાંથી મને કાઢ્યો. મારા કપડાં સંપૂર્ણ ફાટી ગયા હતા. ચાલવાના બિલકુલ હોશ કે શક્તિ ન હતા. ફક્ત ચડ્ડીમાં જ મને સીવિલમાં લઈ જવામાં આવ્યો. અને મારી સારવાર શરૂ થઈ.”

આ સમગ્ર ઘટનાની વિશિષ્ટ એ છે કે અરમાનના માથે સ્લેબ તૂટી પડ્યો ત્યારે તેના માતા પિતા અમદાવાદથી કોષો દૂર મક્કા મદિનામાં પવિત્ર હજ યાત્રા કરી રહ્યા છે. ખુદાના ઘરમાં પોતાના સંતાનો અને કુટુંબના ભાવિ અને સુરક્ષા માટે ખુદાને પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે તેમને પોતાના પુત્રના માથે પડેલા સ્લેબની જાણ થયા છે ત્યારે પુત્ર સાથે વાત કરવા, તેની સાચી માહિતી  મેળવવા બંને પતિ પત્ની બેબાકળા બની ગયા. અને ખુદાને રડમસ ચહેરે પુત્રની સલામતીની દુઆ માંગવા લાગ્યા. ખુદાએ તેમની દુઆ સાંભળી પણ ખરી. અને એકાદ દિવસ પછી પુત્ર અરમાનનો મક્કામાં વિડીયો કોલ આવ્યો.

“પપ્પા, મારી ચિંતા ન કરશો. હવે મારી તબિયત સારી છે. માથામાં ઇજા થઈ છે. પણ ચિંતા જેવુ નથી. હાલ મને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં મારી સારવાર સારી રીતે થઈ રહી છે. પપ્પા, મમ્મીને ફોન આપો મારે તેમની સાથે વાત કરવી છે”

અરમાનની મમ્મી અમન પણ પુત્રને જોવા અને તેની સાથે વાત કરવા ઉત્સુક હતા. ફોન હાથમાં લેતા જ તે રડી પડ્યા. અરમાને મમ્મીને શાંત પડતાં કહ્યું,

“મમ્મી, રડ નહીં હું બિલકુલ સ્વસ્થ છું. પણ એ ઘટના ભુલાઈ તેમ નથી. આજે પણ ઊંઘમાંથી ઝબકીને જાગી જઉ છું. ત્યારે એ ભયાનક ઘટના મને ધ્રુજવી મૂકે છે. મન માનવા તૈયાર નથી કે મારી સાથે અભ્યાસ કરતાં મારા મિત્રો હવે હયાત નથી.”

આટલું કહેતા તો અરમાન મમ્મીની સામે રડી પડે છે. તેની આ વ્યથાએ આટલે દૂર ટોરેન્ટોમાં મને પણ વ્યથિત કરી મૂક્યો છે. પણ ઘટનાના સુખદ અંતથી મારુ મસ્તક સિજદામાં ઝૂકી જાય છે અને મન પોકારી ઉઠે છે,

“જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ યારો

 હમ નહિ કહતે કિતાબો મે લીખા હૈ યારો”

 

 

 

 

 

પુસ્તક પરિચય: બકુલા ઘાસવાલા : પ્રેમ હરિ કા રૂપ હૈ - જીવનમર્મ સમજાવતી અનોખી સૂફી કથાઓ : ડો. મહેબૂબ દેસાઈ

 “સનાતન સંસ્કૃતિનાં મૂળ વેદોનું પ્રમાણ છે અમને ચારે બાજુથી સદ્ વિચાર પ્રાપ્ત થાઓ.”

“ જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે.”
“હિન્દુ અને ઈસ્લામ તત્ત્વજ્ઞાન દરેક અર્થમાં સમાન છે હિંદુ જેને ઈશ્વર કહે છે તેને મુસલમાન ખુદા કહે છે, હિન્દુઓ જેને આત્મા-પરમાત્મા કહે છે તે ઈસ્લામમાં રૂહ છે.” - દારા શિકોહ.
‘મુસ્લિમ મહાત્માઓ’ ( જેઠ, સંવત ૧૯૮૪-લગભગ ૯૫ વર્ષ પહેલાં) પુસ્તકના મૂળ લેખક પાઠક જગજીવન કાલિદાસ ૯૨ મુસ્લિમ મહાત્માઓનો પરિચય અને ૧૦૩૩ વચનામૃત સંકલિત કરે છે જે વિશે ભિક્ષુ અખંડાનંદ પોતાનાં પંદરેક પાનાંનાં નિવેદનમાં લખે છે તેનો ટૂંકસાર એ જ છ કે કોઈપણ ધર્મ જ્ઞાન, ચારિત્ર્ય, સહિષ્ણુતા, સૌહાર્દ, સમન્વય, શાંતિ-સુલેહની જ શિખામણ-ઉપદેશ આપે છે. સૂફી સંતો મૃત્યુને મુક્તિનો મહોત્સવ માને છે એટલે એમના વફાત દિનનો ઉત્સવ ઉર્સ સ્વરૂપે ઊજવાય છે.
ઈતિહાસ- મહેક(૧૯૮૬) , મુસ્લિમ મહાત્માઓ(૨૦૧૦), મુસ્લિમ માનસ(૨૦૦૩), મુસ્લિમ સમાજ- વ્યથા અને વિચાર(૨૦૦૩), અલખને ઓટલે(૨૦૦૭), મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના(૨૦૧૨), સૂફીઓ તો તેને રે કહીએ(૨૦૦૭) આ મહત્ત્વનાં નોંધપાત્ર પુસ્તકો ડો. મહેબૂબભાઈ દેસાઈ લિખિત છે.
“પ્રેમ હરિ કા રૂપ હૈ, ત્યોં હરિ પ્રેમ સ્વરૂપ
એક હોય દ્વેય લસે, જ્યોં સૂરજ આઠ ધૂપ”
-રસખાન
જેમ પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે એમ પરમાત્મા પણ પ્રેમ સ્વરૂપ છે. બન્ને સૂરજ અને ધૂપની જેમ એક બીજાની શોભા છે. રસખાનજીની આ પંક્તિઓ પરથી સૂફી સંતો અને કથાઓનો રસાસ્વાદ ડો. મહેબૂબ દેસાઈ કરાવે છે. એમના મંતવ્યો પ્રમાણે સૂફી સંતોનાં જીવનકવનમાં પણ કેન્દ્રસ્થાને ઈશ્વર કે ખુદાનો પ્રેમ જ છે. જે માનવી સમાજસેવા અને સદ્ ભાવનામાં જીવન પસાર કરે છે તે દરેકને તેઓ સૂફી સંત માને છે.
“ઈશ્વરની નજરે તમારા સદ્ કાર્યો તમારી મૂડી છે, તમારી શાલીનતા તમારી લાયકાત છે, તમારી માનવતા તમારી ઓળખ છે, સૂફીવાદ જીવનની ક્ષણભંગુરતાને ખૂબ માને છે.સૌંદર્ય અને સમૃદ્ધિનો ગર્વ ન કરવો જોઈએ,” જેને સંત નઝીરના શબ્દોના મર્મ સાથે કવિ શૈલેન્દ્ર હિંદી ગીતમાં રજૂ કરે છે-
સજન રે જૂઠ મત બોલો
ખુદા કે પાસ જાના હૈ
ન હાથી હૈ ન ઘોડા હૈ
વહાં પૈદલ હી જાના હૈ…..
મહંમદ પયગંબરે સાહેબ(સ.અ.વ), સત્તારશાહ બાપુ, રૂમી, કબીર, તુલસીદાસજી, મીરા, સૂરદાસ, દારા શિકોહ-ગ્રંથ (’સફીનતુલ અવલીયા’, ‘મજ્મ ઉલ બહરૈન-સમુદ્ર સંગમહ’ નો હિન્દી-સંસ્કૃતઅનુવાદ જગન્નાથ પાઠક સાહેબે કર્યો છે), દારા શિકોહના ગુરુ હઝરત સમરદ શહીદ-નંગા ફકીર, કૃષ્ણ ભક્ત રસખાન, મહંમદ બેગડો, હઝરત લુકમાન, હઝરત રાબિયા બસરી( સાધિકા એ રાધાનું રૂપ લાગે એટલા અલ્લાહના હતાં), સંત ઉસ્માન, સંત નઝીર, સૂફી સંત હબીબ અજમી,સંત ડાયોજિનસ, અમીર ખુસરો, સંત દાદુ દયાળ, સંત કમાલ, સંત હઝરત મુસા, ગુરુ દયાલ મલિક (જેમણે સિંધના સૂફીઓ પર અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે,’ ડિઝાઈન ડેવલ્સ ઑફ ડેઝર્ટ-ગુજરાતી અનુવાદ નલિન ઉપાધ્યાય,‘મરુભૂમિના દિવ્ય દરવેશ.’ હાલ પુસ્તક અપ્રાપ્ય),
બાબા ફરીદ( ફરીદકોટ,પંજાબ), સ્વામી વિવેકાનંદ, પૂજનીય રામકૃષ્ણ પરમહંસ, શારદામાઈ, મહર્ષિ રમણ(ચિત્તની શૂન્યના ઈશ્વર પાસે પહોંચવા અનિવાર્ય), બુલ્લે શાહ, ઈનાયત શાહ, સાહિર
લુધિયાનવી(ગીત- મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા), હઝરત અહેમદ ખટું ગંજબક્ષ સાહેબ, સૂફી સંત ફરીદુદ્દીન અત્તાર(પ્રખ્યાત ગ્રંથ- મસ્નવી અત્તાર, મનકી-ઉ-ઈયાર:પક્ષીઓનું સંમેલન, આધ્યાત્મિક ગ્રંથ - ઈલાહી-નામા), સૂફી સંત સલમાન ફારસી, સૂફી સંત ઉમર ખય્યામ, હઝરત ઉસ્માન( ‘ મદરીજીબ મઆરિજ’ ગ્રંથના રચયિતા), ફિલ્મ અને નાટ્ય કલાકાર અશરફખાન, સૂફી સંત અનવર મિયાં-અનવરનાં કાવ્યો, યારી સાહેબ( એકાત્મવાદી અને એકેશ્વરવાદી હતા), હઝરતબલ(શ્રીનગર-બલ એટલે જગ્યા), સૂફી સંત ખ્વાજા ગરીબ નવાઝ, હઝરત દાવલશાહને (હિંદુઓ પરમ શ્રદ્ધાથી પૂજે છે જે વિશે પાના નંબર -૧૪૪ પર કથા છે), સૂફી લતીફ શાહ, અમીર ખુસરો, ચિરાગ એ દિલ્લી-સંત ચિરાગ, શાસક મહંમદ બેગડો, પ્રભાશંકર પટ્ટણી, કાયમુદ્દીન ચિશ્તી-સમરસતાના પ્રતીક, કવિ શૈલેન્દ્ર, સ્વામી વિવેકાનંદ, સંત ગાંધી…..ડો. મહેબૂબ દેસાઈની દૃષ્ટિએ આ સર્વ મહાન સૂફી સંત હતા.
આ સર્વ સૂફી સંતોનું કહેવું છે,”હદયનાં દ્વાર ખુલ્લાં રાખો, માનવીના નિઃસ્વાર્થ-શુદ્ધ પ્રેમને પામો એટલે ઈશ્વરને પામ્યા.”
“ અહિંસા પરમ ધર્મ છે, સત્ય એ જ ઈશ્વર છે, કોઈની તકલીફ કે લાચારીનો ગેરલાભ ઉઠાવવો એમાં કાયરતા છે.” મહાત્મા ગાંધી
“ઈશ્વરીય પ્રેમ પામવાનું પગથિયું માનવીયપ્રેમ છે” સંત લતીફ
“ સૂફી જમાલુદ્દીન કહે છે,”વધુ પ્રેમ કરવાથી જ માનવી દિવ્ય હેતુઓમાં વધુ ડૂબકી લગાવી શકે છે. પ્રેમ સ્વર્ગીય રહસ્યોને માપતું સાધન છે. એ જ તો મલમ છે. જે આધ્યાત્મિક આંખને સ્વચ્છ બનાવી દિવ્ય દૃષ્ટિ બક્ષે છે.”
ગાંધીજીએ દાંડીકૂચ યાત્રા અગાઉ ૫/૩/૧૦૩૦ ના દિને સંત કમાલનું ભજન વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પાસે સાંભળેલું.
“સમાજ બૂઝ દિલ ખોજ પિયારે
આશક હોતરજિના ક્યા?
જિન નૈનોને નિંદ ગવાઈ
તકિયા સેફ બિછાના ક્યા?
રૂખાસૂકા રામ કા ટુકડા
ચિતના ઔર સલોના ક્યા?
કહત કમાલ પ્રેમ કા માર્ગ
સીસ દિયા ફિર રોના ક્યા?
સંત કમાલ જેઓ આચારવિચારમાં પિતાથી પ્રભાવિત હતા અને સંપ્રદાયના સખત વિરોધી હતા. હિંદુ-મુસ્લિમ જેવા ભેદભાવથી પર હતા. સર્વધર્મ સમભાવને ઉજાગર કરનાર સર્જક હતા.
ગાંધીજી અને પ્રભાશંકર પટ્ટણી વચ્ચે પ્રગાઢ મિત્રતા હતી ઉપરાંત તેઓ ઊંડાં ચિંતક અને ગહન વિચારક હતા. પારદર્શકતા એમનો વિશિષ્ટ ગુણ હતો. એમના ઘરમાં ચોરી કરનાર ચાકર પકડાઈ તો તે સમયે એને સામેથી પચાસ રૂપિયા જેવી રકમ આપી દે એવો ઉમદા સ્વભાવ ધરાવતા શાસક હતા! પ્રભાશંકરજી કહેતા કે એણે ચોરી એટલે કરી હશે કે એને જરૂર હશે (પાનું:૧૭૦).
કબીરના દોહામાં સૂફી વિચારધારા ગાઢ સ્વરૂપે વણાયેલી છે. હિંદુ અને ઈસ્લામના મૂળ મૂલ્યો પ્રેમ, ભક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સાથે વિચારોની ગહનતા અને સરળ અભિવ્યક્તિ જોડાયેલી છે. કહેવાય છે કે ઉચ્ચ બ્રાહ્મણકુળમાં જન્મેલ કબીરનો ઉછેર મુસ્લિમ દંપતી નીરુ અને નીમા દ્વારા થયો હતો. કબીર અર્થાત્ મહાન.
“ઐસી વાણી બોલીએ, મન કા આપા ખોય,
ઔરન કો સીતલ કરે, આપહુ સીતલ હોય.”
મનમોહક વાણી બોલો જેનાથી સાંભળનારને શીતળતાનો અહેસાસ થાય અને બોલનારને શાતા મળે.
કબીરની જેમ રહીમના દોહામાં પણ સૂફીવાદ ગુંથાયેલો છે. શહેનશાહ અકબરે એનું પાલન શાહજાદાની જેમ કર્યું હતું. રહીમના દોહાઓ વર્ગ, વર્ણ, વાણી, પારકાં-પોતાનાં, સત્ય-અસત્યના ભેદભાવ સમજવામાં સાચો માર્ગ બતાવે છે.
“બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ,
રહિમન હીરા કબ કહે, લાખ ટકા હૈ મોલ.”
“રહિમન ધાગા પ્રેમ કા મત તોડો ચૂકાય,
ચૂંટે સે ફિર ના જુડે, જુડે ગાંઠ પરિ જાય.
-અબ્દુલ રહીમ ખાન.
“ પ્રેમથી મોં ન ફેરવ, જોકે એ સાચો પ્રેમ નથી પણ એ સાચા પ્રેમ માટેની તૈયારી છે.”
ઈશ્કે મજાઝી માટે મુલ્લા જામી- મસ્નવી’ યુસુફો ઝુલૈખા.’
“ ઈશ્કે મજાઝીને ઈશ્કે ઈલાહી તરફ જવાનો પૂલ માનવામાં આવે છે.”
“ભજન કે ઈબાદતમાં સૂરતાલ ન હોય તો ચાલે પણ ભાવ અત્યંત જરૂરી છે.” અજ્ઞાત ભક્ત.
“તમામ બાબતોનાં મૂળમાં માત્ર બે જ સિદ્ધાંત છે, એક એ કે જે તમારા માટે સર્જાયું છે તે તમને જ મળશે અને તમને મળતું કોઈ રોકી શકશે નહીં, બીજો સિદ્ધાંત એ કે તમારા માટે જે નથી તે તમે ગમે તેટલા પ્રયાસો કરશો છતાં નહીં જ મળે કારણ કે ખુદાએ તમારા માટે એ સર્જી જ નથી.” હઝરત અબુ હાઝીમ. ‘દીન -એ-ઇલાહી એટલે તૌહિદ-એ-ઈલાહી મતલબ એકેશ્વરવાદ જેને માટે અંગ્રેજ ઈતિહાસકાર વારહોલીએ લખ્યું છે- ‘દીન-એ-ઈલાહી ધર્મ’ સમ્રાટ અકબર પ્રેરિત હતો જેમાં
વિભિન્ન ધર્મોનાં તત્ત્વોનું મિશ્રણ હતું જેમાં અંશત: મહંમદ સાહેબના કુરાન, હિંદુ ધર્મગ્રંથો, અને ઈસા મસીહાના ઈન્જિલમાંથી ઉત્તમ સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા.”
બેબાક સુફી સંત અહમદ ખટું ગંજબક્ષ પોતાના સુવર્ણકાળમાં અમદાવાદ આવ્યા અને એમણે અમદાવાદની સ્થાપના કરી. આજે પણ એમની મઝાર-દરગાહ સરખેજ રોઝામાં છે. (પાનું-૯૩)
“જાની ઊઠા લે અબ તો એ પરદા નીકાબ કા,
આશક કે રૂબરૂ હૈ ક્યા આઅસ હિજાબ કા.”
સૂફી સંતો પોતાને ખુદાનો આશક સમજે છે.
-સૂફી સંત અનવર મિયાં.
સૂફી સંત હસન બસરીનો ઈસ્લામ એટલે શું નો જવાબ,”મુસલમાની ઈસ્લામ માત્ર કિતાબમાં છે, દર કિતાબ વ મુસલમાન દર ગોર અર્થાત્ ઈસ્લામ માત્ર કિતાબોમાં છે અને સાચા મુસ્લિમો માટી નીચે કબરમાં છે.“
“પરહેજગારી ઈસ્લામનાં મૂળમાં છે.” પરહેજગારી એટલે લોભ, લાલચનો ત્યાગ.(પાનું: ૧૦૫)
સ્વામી વિવેકાનંદનાં વ્યક્તિત્વમાં પણ મહેબૂબ ભાઈ સૂફીવાદ જુએ છે. ગણિકાનું ભજન સાંભળી એની માફી માંગવી જેવા બનાવો એમનાં જીવનકવન સાથે જોડાયેલાં છે. સૂફી વિચારમાં સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત પાયામાં છે. વિશ્વના પ્રથમ સૂફી સંત મહંમદસાહેબ(સ.અ.વ)ના વ્યક્તિત્વમાંથી નીતરતા એ સિદ્ધાંત વિશે વિવેકાનંદજી કહે છે,”પયગમ્બર સાહેબ દુનિયામાં સમતા અને સમાનતાના પ્રખર સંદેશવાહક હતા. તેઓ ભ્રાતૃભાવના મહાન પ્રચારક હતા.” વિવેકાનંદજીના મતે શિક્ષિત મુસ્લિમો, સૂફીઓને હિંદુઓથી અલગ કરવા મુશ્કેલ છે. (પાનું:૧૭૩)
અહમદાબાદ વસાવનારા ચાર સંતો પાટણના હઝરત કાઝી અહમદજૂદ, હઝરત મલિક અહમદ-કાલુપુર, બલુચવાડ, હઝરત અહમદ ગંજબક્ષ અને ચોથા સુલતાન અહમદ જેમનાં કારણે બાંધણી, સ્થાપત્ય, દેખાવમાં અમદાવાદ અદ્વિતીય છે, અમદાવાદનો પાયો નંખાયો એ સ્થળ માણેક બુરજ-૨૬/૨/૧૪૧૧ છે(પાનું:૧૧૯),
અમુક લેખોમાં પુનરાવર્તન છે દા. ત. પાનું ૧૩૧-૧૩૨-૧૬૬. ઔરંગઝેબ અને દારા શિકોહના ગુરુ હઝરત સહમત વચ્ચે બનેલી ઘટના. પાનું- ૧૪૬: બે ગોવાલણનો સંવાદ.
ગઝલનાં મૂળ પર્શિયનભાષાના ‘કશીદા’નામના કાવ્યપ્રકારમાં પડ્યાં છે, ગઝલની શરૂઆત ૧૦મી સદીમાં ઈરાનમાંથી. કશીદા એટલે પ્રશંસાકાવ્યો. હઝરત મહંમદ સાહેબે જેમની પ્રશંસા કરતાં કાવ્યો લખેલાં તે કશીદા. કશીદામાંથી તશબીબ જેમાં સૌંદર્યની પ્રશંસા, પ્રેમ અને પ્રિયતમાની લાગણીઓની અભિવ્યક્તિ, તશબીબીમાંથી ગઝલનો વિકાસ થયો.
ચિશ્તિયા પરંપરાનો આરંભ કરનાર ખ્વાજા અબુ અબ્દુલ્લાહ ચિસ્તી, એમના શિષ્ય કુત્બુદ્દીન બખ્તયાર અને એમના શિષ્ય ફરીદબાબા છે. ગુજરાતમાં ચિસ્તી પરંપરાના જાણીતા સંતોમાં સોળમી સદીના સંત કાયમુદ્દીન ચિસ્તીનું નામ અગ્ર છે. આઠમાં વર્ષે એમને કુરાન કંઠસ્થ હતું. તેઓ ગુજરાતી, સંસ્કૃત, ફારસી અને અરબી ભાષાના જાણકાર હતા. તેમનો ગ્રંથ’નૂરે રોશન’ છે. ૨૦૦૯માં એ પુન:પ્રકાશિત થયો છે. ૧૭૫૫માં એમના મૂળ ગ્રંથનો અનુવાદ શ્રી ભગત સુલેમાન અહમદે કર્યો હતો.
હઝરત મહમંદ સાહેબની દાઢીનો બાલ શ્રીનગરમાં ખ્વાજા નૂરુદ્દીનની પુત્રી ઈનાયતબેગમને એમના પિતાના મૃતદેહ સાથે સોંપવામાં આવ્યો જેમનાં નિકાહ પાંડે પરિવારમાં થયા હતા. એમણે એ પવિત્ર બાલ માટે એક દરગાહ બનાવી. આજે પણ એ દરગાહની નિગરાની પાંડે પરિવાર રાખે છે! (પાનું:૧૩૯)
ધર્મ, જાતિ, કોમના ભેદભાવ વગરની માન્યતાનાં કારણે જેઓ કોમી એકતાની મિસાલ બની ગયાં હતા એસુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી મહંમદ સાહેબના વંશજ હતા એમનો ઉપદેશ: “દરિયા જેવી સખાવત, સૂરજ જેવી ભલાઈ અને ધરતી જેવા પરોણાગત હશે તે અલ્લાહના સાચો મિત્ર હશે.”
“ભૂખ્યાંને ભોજન, પીડિતોને સહાય, હાજતમંદને( જરૂરિયાતમંદ ) મદદ, પક્ષીને ચણ, તરસ્યાંને જળ,
દુશ્મન સાથે માનવતાપૂર્વકનો વ્યવહાર કરવો.” આ જ ગૃહસ્થધર્મ છે જે હિંદુ સોળ સંસ્કારમાં લગ્ન બાદ ગૃહસ્થી સાથે સંલગ્ન છે.
વેદ, વેદાંત, ઉપનિષદો, હિંદુધર્મના ચાહક દારા શિકોહ સાચા અર્થમાં મુસલમાન અને કુરાનેશરીફ અને તસવ્વુફને પચાવનાર સંત હતા, ધાર્મિક કટ્ટરતાના વિરોધી દારા શિકોહની હત્યા એના નાનાભાઈ ઔરંગઝેબે સત્તા હાંસલ કરવા માટે કરી હતી. દારા શિકોહ સર્વધર્મ સમભાવના ચાહક હતા.ઔરંગઝેબે જિનાલયને મસ્જિદ બનાવવાની જાહેરાત કરેલી જેને અમદાવાદના સુબેદાર તરીકે દારા શિકોહે રદ કરાવી હતી. દારા શિકોહે યોગ વશિષ્ઠ ગીતા અને પ્રબોધ ચંદ્રવિદ્યા જેવા ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. (પાનું: ૧૪૫)
“મનુષ્યનાં પ્રત્યેક અંગમાં શહવત અને લાલચ છુપાયેલા છે, જ્યાં સુધી એે એનાથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ગંતવ્ય સ્થાને ન પહોંચી શકે.” રોશન ચિરાગ એ દિલ્લી. જેનો અર્થ દિલ્હીની પ્રબુદ્ધ રોશની થાય છે.
કેટલાક શબ્દપ્રયોગો ખુદાતઆલા, તૌબા કરી, નેકનામી, ઈબાદત, ખિદમત, બોરી, ખુદાના નૂરના દીદાર, ઉમ્મી, નમાઝની એહમિયત, મઝાર, મુરાદ, ગુજારીશ, ઈશ્કે હકીકી- પરમાત્મા પ્રત્યેનો પ્રેમ, ઈશ્કે મજાઝી- માનવપ્રેમ, તસવ્વુફમા-અદ્વૈત, શાહરાહ(બાયઝીદ બિસ્માનીની દેણ),
ઈશ્ક-એ-અકીકી, તામીર, સબ્ર, ખોફ, વફાત, લાઈકરા ફુદ્દીના-ધર્મનો પ્રચાર બળજબરીથી ન કરો,
અનલ હક્ક, ખલક, વગેરે ધ્યાનમાં આવે છે.
અંતે સંતાના શહેનશાહ રૂમીની ’મસનવી’ અને ‘દીવાન-એ-શમ્સતબરેઝ’ ના ઉલ્લેખ સાથે સમાપન:
“ અહંકાર એ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો મોટો સઘન પડદો છે.”
“ ખૂબસૂરતી આપણી ચારેબાજુ છે પરંતુ આપણે એને ફક્ત બગીચામાં શોધીએ છીએ.”
“ તમારું કામ પ્રેમને શોધવાનું નથી પરંતુ એ વિઘ્નોને શોધવાનું છે, તે તમે જ તમારાં મનમાં પ્રેમનાં વિરોધમાં સ્થાપિત કરી રાખ્યા છે.”
“સાસાંરિક પ્રેમસે અપના મુંહ મત મોડ યહ તુઝે હક તક ઊંચા ઉઠા સકતા હૈ.”
“ જ્યારે હું અવસાન પામું ત્યારે મારા મકબરાને જમીન પર ન શોધશો, તેને લોકોનાં હ્યદયમાં શોધશો.”
રાબિયા: “ડર અને અપેક્ષાથી મુક્ત થઈ નિઃસ્વાર્થપણે ખુદાની ઈબાદત કરો એ જ સાચી ઈબાદત છે.” પણ પ્રેમ, સૌહાર્દ, માનવીય મૂલ્યોનું જતન, સમાનતા, એકતાનો જ મહિમા કરવામાં આવ્યો છે એટલે અંતે તો નીરક્ષીરવિવેકથી વ્યક્તિએ માણસ બનીને રહેવાનું છે. એ જ નિષ્કર્ષ મળે છે. ગેરમાર્ગે દોરાયેલાં લોકો અન્યનું જીવન તહસનહસ કરી અંતે તો હતાશ જ થાય છે. સમગ્ર પુસ્તક કોઈપણ દૃષ્ટિથી વાંચો એનું હાર્દ એક જ અને સમાન છે.
ગીતા કહે છે, “કોઈપણ પરિસ્થિતિમાં સ્થિરતા રાખી શકનાર તે સ્થિતપ્રજ્ઞ. મને લાગે છે કે સૂફી સંતો એટલે સ્થિતપ્રજ્ઞ માનવીઓ પુસ્તકને આવકાર.
મૂલ્ય: ₹૨૨૫/-
આર.આર.શેઠ એન્ડ કંપની.
ફોન નંબર: ૦૨૨૨૨૦૧૩૪૪૧ મુંબઈ
૦૭૯૨૫૫૦૬૫૭૩ અમદાવાદ
Sent from my iPhone

મળવા જેવું વ્યક્તિત્વ : પ્રોફે. ડૉ. મહેબૂબ દેસાઈ

 

પ્રોફે. ડૉ મહેબૂબ દેસાઈ ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઇતિહાસ અનુસ્નાતક ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર (૧૯૯૮ થી ૨૦૧૨) અને ઇતિહાસ અને સંસ્કૃતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અધ્યક્ષ અને પ્રોફેસર(૨૦૧૨ થી ૨૦૧૮) તરીકે કાર્યરત હતા. ભાવનગર વિશ્વ વિદ્યાલયના ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક તરીકે તેમની કામગીરી ગાંધી વિચારના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર રહી છે. “દિવ્ય ભાસ્કર” “ફૂલછાબ” સૌરાષ્ટ્ર સમાચાર” “જયહિન્દ” જેવા અખબારોમાં તેમની કોલમો અવિરત ચાલતી રહી છે. “કુમાર” “પ્રબધ્ધ જીવન” “અખંડ આનંદ” “જનકલ્યાણ” “રંગતરંગ” “ચાંદની” “મેમન વેલ્ફેર” જેવા સામયિકોમાં પણ તેમની કલમ વાચકોને લુભાવતી રહી છે. તેમને ૧૯૯૨માં ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તેમના સંશોધન ગ્રંથ “ભારતની સ્વાતંત્ર ચળવળના સંદર્ભમાં ભાવનગર રાજ્ય પ્રજાપરિષદ અને પ્રજાકીય ચળવળો (૧૯૨૦ થી ૧૯૪૭) માટે એનાયત થયું છે. ગાંધીજીને મળેલ માનપત્રો વિષયક તેમની “કુમાર” સામાયિકમાં પ્રસિધ્ધ થયેલ લેખમાળાને ૨૦૧૯મા કુમાર ચંદ્રક મળેલ થયેલ છે. તેમના બે પુસ્તકો “યાત્રા” અને “ઇતિહાસ, વિચાર અને સંવેદના”નું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની ચેમ્બરમાં થયું છે. જાણીતા કથાકાર પૂ. મુરારિબાપુ દ્વારા મહુવા મુકામે ૨૦૧૪ના તેમને "હુસૈન એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવ્યા છે. 

ભારતના ૬૩માં પ્રજાસત્તાક દિને (૧૯૯૨) ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યપાલ શ્રી કમલ બેનિવાલાના હસ્તે સન્માન પ્રાપ્ત કરનાર ડૉ દેસાઈ સ્વભાવે અને કર્મે શુધ્ધ અધ્યાપક છે. તેઓ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાન, ઇતિહાસવિદ, લેખક, સહિત્યકાર અને ઉત્તમ વક્તા છે. ભારતની બિન સાંપ્રદાયિક્તાના જીવંત પ્રતિક છે. તેમના પિતાજી અને દાદા બંને પોલીસ વિભાગમાં પોલીસ અધિકારી હતા, છતાં રાષ્ટ્રીય ચળવળના પ્રખર હિમાયતી અને ખાદીધારી હતા. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરતાં રહ્યા છે. ડૉ દેસાઈએ ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં સિધ્ધી અને પ્રસિધ્ધિ મેળવેલ છે. તેમના ઇતિહાસ વિષયક ૨૫ ગ્રંથો ઇતિહાસ ક્ષેત્રે અત્યંત મૂલ્યવાન છે. મા. નરેન્દ્રભાઇ મોદી તેમના વિષે લખે છે,

“પોતાના કાર્યકાળ દરમિયાન ઇતિહાસનું શૈક્ષણિક કાર્ય કરતી યુવા પેઢીઓ તૈયાર કરવાનું, ગુજરાત સેવાઆયોગ તથા અન્ય દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઇતિહાસના વિષય દ્વારા વિદ્યાર્થીઓને સહાયભૂત થવાનું અને સાથે સાથે સાહિત્યના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપીને ડૉ દેસાઈએ તેમનો કાર્યકાળ માત્ર નિભાવ્યો નથી પરંતુ દિપાવ્યો છે.”

 

ભારતીય સંસ્કૃતિની સાચી સમજના સંવર્ધનની મહત્વની રાષ્ટ્રીય સેવા તેઓ બજાવી રહ્યા છે. “ગીતા અને કુરાન” “ઇસ્લામ અને અહિંસા” “ભગતસિંહ અને ગાંધીજી” “સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો” “ભારતમાં સૂફીવાદનો ઉદ્ભવ, વિકાસ અને અસરો” “શિક્ષણ પધ્ધતિમાં સર્જનાત્મકતા” “બંદરિય શહેર ઘોઘા” “મહાત્મા ગાંધી અને ડૉ આંબેડકર” “સૂફી પરંપરા અનુપ્રણિત ગુજરાતી સંત સાહિત્ય” જેવા તેમના સંશોધન લેખો આંતર રાષ્ટ્રીય કક્ષાએ આજે પણ સંદર્ભ તરીકે ઉપયોગમાં લેવાય છે.૨૫ ઇતિહાસ વિષયક, ૧૦ પ્રવાસન વિષયક, ૧૨ આધ્યાત્મિક, ૧૦ સાહિત્ય વિષયક, ૫ સૂફીવાદ વિષયક અને ૧૦ શિક્ષણ વિષયક ગ્રંથોના સર્જક ડૉ દેસાઈ ૧૫૦ થી વધુ રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. છેલ્લે તેમનું વ્યાખ્યાન તાજમાનીયા યુનિવર્સિટીય (Austrlia)માં “ડૉ. ડૉક લિખિત ગાંધીજીનું પ્રથમ જીવનચરિત્ર” વિષય પર યોજાયું હતું. 

ડૉ દેસાઈ ઉદારમતવાદી રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ધરાવે છે. એ તેમના વ્યક્તિત્વનું ઉમદા અને નોંધનીય પાસું છે. આપણા જાણીતા સાહિત્યકાર અને પદ્મશ્રી મા. ગુણવંતભાઈ શાહ ડૉ દેસાઈ વિષે લખે છે,

“નુતન ભારત થોડાક મહેબૂબભાઈઓની અપેક્ષા કરે છે. જેથી ખાબોચિયામાં પુરાઈ ગયેલી કહેવાતી ધાર્મિકતાને મહાસાગરની વિશાળતા સાંપડે” આપના જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુ ડૉ. દેસાઇને ૨૦૦૨ના અશાંત વાતાવરણ સમયે કહે છે, “મહેબૂબ ભાઈ મારા આશ્રમમાં ચાલ્યા આવો મને તમારી ચિંતા થાય છે.”

આવું ઉમદા અને રાષ્ટ્રીય વ્યક્તિત્વ ૫ મેના રોજ કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવી રહ્યું છે. આપણે સૌ તેમને આવકારી સ્નેહના સંબંધોને ઘાટા કરીએ, એ જ અભ્યર્થના.

 

ગુજરાત સરકાર દ્વારા સન્માન : શ્રી નરેન્દ્ર મોદી : ડૉ. મહેબૂબ દેસાઈ






 ૨૦૧૧ના મધ્યમાં ત્રણેક માસ માટે હું મારા પુત્ર જાહીદને ત્યાં તજમાનીયા રાજ્યના હોબર્ટ શહેરમાં  (ઓસ્ટ્રેલિયા) ગયો હતો.  હોબર્ટ એક ટાપુ છે. ચારે બાજુ દરિયા કિનારો અને વચ્ચે નાનકડું શહેર હોબર્ટ આવેલું છે. ત્યાંની મારી પ્રવૃત્તિ પણ નિશ્ચિત થઈ ગઈ છે. કારણ કે અત્રે મારે અવારનવાર આવવાનું બને છે. સવારે બંને પૌત્રોને અને પુત્રને કારમાં અનુક્રમે સ્કૂલે અને બસ સ્ટેન્ડ મૂકી દઉં. પછી સવારનો નાસ્તો કરી ગાડી લઈ બીચ પર ચાલવા નીકળી પડું. હોબર્ટનો દરિયા કિનારો દુનિયાના સુંદર અને સ્વચ્છ બીચોમાંનો એક છે. આ સાથે દિવ્ય ભાસ્કર ની કૉલમ “રાહે રોશન” અને ફૂલછાબ ની કૉલમ “સૂફીકથાઓ” નું લેખન પણ ચાલતું હોય. આવા શાંત વાતાવરણમાં એક દિવસ મને અનાયાસે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈને ઈમેલ કરવાની ઈચ્છા થઈ આવી. અને તેમનું ઈમેલ અડ્રેસ ગૂગલ પરથી મેળવી, મે તેમને એક મેઈલ કર્યો. જેમાં મે લખ્યું,

“સૌ નો સાથ સૌ નો વિકાસ સૂત્ર મને ખૂબ ગમ્યું છે. આપની સદભાવના યાત્રા પણ ગુજરાતમાં કોમી એખલાસ સ્થાપવામાં જરૂર સહભાગી બનશે. આવા વિકસતા ગુજરાતના પરિશ્રમિત   નાગરિકો સાચ્ચે જ સન્માનને પાત્ર છે.”

ગુજરાતના મુખ્ય મંત્રી પાસે આવા તો ઘણાં મેઇલો આવતા હોય. એટલે તેના જવાબની અપેક્ષા અસ્થાને જ હોય. મેઈલ કરી હું વિસરી ગયો. પણ મારા આશ્ચર્ય વચ્ચે એક દિવસ તેમના કાર્યાલયમાંથી જવાબ આવ્યો. “મુખ્ય મંત્રી શ્રી આપની વાત સાથે સહમત છે.” અને એ દિવસે  હોબર્ટમાં નિવાસ કરતાં એક ગુજરાતના અધ્યાપકને ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેના માનમાં અભિવૃધ્ધિ થઈ. લગભગ ત્રણેક માસ પછી હું ભારત પરત આવ્યો. અને મારા યુનિવર્સિટીના કાર્યોમાં પરોવાઈ ગયો.

થોડા માસ પછી બપોરની ટપાલમાં મને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તરફથી એક પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું,

“આપનો સવિસ્તર બાયોડેટા સવેળા મોકલશો”

આવા પત્રો યુનિવર્સિટીના અધ્યાપકોને અવારનવાર મળતા રહે છે. ક્યારેક કોઈ સરકારી કમિટીમાં નામ મૂકવા અંગે, તો ક્યારેક સરકારી કોલેજોમાં નિયુક્તિ પ્રક્રિયામાં સહભાગી બનાવવા. એટલે લાંબુ ન વિચારતા મે મારો વિગતવાર પરિચય મોકલી આપ્યો. એકાદ માસ પછી ગુજરાત સરકાર તરફથી મારા પર ફોન આવ્યો. ફોનમાં જણાવ્યું આવ્યું કે,

“રાષ્ટ્રના ૬૩માં પ્રજાસત્તાક દિનેની ઉજવણી ભાવનગર મુકામે થનાર છે. એ દિવસે ગુજરાતના ૧૨ મહાનુભાવોનું ગુજરાતના રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલ અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરવામાં આવનાર છે. તેમાં આપના નામની પસંદગી ગુજરાત સરકારે કરેલ છે. આપ આપની સંમતિ સવેળા મોકલી આપશો. જેથી આગળની કાર્યવહી આરંભી શકાય.”

ફોન પર સચિવ કક્ષા કોઈ અધિકારીએ મને ઉપરોક્ત માહિતી આપી અને સાથે મને અભિનંદન પણ પાઠવ્યા. આ સમાચારે મને સાચ્ચે જ આનંદિત કરી મક્યો. જો કે એમા મને નરેન્દ્રભાઈની મારાં પ્રત્યેની સ્નેહ ભરી લાગણી દેખાઈ. મે લેખિતમાં તુરત મારી સંમતિ મોકલી આપી. સંમતિ મળ્યે, સમારંભ સંદર્ભે મને એક પછી એક સૂચનો સરકાર શ્રી તરફથી મળવા લાગી.

“સમારંભમાં આપ સાથે કેટલા મહેમાનો આવશે તે જણાવશો.”

“સમારંભમાં આપ જે કારમાં આવવાના હોય તેનો નંબર મોકલશો.”

“આપની સાથે આવનાર મહેમાનોના નામ અને તેમના વાહનના નંબર જણાવશો.’

“આપના આગમનનો સમય જણાવશો.”                                     

મે આ તમામ વિગતો તુરંત મોકલી આપી.

મારી પાસે એ સમયે એક માત્ર ક્રીમ કલરનો સૂટ હતો. મે સમારંભમાં તે પહેરવાનું નક્કી કર્યું.  સૂટ મે વોર્ડરોબમાંથી કાઢ્યો. અને તે પહેરી જોયો. સમયના સથવારે પેન્ટ કમરેથી ટાઈટ થઈ ગઈ હતી. સ્તવરે મારા દરજી પ્રવીણભાઈને ત્યાં પહોંચી ગયો. અને તેમને યુધ્ધના ધોરણે પેન્ટ પહેરવા યોગ્ય કરી આપવા વિનંતી કરી. પ્રવીણભાઈ મારા જૂના અને અંગત મિત્ર છે. તેમણે તુરત માપ લઈ પેન્ટ પહેરવા લાયક કરી આપી. આમ સન્માન સમારંભમાં જવાની પૂરતી તૈયારી મે કરી લીધી. ભાવનગરના અન્ય અગિયાર મહાનુભાવોમાં યોગ નિષ્ણાત શ્રી આર જે જાડેજા, જાણીતા સેવક શ્રી માનભાઈ ભટ્ટ, શ્રી બાબાભાઈ પરીખ, સૌરાષ્ટ્ર સમાચારના સ્થાપક અને એક સમયના ગુજરાતના મંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ જેવા દિગજજો સાથે એક અદના અધ્યાપક નું સન્માન થવાનું હતું એ વિચાર જ મારા માટે અંત્યંત ઉતેજના પ્રેરક હતો.

સન્માન કાર્યક્રમ ૨૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગરના જવાહર મેદાનમાં સાંજે ચાર વાગ્યે યોજાયો હતો.  એ મારા જીવનનો નોંધપાત્ર દિવસ હતો. એ દિવસે બરાબર ૩.૩૦ કલાકે હું મારા સમગ્ર કાફલા સાથે જવાહર મેદાન પહોંચ્યો. સ્ટેજ પાછળ વી. આઈ. પી માટે ખાસ પ્રવેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જરૂરી સુરક્ષાની વિધિ પતાવી મે શમિયાણામાં પ્રવેશ કર્યો. મારી સાથે મારી પત્ની, પુત્રી, મારી ચારે બહેનો, તેમના પતિ અને બાળકો, મારા ત્રણે સાળા, તેમની પત્નીઓ બધા જ હતા. મે ધબકતા હદયે સન્માનિત થનાર મહાનુભાવો માટેની પ્રથમ હરોળની ખુરશી જેની પીઠ પર મારુ નામ લખેલું હતું, ત્યાં સ્થાન લીધું. મારા સ્વજનોને મારી પાછળ બીજી કે ત્રીજી હરોળસ્થાન આપવામાં આવ્યું હતું. સ્ટેજ પર ડિજિટલ અક્ષરો આવતા અને ઓસરાઈ જતાં હતા. એ અક્ષરોમાં લખ્યું હતું, “ભાવસભર ભાવનગર આપનું સ્વાગત કરે છે.” 

જવાહર મેદાનનો શામિયાણો વીસ પચ્ચીસ હજાર  નાગરિકોથી ઉભરાતો હતો. પ્રથમ હરોળમાં બેઠેલ મહાનુભાવોને સ્થાનિક ધારાસભ્યો શ્રી મહેન્દ્ર મહેતા અને શ્રી સુનિલ ઓઝા, મંત્રી શ્રી ફકીર વાઘેલા વગેરે અભિનંદન આપવા આવી રહ્યા હતા. સૌ સન્માનિત થનાર વ્યક્તિઓ ઊભા થઈ અભિનંદન સ્વીકારતા હતા. તેમની સાથે હું પણ ઊભો થઈ હસ્તધૂનન કરી તેમના અભિનંદન સ્વીકારતો હતો.

થોડીવારે સ્ટેજ પર મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ કમલા  બેનિવાલનું આગમન થયું. અને સ્ટેજ ધમધમી ઉઠ્યું. શ્રી નરેન્દ્રભાઈ સાથે ગુજરાતના મંત્રી મંડળના અનેક સભ્યો કદમો મિલાવી રહ્યા હતા. જેમાં વજુભાઈ વાળા, નીતિનભાઈ પટેલ અને શ્રી ફકિરભાઇ વાઘેલા જેવા અનેક નેતાઓ દ્રષ્ટિગોચર થતાં હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી કમલા બેનિવાલે સ્ટેજના સોફા પર સ્થાન લીધું અને કાર્યક્રમનો આરંભ થયો. કાર્યક્રમના આરંભે મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર યુનિવર્સિટીનું નવા નામકરણની જાહેરાત કરતાં કહ્યું,

“ઘણા સમયની ભાવનગરની પ્રજાની માંગને આવકારી ભાવનગર યુનિવર્સિટીને ભાવનગરના લોકપ્રિય મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજીના નામે “મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી” નામ આપવામાં આવે છે.” 

એ પછી અન્ય શિષ્ટાચાર પછી સન્માન સમારંભનો આરંભ થયો. સ્ટેજ પરથી સન્માનિત વ્યક્તિનું નામ બોલતું. એ વ્યક્તિ પાસે તેમને સ્ટેજ સુધી દોરી જવા સંપૂર્ણ ડ્રેસમાં સજ્જ ચાર સંત્રીઓ ઉપસ્થિત થતાં. સન્માનિત વ્યક્તિને સંપૂર્ણ ગાર્ડ ઓફ ઑનર સાથે બે સંત્રીઓ તેમની સાથે અને બે સંત્રીઓ તેમની પાછળ સ્ટેજ સુધી દોરી જતાં. આવા ભવ્ય પ્રોટોકોલ સાથે સન્માન પામનાર વ્યક્તિ સ્ટેજ પર રાજ્યપાલ અને મુખ્ય મંત્રી સુધી પહોંચતી. પ્રથમ મુખ્ય મંત્રી તેમને શાલ ઓઢાડી સન્માનિત કરતાં. એ પછી ગુજરાત રાજ્યના નકશાવાળો મોમેન્ટો તેમને આપતા. એ પછી રાજ્યપાલ શ્રી તેમને ફ્રેમમાં મઢેલ સન્માન પત્ર એનાયત કરતાં. હું આ સમગ્ર વિધિ એકગ્રચિત નિહાળી રહ્યો હતો. આવું સન્માન મારા જીવનમાં મને પ્રથમવાર મળી રહ્યું હતું. પરિણામે હદયના ધબકારામાં વધઘટ સ્વાભાવિક હતી. મારી આવી માનસિક સ્થિતિ વચ્ચે માઇક પર મારુ નામ બોલાયું.

“ગુજરાતના જાણીતા લેખક, સંશોધક અને ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતક ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. મહેબૂબ દેસાઈ સ્ટેજ પર સન્માન સ્વીકારવા પધારે”

અને ગાર્ડ ઓફ ઑનર સમા ચાર સંત્રીઓ મારી સામે ઉપસ્થિત થયા. ધબકતા હદયએ હું ઊભો થયો. બંને સંત્રીઓ વચ્ચે મે સ્ટેજ તરફ કદમો માંડ્યા. મારી પાછળ બે સંત્રીઓ સાથે કેટલાક અધિકારીઓ પણ પણ મને સન્માન આપવા મારી પાછળ ચાલતા મે અનુભવ્યાં. ધીમા પણ મક્કમ કદમે મે સ્ટેજ પર પ્રવેશ કર્યો. મુખ્ય મંત્રી નરેન્દભાઈએ મારી સામે આછું સ્મિત કર્યું. તેના ઉત્તરમાં મે પણ સ્મિત કર્યું. અને હું તેમની પાસે પહોંચી ગયો. સર્વ પ્રથમ નરેન્દ્રભાઈએ મને શાલ ઓઢાડી. પછી ગુજરાત રાજ્યના નકશા વાળો મોમેન્ટો મને આપ્યો. તેમના હાથમાંથી મોમેન્ટો સ્વીકારતા સમયે મે ધીમા સ્વરે તેમને કહ્યું,

आपने तो ज़रे को आफताब बना दिया’ (આપે પ્રકાશના નાનકડા કિરણ ને સુર્ય બનાવી દીધો)

નરેન્દ્રભાઈએ મારી નમ્રતાનો જવાબ વળતાં મારા કાનમાં કહ્યું,

“મહેબૂબભાઈ આપ સાચ્ચે જ તેને માટે લાયક છો.”

એ પછી રાજ્યપાલ શ્રી કમલા બેનિવાલે ફ્રેમમાં મઢેલું પ્રમાણપત્ર મને એનાયત કર્યું.

અને તેમનો આભાર માનતા મે સ્ટેજ પરથી નીચે ઉતારવા પગલાં માંડ્યા. ત્યારે મારા હાથમાં ત્રણ વસ્તુઓ હતી. જેને એક સાથે સંભાળવા હું પ્રયત્નશીલ હતો. મારી સ્થિતિને પામી જઈ સ્ટેજના ખૂણામાં ઉભેલા મારી સાથે આવેલા એક અધિકારી દોડી આવ્યા. અને મારા હાથમાંથી ત્રણે વસ્તુઓ લઈ લીધી. અને ગાર્ડ ઓફ ઑનર સમા ચારે સંત્રીઓ મને મારી ખુરસી સુધી મૂકી ગયા.

આ આખો પ્રસંગ મારા જીવનનો વિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે. આજે પણ એ પળોને યાદ કરું છું ત્યારે હું ખુદા કે ઈશ્વરનો શુક્ર અદા કરતાં હંમેશા મનોમન વદી ઊઠું છું,

“હે ખુદા તે મારી લાયકાત કરતાં મને ઘણું આપ્યું છે. હું જીવનના અંતિમ શ્વાસ સુધી તારો શુક્રગુજાર રહીશ”