संवेदना

LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Saturday, September 11, 2021

:ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                         બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .

 

Sunday, April 11, 2021

સિંધના સૂફી સચલ : ડૉ. મહેબૂબ દેસાઈ


દર રમઝાનના ૧૩માં રોઝા પર ત્રણ દિવસ માટે જેમનો ભવ્ય ઉર્સ તેમની મૃત્યું તિથી પર ઉજવાય છે, એવા સિંધના પ્રસિદ્ધ સુન્ની સૂફી સચલ સર મસ્ત (૧૭૩૯-૧૮૨૭) નું મૂળ નામ અબ્દુલ વહાબ હતું. પિતાનું નામ સલાહુદ્દીન અને  દાદાનું નામ સાહિબુદ્દીન હતું. સચલ સર મસ્તના નામે જાણીતા થયેલા આ સંતના નામમાં જ તેમના ગુણો વ્યક્ત થયા છે. સચલ અર્થાત સત્યવાદી. સર મસ્ત એટલે ખુદાના નશામાં મસ્ત. ઈ.સ. ૧૭૩૯માં સિંધના ખૈરપુર રાજ્યના દરાઝ ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી હતી. કાકા અબ્દુલ હક્કે બાળક અબ્દુલા વહાબનું પાલન પોષણ કર્યું અને તેમને આધ્યાત્મિક જ્ઞાનથી તરબતર કર્યા. સૂફી સંત તરીકેની તેમની પ્રસિદ્ધિને કારણે તેમના ગામ દરાઝને લોકો દર-એ-રાઝ અર્થાત આધ્યાત્મિક માર્ગના દ્વાર તરીકે ઓળખાવતા હતા.

એકવાર સૂફી સંત લતીફ શાહ તેમના ગામમાંથી પસાર થયા. તેમની નજર શેરીમાં રમતા બાળક અબદુલ વહાબ પર પડી. તેમણે અબ્દુલ વહાબના ચહેરા પરના તેજને પામી જી તે અંગે પૂછપરછ કરી. જયારે તેમને જાણ થઇ કે આ તો ખુદાના પાક બંદા સલ્લાહુદ્દીનનો પુત્ર છે, ત્યારે તેમણે પોતાનો જમણો હાથ બાળક અબ્દુલ વહાબના મસ્તક પર મૂક્યો અને ફરમાવ્યું,

“મેં પાત્ર (વાસણ)ને આગ પર ચઢાવી દીધું છે. તેનું ઢાકાણ હવે તેના દ્વાર ખોલી નાખશે.

આવી આધ્યાત્મિક ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. અબદુલ વહાબ યુવા અવસ્થામાં જ ખુદાના પ્રેમ અને સંગીતનો દીવાનો બની ગયો. તેમની વાણીમાં ખુદાનો પ્રેમ અને આરાધના અવિરત છલકતા હતા. એકવાર સંત સચલને કોઈકે પૂછ્યું,

“આપ ક્યારે જન્મ્યા ? આપના માતાપિતા કોણ છે ?”

આપે જવાબ આપ્યો,

“હું જન્મ્યો નથી

 નથી કોઈએ મારું પોષણ કર્યું

 મેં સ્વર્ગને ખુદ છોડ્યું,

 તે મને પોષી ન શક્યું

 હું મારી ખુશીથી

 ધૂળમાંથી અવતર્યો છું

 અને એટલે જ

 હું અનંત છું, સર્વવ્યાપક છું

 પણ લોકોની ભૂલ છે

 કે તેઓ મને સચલ કહે છે”

વીસ વર્ષની વયે કુરાને શરીફ જેમને કંઠસ્થ હતું. ઇસ્લામી શરીયત (કાનૂન)ના જે તજજ્ઞ હતા. જેમના પર પર્શિયન કવિઓ અલ્લુદ્દીન સત્તાર અને હાફીઝની ગાઢ અસર હતી. સૂફીમાર્ગનો પ્રકાશ આપનાર તેમના કાકા અબ્દુલ હક્ક જેમના ગુરુ હતા. સિંધી મુસ્લિમ અને હિંદુઓના જેઓ પ્રિય હતા તેવા સચલ સર મસ્તે ભગવાન શ્રીકૃષ્ણ પર રચેલા કાવ્યો પણ માણવા જેવા છે.

“હે  આશ્ચર્ય જનક જોગી

 તારી વાંસળીની સૂરાવલી

 કેવી મધુરતા હતી.”

સૂફી સચલની રચનોમાં ગહનતા, સરળતા અને સર્વધર્મ સમભાવના જોવા મળે છે. સચલ આધ્યાત્મિક જ્ઞાનનો દરિયો હતા. અનેક ભાષાના તેઓ જાણકાર હતા. સિંધી, શ્રીલંકન, પર્સિયન, ઉર્દુ, બલુચી, પંજાબી અને એરેબીક ભાષાના તેઓ પ્રખર જાણકાર હતા. સચલના કાવ્યોમાં સમભાવના કેન્દ્રમાં હતી. માત્ર શુદ્ધ ઈબાદત (ભક્તિ)ના જ તેઓ આશક હતા. ખુદા ઈશ્વર પ્રત્યેના અલૌકિક પ્રેમને જ તેમણે પોતાના ભક્તિ કાવ્યોમાં વ્યક્ત કરેલ છે.

“અમે કાબાને અમારા હદયમાં નિહાળ્યું

 હવે મક્કા જવાની શી જરૂર

 જયારે મારું મન જ મસ્જિત છે

 પછી મસ્જિતમાં જવાની શી જરૂર ?

 મારી નસોમાં જ ખુદા વહે છે

 પછી કલમા પઢવાની શી જરૂર ?

 સચલ ખુદાના પ્રેમથી ઘવાઈ ગયો છું

 પછી ખંજરથી ઘાયલ થવાની શી જરૂર ?

સચલની રચનાઓનું સંક્ષ્પ્તીકરણ કરવાનો યશ આગા સૂફીને જાય છે. ૧૯૩૩માં તે સંગ્રહ શિકારપુર (સિંધ) થી પ્રકાશિત થયો હતો. તેમાં સચલનું જીવન ચરિત્ર અને તેમની આધ્યાત્મિક  રચનાઓનું વિષ્લેષણ આપવામાં આવ્યું છે. સૂફી સચલે પોતાના વિચારોને વાચા આપવા ઉર્દુ-પંજાબી ભાષાનો બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે ફારસીમાં પણ લખ્યું છે. પણ મોટે ભાગે તેમણે સિંધીમાં વધુ લખ્યું છે. ઇ.સ. ૧૮૨૭માં સચલના જીવન પર પડદો પડી ગયો. છતાં સિંધમાં તેમના ગીતો આજે પણ લોકજીભે રમે છે.

 

 

Thursday, April 8, 2021

સૂફી સાહિત્યમાં જીવનની ક્ષણભંગુતા : ડૉ. મહેબૂબ દેસાઈ

 સૂફી સાહિત્યમાં જીવનની અલ્પતા અને તેની મોહમાયાની ક્ષણભંગુતા વિષે ઘણું લખાયું છે. અલબત સૂફી કવિઓ અને સંતોની ભાષા અને શૈલીની ભિન્નતા તેમાં વ્યક્ત થાય છે. પણ એ જ તો  તેની સાચી ખૂબસૂરતી છે. ખુદાના ઘરમાં તમારા ઠાઠમાઠ નકામા છે. દૂનિયાની શાનોશૌકત અહીં જ રહેવાની છે. ઈશ્વરને ત્યાં તેનું કોઈ મુલ્ય નથી. તેની દ્રષ્ટિમાં તો તમારા સદકાર્યો તમારી મૂડી છે. તમારી શાલીનતા તમારી લાયકાત છે. તમારી માનવતા તમારી ઓળખ છે. અને એટલે જ જે કઈ જીવન તમને મળ્યું છે તેને એવી રીતે વ્યતીત કરો કે તે એક મિશાલ બની જાય. દ્રષ્ટાંત બની જાય. વ્યક્તિ અને સમાજ માટે પ્રેરણા બની જાય. આ જ વિચારને રજુ કરવાની ભાષા અને શૈલી  દરેક સંત કે કવિની અલગ અલગ છે. જે સાચે જ માણવા જેવી છે.

કબીરે જીવનની ક્ષણભંગુતાને પોતાના આચાર સાથે વિચારોમાં પણ સાકાર કરેલ છે.  તેઓ લખે છે,

“ઇસ તન ધન કિ કૌન બડાઈ

 દેખત નૈનન, મિટી મિલાઈ

 અપને ખાતિર મહલ બનાયા

 આપહિ જાકાર જંગલ સોયા

 હાડ જલે જૈસે લકડી કી મૌલી

 બાલ જલે જૈસે ઘાસ કી પોલી

 કહત કબીર સૂન મેરે ગુનિયા

 આપ મરે પીછે ડૂબ ગઈ દૂનિયા”

કબીરના વિચારોને આમ ભાષામાં મુકતા કહી શકાય કે,

 

“આ તન (શરીર) અને ધન (સંપતિ) ની સુંદરતા અને ભવ્યતાનો ગર્વ ન કર. જયારે શરીરમાંથી શ્વાસ હણાઈ જશે. ત્યારે એક પળમાં તારો ગર્વ માટીમાં મળી જશે. તે બનાવેલો મહેલ તારા કશો  કામ નહિ આવે. અંતે તો તારે જંગલમાં જઈને જ સૂવાનું છે. શરીરની સુંદરતા પલભરની છે. હાડ અને વાળ તો જીવનની અલ્પતા સાથે ભસ્મ થઇ જવાના છે. જયારે મૃત્યું આવશે ત્યારે જીવનનો સમગ્ર ઠાઠ અહિયાં જ રહી જવાનો છે.”

જીવનના આ ઠાઠની અલ્પતાને સૂફી સંત નઝીર પોતાની શૈલીમાં વ્યક્ત કરતા લખે છે,

“ જબ ચલતે ચલતે  રસ્તે મેં

  યહ ગૌન તેરી ઢલ જાયેગી

  એક બધિયા તેરી મીટ્ટી પર

  ફિર ઘાસ ન ચરને આયેગી

  યહ ખેપ જો તુને લદી  હૈ

  સબ હિસ્સો મેં બાત જાયેગી

  ધી પૂત જમાઈ બેટા કયા

  બંજારન પાસ ન આયેગી

  સબ ઠાઠ પડા રાહ જાયેગા

  જબ લાદ ચેલેગા બંજારા”

કવિ નઝીરની રચનો ભાવ પણ માણવા જેવો છે,

“વેપાર ધંધામાં તું કરોડો રૂપિયા કમાયો.  ગાડી, વાડી ને લાડી ત્રણેને પ્રાપ્ત કરીને તું ઠાઠમાઠથી જીવન જીવી રહ્યો છે. જમીનથી વેંત ઉંચો ચાલે છે. આમ જ બાદશાહીથી દિવસો પસાર થઇ  જવાના  છે, એમ માની મગરૂરીથી તું જીવી રહ્યો છે. પણ એક દિવસ તારી આ ગૌન, આ શરીર તને ભારે પડી જશે. એક દિવસ તારું શરીર ગમે ત્યારે ગમે તે સંજોગોમાં નષ્ટ થઇ જશે. ઢળી પડશે. શ્વાસ થંભી જશે. ત્યારે તારા શરીરને જ્યાં અગ્નિદાહ કે દફનાવવામાં આવશે, એ જમીન પર જે ઘાસ ઉગશે એ ઘાસ પણ બળદ કે બકરી ચરવા આવશે નહિ. ખેત, માલ મિલકત, સંપતિ તું જેના માટે કમાયો છે તે તારી દીકરી, પુત્ર, જમાઈ, પત્ની કોઈ તારી પાસે આવશે નહિ. તારી સંપતિ તેઓ અંદર અંદર વહેચી લેશે. માટે ચેત. પરમાત્માએ આપેલ આ અલ્પ માનવ શરીરને અન્ય માટે, કલ્યાણ માટે ઉપયોગ કરી તારી મૌત પછીને સફર માટે સદ્કાર્યોની સંપતી ભેગી કર.”   

 

કવિ નઝીરની એક ઔર રચના “મૌત કા ડેરા” પણ આ જ વિચારનો વિસ્તાર કરે છે.

 

“કયા જીપર બોઝ ઉઠતા હૈ

 ઇન ગૌનો ભારી ભારી કે

 જબ મૌત કા ડેરા  આન પડા

 ફિર દોનો હૈ વ્યોપારી કે

 કયા સાજ જડાઉ જર જેવર

 કયા ગોટે થાન કિનારી કે

 કયા ઘોડે જીન સુનહરી કે

 કયા હાથી લાલ અમારી કે

 સબ ઠાઠ પડા રાહ જાયેગા

 જબ લાદ ચલેગા બંજારા”

 

નકશીદાર જડતર કરેલા સોનાના દાગીના, અલંકારો, તારી સ્ત્રી માટે તે બનાવી આપેલી કીમતી ચોળી, કબજા, ઉંચી ઔલાદના ઘોડા અને સોના, જીન ને હાથી અંબાડી. આ બધો સાજો સામાન  તારી ખુશીનો સામાન નથી. પણ તારી વ્યથા અને દુઃખનો સમાન છે. તારી ગોન, તારું શરીર આ સાજો સામાનથીજ એક દિવસ ઢળી જશે. તારો બધો વૈભવ એક પળમાં છૂટી જશે. માટે તું તારા કલ્યાણ માટે સદકાર્યોનું ધન એકત્ર કર.

હાલમાં જ હર્ષ બ્રહ્મભટ્ટનું એક સુંદર પુસ્તક “એક અભિન્ન અનુબંધ” વાંચવામાં આવ્યું. તેમાં હિંદી ફિલ્મના ગીતોના કાવ્યતત્વ પર ગહન ચર્ચા કરવામાં આવી છે. એ સંગ્રહમાં તેમણે કવિ શૈલેન્દ્રના  “તીસરી કસમ” ફિલ્મના એક ગીતની સુંદર ચર્ચા કરી છે. એ ગીત પણ જીવનની ક્ષણભંગુરતાને વ્યક્ત કરે છે. કબીર અને કવિ નઝીરની રચનાઓ સાથે તેની સમાનતા અદભૂદ રીતે માણવા જેવી  છે.

“સજન રે જુઠ મત બોલો

 ખુદા કે પાસ જાના હૈ

 ન હાથી હૈ ન ઘોડા હૈ

વહાં પૈદલ હી જાના હૈ

 

તુમ્હારે મહેલ ચોબારે

યહી રહ જાયેંગે સારે

અકડ કિસ બાત કિ પ્યારે

એ સર ફિર ભી ઝૂકના હૈ

 

ભલા કીજે ભલા હોગા

બુરા કીજે બૂરા હોગા

બહી લિખ લિખ્ કે કયા હોગા

યહી સબ કુછ ચુકાના હૈ

 

જીવનની કડવી ક્ષણભંગુતાને અભિવ્યક્ત કરતી આવી રચનો આજે પણ એટલી જ જીવંત લાગે છે જેટલી જીવનની ક્ષણભંગુતા છે. આજે કોરોના કાળે આપણને જીવનની અલ્પતા અને અનિશ્ચિતાનો નજીકથી અહેસાસ કરાવ્યો છે. એ એહસાસ માનવ મુલ્યોને સમાજમાં પ્રસરાવવામાં સહભાગી બનશે તો કદાચ આપણે સૌ પુનઃ ઈશ્વર ખુદાના ડરને મહેસૂસ કરી, મુલ્યો અને સદ્કાર્યોના માર્ગ પર અવશ્ય પાછા ફરીશું. અને કદાચ એ જ કોરોનાની અસરકારક વેક્સીન સાબિત થશે.

 

 

 

Saturday, December 12, 2020

“અમ્મા”ની પ્રેમાળ કિસ : ડૉ. મહેબૂબ દેસાઈ

 છેલ્લા પાંચેક દિવસથી અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. શરદી, તાવ, કળતર જેવા ચિન્હો શરીરમાં  ઉભરાવા લાગ્યા હતા. વાઈરલ ઇન્ફ્લેક્ષન માની નજીકના એક દાકતર પાસેથી સાધારણ દવા લઇ આવ્યો. પણ કઈ ઝાઝો ફેર ન પડ્યો. સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ચાલી. અંતે મેં મારા ફેમીલી દાકતર સબ્બીર ગડીને ફોન કર્યો. તેમણે મને તુરત આવી જવા કહ્યું. અસ્વસ્થ શરીરે ગાડી ડ્રાઈવ કરી હું અને મારી પત્ની સાબેરા દાકતરના દવાખાને પહોંચ્યા. આજકાલ કોરોનાને કારણે દવાખાનાઓ ઉભરાવા લાગ્યા છે. લગભગ અડધા કલાક પછી અમારો વારો આવ્યો. દાકતર સબ્બીર ગડી  યુવાન છે. પણ ખાસ્સા અનુભવી છે. તેમના નિદાનમાં હંમેશા વજૂદ હોય છે. મારું. બી.પી. અને પલ્સ ચેક કરી તેમણે મને દવાઓ લખી આપતા કહ્યું,

“દેસાઈ સાહેબ, તમારું સંપૂર્ણ ચેક અપ કરાવી લો. મને કોરોનાનો ડર છે.”

તેમનું વિધાન સાંભળી હું અને સાબેરા ભયભીત થયા. પણ તેમણે સાંત્વન આપતા કહ્યું,

“ચિંતા કરવાની જરૂર નથી. પણ ચેકઅપ કરાવી લો તો સારું.”

હું અને સાબેરા દવાનું પ્રિસ્ક્રીશન લઇ બહાર આવ્યા. અને ત્યાંથી સિદ્ધાં ચેક અપ કરાવવા લેબોરેટરીસમાં પહોંચ્યા. કોરોનાને કારણે ત્યાં પણ ભીડનો માહોલ હતો.  સંપૂર્ણ ચેક અપ કરાવતા અમને એકાદ કલાક લાગ્યો. પછી રીપોર્ટની રાહમાં બીજો અડધો કલાક ઇન્તઝાર કર્યો. બધા રીપોર્ટ હાથમાં આવી ગયા. તેમાં કોરોના પોઝીટીવ જોઈ મારી અને સાબેરાની ચિતા વધી ગઈ. લગભગ ૨૮ જેટલું કોરોનાનું પ્રમાણ હતું.

ડૉ. સબ્બીરભાઈનો સંપર્ક  કર્યો. પણ તેમણે તો સ્વસ્થ સ્વરે એટલું જ કહ્યું,

“ચિંતા ન કરો મેં જે દવા લખી આપી છે તે નિયમિત પાંચ દિવસ લો. પાંચ દિવસ પછી મને બતાવી જશો. સંપૂર્ણ કોરોનટાઈન પાળશો. રૂમમાંથી બિલકુલ બહાર ન નીકળશો. અન્યને પણ તમારા રૂમમાં પ્રવેશવા ન દેશો. અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો મને તુરત ફોન કરશો.”

આવા સંજોગોમાં હંમેશા સેકંડ ઓપીનીઅન લેવાનો મારો સ્વભાવ છે. મારા પરમ મિત્રોમાંના એક છે ડૉ. મુસ્તાક કુરેશી. તેમની સાથેનો મારો નાતો ટૂંકો છે. પણ થોડા સમયમાં અમારી ઘનિષ્ટતા આત્મીય બની ગઈ છે. વલસાડ પાસે પારડી હાઇવે પર તેમની પ્રતિષ્ઠિત પારડી હોસ્પિટલ છે. અનેક કોરોનગ્રસ્ત દર્દીઓની સારવાર તેઓ કરી ચૂક્યા છે. એટલે મેં વોટ શોપ પર તેમને મારો રીપોર્ટ મોકલ્યો. અને તેમનો તુરત ફોન આવ્યો.

“મહેબૂબભાઈ, કોરોના પોઝીટીવ છે. હવે જરા પણ વિચાર કર્યા વગર હું ગાડી મોકલું છું. આપ મારી ઇસ્પતાલે આવી જાવ. અહિયાં તમારી બધી તકેદારી લેવાશે. આપે એક પણ પૈસો ખર્ચવાનો નથી. બધું થઇ પડશે.”

તેમની લાગણીએ મને ભીજવી નાખ્યો. પણ વલસાડ ઈસ્પિતાલમાં દાખલ થવું મારા માટે શક્ય ન હતું. સામાજિક અને વ્યવસાયિક સબંધોને છેક વલસાડ સુધી ખેંચાવું પડે. વળી, સાબેરાને પણ મારી સાથે વલસાડમાં રહેવું પડે. એટલે મેં કુરેશી સાહેબને કહ્યું,

“આભાર કુરેશી સાહેબ, હું આ અંગે વિચારીને આપને જણાવીશ.”

અને અંતે મેં અમદાવાદમાં જ ડૉ. સબ્બીરભાઈ ગડીના માર્ગદર્શન તળે સારવાર લેવાનું નક્કી કર્યું.

 

જો કે સબ્બીરભાઈની પાંચ દિવસની શારીરીક અને માનસિક કેદના વિચારે મને પ્રથમ ધ્રુજાવી મુક્યો. ઘરમાં પગવાળીને બેસવાની જેને ટેવ ન હોય તેવા જીવને આ રીતે રૂમમાં કેદ રહેવું કેમ ગમે ? પણ હવે તો બીજો કોઈ વિકલ્પ જ ન હતો. ઘરે આવી મેં મારા બેડ રૂમમાં પ્રવેશ કર્યો. આજે તો સ્માર્ટ ફોન જેમ આપણા ઘરોના બેડરૂમ પણ સ્માર્ટ થઇ ગયા છે. સ્માર્ટ ટીવી, અનલિમિટેડ ઈન્ટરનેટ, લેપટોપ, પ્રિન્ટર, પુસ્તકો અને ઓડિયો સિસ્ટમથી સજ્જ મારો બેડ આજે મને કોઈ આધુનિક પ્રાશ્ચાત્ય જેલ જેવો લાગ્યો. પણ કોરોનાનો ભય મારા મનમાં એવો પ્રસરી ગયો હતો. કે આવી જેલમાં રહેવા મેં મનને મનાવી લીધું.

પાંચ દિવસ નિયમિત દવાઓનું સેવન અને શક્તિવર્ધક ટેબ્લેટ અને ભોજનની તકેદારી રાખવામાં સાબેરાએ કાફી તકેદારી રાખી. આમ તો દવાઓની અસરને કારણે રાત્રે નિયમિત મારી આંખ સવેળા લાગી જતી. અને સવારે મોડે સુધી સૂઈ રહેવાનું બનતું. આવા જેલના માહોલમાં મેં ચાર દિવસ તો કાઢી નાખ્યા. શરીરમાંથી તાવે વિદાય લીધી હતી. કળતર પણ હવે રહ્યું ન હતું. શરદી અને ખાંસી હતા જ નહીં. દિવસમાં ચાર પાંચવાર ઓક્સીમીટર દ્વારા શરીરના ઓક્સિજનને માપી લેતો. ધીમે ધીમે ઓક્સીમીટરમાં  ૯૬,૯૭,૯૮ જેવા નોર્મલ આંકડાઓ દેખાવા માંડ્યા. પણ છતાં મારા મનમાં કોરોનાનો ભય હજુ યથાવત હતો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનો સતત ભય મને રહ્યા કરતો.

એ ચોથા દિવસની રાત હતી. સાબેરાએ રાત્રે આઠેક વાગ્યે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. અને મને ભોજનની થાળી આપી. મેં તે લઇ ભોજન આરંભ્યું. ભોજન પૂર્ણ કરી રાત્રીની બધી દવાઓ લીધી. ગરમ હળદર અને મીઠું નાખેલ દૂધ પીધું. અને ટીવી ચાલુ કરી મેં મારા બેડ પર લંબાવ્યું. ક્યારે મારી આંખ લાગી ગઈ તેની મને ખબર નથી. અનાયાસે મારા પલંગ પર મને હૂંફનો અહેસાસ થયો. જાણે કોઈ મારા માથે હાથ ન ફેરવી રહ્યું હોય ? મેં આંખો ખોલીને જોયું તો અમ્મા મારી બાજુમાં સૂતા હતા. અમ્માના અવસાનને ૧૬ પછી આજે પ્રથમવાર અમ્માનો રૂપાળો ચહેરો મારી આંખો સામે હતો. તેમની પ્રેમાળ આંખો મને તાકી રહી હતી. અને મારા માથે તેમનો સુવાળો હાથ ફરી રહ્યો હતો. મેં કઈ પણ વિચાર કર્યા વગર તેમનો હાથ પકડી લીધો અને કહ્યું,  

“અમ્મા, મને તમારા ગાલ પર કિસ કરવા દો. તમારા ગાલની હૂંફાળી કિસ મને જીવતદાન આપશે.”

અને અમ્માના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું. જાણે કહેતા ન હોય, અરે બેટા, મને કિસ કરવા તારે પૂછવાનું હોય ? અને મેં અમ્માના ગાલ પર જીવતદાનના મોહમાં બે વાર કિસ કરી. ત્યારે અમ્મા બોલી ઉઠ્યા,

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.”

અને અચાનક અમ્માની હુંફ હવામાં ઓગળી ગઈ.

સવારે મોડે સુધી હું સૂતો રહ્યો. સાબેરાએ મારા રૂમનો દરવાજો ખખડવ્યો. મેં જોયું તો રૂમના દરવાજે તે મને પૂછી રહી હતી,

“આજે કેમ છે ? ચા લાવું ?”

મેં સાબેરાને સપનામાં અમ્માને કરેલ બે કિસની વાત કરી. સાબેરા બોલી ઉઠી,

“હવે કોરોના તો શું કોઈ તમારું કશું બગાડી નહિ શકે”

એ દિવસ ટ્રીટમેન્ટનો પાંચમો દિવસ હતો. ડૉ. સબ્બીરભાઈ પાસે ચેકઅપ માટે જવાનું હતું. સવારે સાડા દસ વાગ્યે ખુદ ગાડી ડ્રાઈવ કરી હું ડોકટરના ત્યાં પહોંચ્યો. તેમણે બીપી અને પલ્સ ચેક કરી. પછી બોલ્યા,

“આમ તો બધું નોર્મલ લાગે છે.  એટલે દવાની જરૂર નથી. છતાં ચેકઅપ કરાવી લઈએ. પણ હજુ દસ દિવસ કોરોનટાઇનમા તમારે રહેવું પડશે.”

સબ્બીરભાઈની વાત સ્વીકારી હું સિધ્ધો લેબોરેટરી પર ગયો. અને બધા રીપોર્ટ કઢાવ્યા. લગભગ અડધી કલાક પછી રીપોર્ટ મને મોબાઈલ પર મળ્યા. મે એ ડૉ. સબ્બીરભાઈને ફોરવર્ડ કર્યા. તેમનો તુરત જવાબ આવ્યો. “નોર્મલ”

એ “નોર્મલ” શબ્દએ મારી આંખો ભીંજવી નાખી.

આજે કોરોનટાઇનનો ચૌદમો દિવસ છે. રોજ રાત્રે અમ્માને મળવાની ચાહમાં સુવું છું. પણ અમ્મા જીવતદાનની બે કિસ આપી ગયા તે ગયા, હજુ સુધી પાછા આવ્યા નથી. પણ તેમના પ્રેમાળ શબ્દો

“બેટા મુન્ના, હવે તું નિરાતે સૂઈ જા. તને કઈ જ નહિ થાય.” આજે પણ મારા રૂમમાં પડઘા પાડી રહ્યા છે.

 

 

 

 

 

 

Sunday, October 18, 2020

ગાંધીજીને અપાયેલા માનપત્રો : ડૉ. મહેબૂબ દેસાઈ

 ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ  ગાંધીજીનો ૧૫૧મો જન્મ દિવસ છે. ભારત સરકારે ગાંધીજીના ૧૫૦માં જન્મ વર્ષની વર્ષ ઉજવણી કરી હતી. જેના પરિપક રૂપે પાંચ વર્ષના

સંશોધન અંતે તૈયાર થયેલા ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” પ્રકાશિત થયો છે.

આજ દિન સુધી ગાંધીજીના વિચારો અને તેના અર્થઘટનો અને તેમના જીવન કાર્યને લગતા અનેક ગ્રંથો વિશ્વમાં પ્રકાશિત થયા છે. પણ ગાંધીજીને મળેલા માનપત્રો અંગે કોઈ સંશોધન કે લેખન થયું નથી. વિશ્વમાં આ પ્રકારનું આ પ્રથમ સંશોધન અને લેખન છે. જેમાં ગાંધીજીને મળેલા ૬૯ જેટલા માનપત્રો શોધીને તેની અસલ ફોટો નકલ મુકવા આવી છે. અને તેના પર સંશોધન કરી લેખન પણ કરવામાં આવેલ છે.

એવા

 

જાન્યુઆરી માસ ગાંધીજીના જીવનમાં મહત્વનો રહ્યો છે. ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારતમાં તેમનું આગમન થયું. અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ તેઓ દિલ્હીમાં શહીદ થયા. ભારતની આઝાદીની લડતમાં છેલ્લે સુધી રત રહેનાર ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે માત્ર "ભાઈ" કે "મો.ક.ગાંધી" તરીકે જ ઓળખતા હતા. હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. પણ તેમની ખ્યાતી ભારતના ખૂણે ખૂણે તેમના આગમન પૂર્વે  પહોંચી ગઈ હતી. સૌરાષ્ટ્ર કે કાઠીયાવાડના સ્વાતંત્ર ઘેલા યુવાનોમાં તેમની ઘેલછા અદભૂત હતી. અને એટલે જ ભારતમાં ગાંધીજીને સૌ પ્રથમ "મહાત્મા" નું  માન આપનાર પણ સૌરાષ્ટ્ર વાસીઓ જ હતા.

ગાંધીજી ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ દક્ષિણ આફ્રિકાથી આગબોટમાં મુંબઈના કિનારે સવારે ૭.૩૦ કલાકે ઉતર્યા. અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર સંગ્રામમા એક નવા યુગનો આરંભ થયો. ભારતમાં ગાંધીજીના આગમન સમયે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું નહતું. દક્ષિણ આફ્રિકામાં તેમને સૌ "ભાઈ" તરીકે સંબોધતા હતા. ગાંધીજીને "મહાત્મા"નું બિરુદ સૌ પ્રથમ કોણે આપ્યું, એ આજે પણ ઇતિહાસમાં ચર્ચાનો વિષય છે. મોટે ભાગે ઇતિહાસના પાનાનો પર ગાંધીજીને "મહાત્મા" સૌ પ્રથમ કહેનાર રવીન્દ્રનાથ ટાગોર હતા, એમ મનાય છે.પણ એ સત્ય નથી. ગાંધીજીના ભારતમાં આગમન સાથે જ સન્માન અને માનપત્રોની પરંપરા આરંભાઈ હતી. જે તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. આવા જ સન્માનો અને માનપત્રોમા સૌ પ્રથમ વાર તેમના માટે "મહાત્મા" શબ્દનો ઉપયોગ થયો હતો.

ભારતમાં ગાંધીજીના આગમન પછી તેમણે સૌ પ્રથમ મુંબઈથી રાજકોટ પ્રયાણ કર્યું હતું. પ્રવાસમાં તેમણે ૨૧ જાન્યુઆરીએ જેતપુર અને ૨૪ જાન્યુઆરીએ ગોંડલની મુલાકાત લીધી હતી. બંને સ્થાનો પર તેમને માનપત્રો આપી સન્માનવામાં આવ્યા હતા. બંને શહેરની પ્રજાએ આપેલા માનપત્રોમા  "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયો હતો. મુજબ ૨૧ જાન્યુઆરીની જેતપુરની મુલાકાત દરમિયાન તેમને તથા તેમના ધર્મપત્ની કસ્તુરબાને સન્માનિત કરી માનપત્રો આપવમાં આવ્યા હતા. એ માનપત્રમા સૌ પ્રથમવાર ગાંધીજી માટે "મહાત્મા" શબ્દ પ્રયોજાયો હતો. એ ઐતિહાસિક તથ્ય ભારતના ઇતિહાસમાં બહુ ઝાઝું ઉજાગર થયું નથી.

૨૧ જાન્યુઆરીએ ગાંધીજી ગોંડલ સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પર તેમને સત્કારવામા આવ્યા. ત્યાંથી તેમની ટ્રેન વીરપુર પહોંચી. ત્યાં પણ તેમને સત્કારવામાં આવ્યા. ત્યાંથી ટ્રેન નવાગઢ પહોંચી. નવાગઢ સ્ટેશને ગાંધીજીનું સ્વાગત થયું. ગાંધીજી ત્યાં ઉતરી ગયા. નવાગઢથી મોટર માર્ગે તેઓ જેતપુર આવ્યા. જેતપુરમાં તેમનો ઉતારો શ્રી દેવચંદભાઈ પારેખને ત્યાં હતો. એ જ દિવસે જેતપુરમાં ગાંધીજીને સત્કારવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરના ૪૯ નગરજનોની સહી સાથે ગાંધીજીને એક માનપત્ર આપવામાં આવ્યું. એ માનપત્રના મથાળે લખ્યું હતું,

"શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો"

માનપત્રનું આ મથાળું એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમ  "મહાત્મા"નું બિરુદ આ માનપત્ર દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું હતું. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પયોગ થયાનું કહેવાય છે. એ સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે સ્વીકારી શકાય. એટલે શ્રી રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને  "મહાત્મા" નું બિરુદ આપ્યાની ઉક્તિ યોગ્ય નથી. આ માનપત્રમા આલેખાયેલા વિચારો એ સમયના ગાંધીજી પ્રત્યેના લોક માનસને સુંદર રીતે વ્યક્ત કરે છે. જેનું આચમન વાચકોને અચૂક ગમશે.

"મહાશય

ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમીમા પધરામણી થતા અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળેલ છે તે માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે. અને તે શુભ પ્રસંગની યાદગીરી રૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપના ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઈએ છીએ.

 

કાઠીયાવાડમાં સુપ્રસિદ્ધ રા.રા. કરમચંદ ગાંધીના કુટુંબમાં જન્મ લઇ સારી કેળવણી મેળવી બારિસ્ટર-એટ-લો થઇ પોતાના સ્વાર્થના ભોગે હિન્દુસ્થાન માટે જે જે કર્યું....વિવેચન કરવામાં આવે તો તે ઘણું લાંબુ થઇ જાય,પણ આપના જીવનચરિત્રના પુસ્તકો લખાયેલા છે જેથી આ સ્થળે તે વિષે વધારે લખવું અમને ઉચ્ચીત લાગતું નથી.

 

નિસ્વાર્થપણે સુખ દુઃખ સહન કરી આત્મભોગ આપવો તથા પૈસા સબંધી પણ ભોગ આપવો તે કોઈ ઓછું કઠીન કાર્ય નથી. હિન્દુધર્મશાસ્ત્રની અંદર યોગીઓએ વર્તવા જે જે કહેણ છે તેમણે કેવી રીતે વર્તવું, તેમનો શું ધર્મ છે તે વિષે જે કહેલું છે તે મુજબ આપ વર્તો છો અને આપના જીવનચરિત્રને એક મહાન યોગીની ઉપમા આપવી તે આપના આત્માના અનુભવ ઉપરથી અમોને જરા પણ અતિશયોક્તિવાળું લાગતું નથી.

 

છેવટે આપ જેવી રીતે અદ્યાપિ પર્યંત હિંદના ભલા માટે પ્રયત્ન કરો છો તેમ કરીને હિંદને આભારી કરતા રહો તથા આપની તથા આપના પત્નીની શારીરિક સંપતિ સારી રહે અને આપને પરમ કૃપાળુ પરમેશ્વર દીર્ઘાયુષ્ય આપે અને સુખી રાખે તથા આપના  કુટુંબ સહીત આપ સુખશાંતિ ભોગવો એમ અમારી જગત્ નિયંતા પાસે પ્રાર્થના છે. તથાસ્તુ."

માનપત્રના અંતે જેતપુરના ૪૯ અગ્રગણ્યની સહી છે. જેમાં મુખ્યત્વે દેવચંદ ઉત્તમચંદ પારેખ, રણછોડલાલ લક્ષ્મીદાસ મહેતા, કાલિદાસ કાનજી શેઠ, માધવરાય એન. મહેતા, દિનશાહ બરજોરજી બહેરાનજી, મહેતા મોહનલાલ દામોદર, મણીલાલ હાકેમચંદ ઉદાણી, હાકેમચંદ ખુશાલચંદ,અબ્દુલ્લા અયુબ, મગનલાલ ભીમજી જોષી વગેરેનો સમાવેશ કરી શકાય. ૨૧-૧-૧૯૧૫ના રોજ આપવામાં આવેલ આ માનપત્ર રાજકોટમા છાપવામાં આવ્યું હતું. જે અંગેની નોંધ માનપત્રના અંતે જોવા મળે છે. ગાંધી સાહિત્યના આધારભૂત ગ્રંથ મહાદેવભાઈની ડાયરી ઈ.સ.૧૯૧૮થી શરુ થતી  હોય આ માનપત્ર અંગે તેમાં કોઈ ઉલ્લેખ નથી. જયારે ગાંધીજીના અક્ષરદેહમાં આ માનપત્ર કે તેનો કોઈ જોવા મળતો નથી. ગાંધીના ભારતમાં આગમનનો આ સૌથી પ્રારંભિક કાળ હોય દરેક ઘટનાનો ઉલ્લેખ અક્ષર દેહમાં ન થયાની શક્યતા નકારી શકાય નહિ. આ માનપત્ર સાથે, જ કસ્તુરબાને પણ માનપત્ર આપવામાં આવ્યું હતું.

જેના મથાળે લખ્યું હતું,

"અખંડ સૌભાગ્યવંતા શ્રીમતી બહેન કસ્તુરબાઈ"

કસ્તુરબાને મળેલ આ માનપત્રના કેટલાક અંશો પણ જાણવા જેવા છે. માનપત્રના ત્રીજા પેરેગ્રાફમા લખ્યું છે,

 

"સ્ત્રી જાતીને પોતાનો પતિવૃતા ધર્મ કેવી રીતે પાળવો પોતાના પતિની આજ્ઞા પ્રમાણે કેમ વર્તવું તથા પતિને સુખે સુખી અને તેના દુ:ખે દુઃખી તે જે આપણા શાસ્ત્રનું મહાન વાકય છે તે મુજબ વર્તી ખરેખર પતિ પરાયણ થઇ સ્વદેશની સેવાને માટે જરૂરને વખતે કારાગૃહમા જવાના અને બીજા અનેક દુ:ખોને નહિ ગણકારતા આત્મભોગ આપી આપે જે દાખલો બેસાડ્યો છે તે અનુપમ છે અને આખા સ્ત્રી વર્ગને નમુના રૂપ છે."

 

માનપત્રની નીચે જેતપુરની ત્રીસ બહેનોની સહીઓ જોવા મળે છે. જેમાં મુખત્વે બાઈ જીવી લાલજી, શીરીનબાઈ મારકર, અંબા, નંદકુવ હરજીવન દોશી વગેરનો સમાવેશ કરી શકાય. આ બંને માનપત્રો કાપડ ઉપર પ્રિન્ટ થયેલા છે. માનપત્રોની ભાષામા લાંબા વાક્યો સાથે અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો છે. છ પેરેગ્રાફમા લખાયેલ ગાંધીના માનપત્રમા વિગતોની ભરમાર નથી. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંશા સાથે, આવકાર અને પ્રજાની અપેક્ષા દ્રષ્ટિગોચર થાય છે. આ તમામ વિશિષ્ટતાઓ સાથે સૌથી મહત્વની બાબત તેના મથાળામાં ગાંધીજી માટે વપરાયેલ "મહાત્મા" શબ્દ છે. જે દર્શાવે છે કે ગાંધીજીને "મહાત્મા"નું સૌ પ્રથમ બિરુદ-તખ્લુસ આપનાર પણ તેમની માદરેવતન ધરતી કાઠીયાવાડ જ છે. જે સૌ કાઠીયાવાડીઓ માટે ગર્વની વાત છે અને રહેશે.

 

 

 

 

ગાંધીજીને મળેલ માનપત્રોમા વિવિધતાના અનેક રંગો જોવા મળે છે.એ સાથે ભારતના વિવિધ પ્રદેશોની પ્રજા દ્વારા ગાંધીજીને મળેલા માનપત્રોમા ગાંધીજી પ્રત્યેની ભક્તિ અને તેમના માર્ગે ચાલવાની પ્રજાની તત્પરતા પણ વ્યક્ત થાય છે. જેમ કે ૨૫ ઓકટોબર ૧૯૨૯ના રોજ સહરાનપુરની મૈઢ રાજપૂત સભા દ્વારા ગાંધીજીને હિન્દીમાં આપવામાં આવેલ માનપત્રમા ગાંધીજીના ચરખા અભિયાનમાં જોડવાની આખા રાજપૂત સમાજે કરેલી પ્રતિજ્ઞા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. આ માનપત્રના મથાળે લખવામાં આવ્યું છે અભિનંદન પત્ર”. અને તેની નીચે લખ્યું છે, પૂજ્યપાદ જગત શ્રેષ્ટ મહાત્મા મોહનદાસ કર્મ ચંદ ગાંધીજી કે શ્રી ચરણોમેં  સમર્પિત મૈઢ રાજપૂત સભા સહારનપુર કી ઔર સે

આ મથાળા પછી માનપત્રનો આરંભ થાય છે. જેમા લખ્યું છે,

શ્રી મહાત્માજી,

મૈઢ રાજપૂત બિરાદરી કો આજ સૌભાગ્ય પ્રાપ્ત હૈ કી વહ આપકે દર્શન સે અપને કો પુનર્જિવિત કરે. હમારી બિરાદરી ગફલત કી નીંદ સો હી થી. આજ આપકે દર્શન સે હમારા જીવન સફલ હોતા હૈ. હમ હદય સે આપકા સ્વાગત કરતે હૈ. હમારી બિરાદરી મેં  ત્રુટીયા હૈ. વે હમ અચ્છી તરહ જાનતે હૈ ઔર હમ આપકો વિશ્વાસ દીલાતે હૈ કી ભવિષ્યમેં હમારા એક માત્ર કર્તવ્ય યહી હોગા કી હમ અપના સુધાર કરકે જાતિ ઉદ્ધાર મેં પરિશ્રમ કરે. હમ જાનતે હૈ કી એસા કરને સે હી આપકી આત્મા પ્રસન્ન હોગી. ઔર હમારા જીવન ભી વ્યર્થ ન હોગા.

આપકી પ્રેરણા સે હમ ચરખે અપને ઘરોમેં ફિર સે સ્થાપિત કર રહે હૈ. ઔર આશા હૈ કી યથા શીઘ્ર હમારી બિરાદરીકા કોઈ ઘર બીના ચરખે ન રહેગા. હમ યહ તુચ્છ રકમ બતોર પરસ કે આપકે ચરણોમેં પેશ કરતે

હૈ. આશા હૈ આપ સ્વીકાર કર કે કૃતાર્થ કરેંગે. અંતમે હમ ઈશ્વેર સે પ્રાર્થના કરતે હૈ કી આપને જો ભારત વર્ષ ઔર મનુષ્ય માત્ર કે ઉદ્ધાર કા બેડા ઉઠયા હૈ વહ શીઘ્ર હી પાર લગેગા.

આપકી સેવામે

મૈઢ રાજપૂત સભા

ગાંધીજીને મળેલા કેટલાક માનપત્રો હસ્ત લિખિત છે જેમાં તારીખ કે સ્થળ સ્પષ્ટ થતા નથી. પણ ભારતની પ્રજાની ગાંધીજી અને તેમના કાર્યો પ્રત્યેની ભાવના ધારદાર રીતે વ્યક્ત થાય છે. એવા જ એક હસ્ત લિખિત માનપત્રનો આરંભ શ્રી ગણેશજીના ગોળાકારમાં હાથે દોરેલા ચિત્રથી થાય છે. ચિત્રની ડાબી બાજુ શ્રી ગણેશાય નમઃલખ્યું છે. જયારે જમણી બાજુ સ્વરાજ જન્મનો હક્ક હૈ  લખ્યું છે. હિન્દી ભાષામાં લખાયેલ આ માનપત્રનો આરંભ કરતા હસ્ત લિખિત અક્ષરોમાં લખ્યું છે,

 

પૂજયનીય મહાત્માજી

ધન્ય ધન્ય વહ દિન જિસ દિન આપકે મુખ કમલ કા અવલોકન હો. ધન્ય ધન્ય વહ ધરી જિસમેં આપકે ચરણકમલ પધારે. ધન્ય ધન્ય વહ હાથી દરવાજા જહાં આપકે વિમાન રૂપી રથ ચલે... પરમાત્મા કા કોટી કોટી વંદન કરતે હૈ કી આજ હંમે આપકે મુખ કમલ કા દર્શન પ્રાપ્ત હુઆ હૈ. આપ કે સમાગમ કી ઇતની અભિલાષાથી જેસે અયુંધ્યાવાસીઓ કો રાજયશિરોમણી શ્રી રામચંદ્ર કી અભિલાષા થી. ઈશ્વર આપકો સહસ્ત્રાઆયુ પ્રદાન કરે, જો આપ સદેવ ધર્મનીતિક, રાજનીતિક કાર્યો મેં પ્રવર્ત કરે. ઔર આપ જેસે કે કારન

પંચાયતે બની રહે. યથા આપસ કે ઝગડે અપની પંચાયતો મેં નિબટાયા કરે ઔર કોરટ મેં ન જાય. ઇસ લીયે યહ હાથી દરવાજાવાલી પંચયાત પરમાત્મા કે દરબાર મેં બિનતી કરતી હૈ કી આપકો ઇસ કાર્ય મેં સૌભાગ્ય પ્રાપ્ત હો. આપ કે પ્રચાર સે  શહર શહર ગાવ ગાવ મેં હર જગહ સેવા મંડલીયે હો રહી હૈ જીનકા કાર્યફલ અપને ભાઈઓ કી સેવા કરના હૈ. ઇસી કારન, ઇસી તરહ હાથી દરવાજે વાલી દેશ હિતકારક મંડલી આપશે આશીર્વાદ માંગતી હૈ  જો આપ કૃપયા ઇસ મંડલી પર પવિત્ર હસત કમલ ધારણ કરે ,જો યહ મંડલી અપને ઉદેશો પર કાયમ રહે

આ માનપત્રમા વ્યક્ત થેયેલી ભાષા અને વિચારો નોંધપાત્ર છે.પ્રથમ તો તેની ભાષા અને શબ્દોના

ગઠનમાં એ યુગની ઝાંખી થાય છે. જયારે તેના વિચારોમાં ગાંધીજીની સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ પ્રત્યેની વિભાવના વ્યક્ત થાય છે. અંગ્રેજી કોર્ટો કરતા આપણી પંચાયતો સામજિક સમન્વય અને ન્યાયનું ઉમદા માધ્યમ હતી. અંગ્રજોના શાસનકાળ દરમિયાન પંચાયતોનું અસ્તિત્વ ભુંસાઈ ગયું હતું. અને તેનું સ્થાન અંગ્રજી કોર્ટોએ લીધું હતું. ગાંધીજીએ દરેક ક્ષેત્રમાં સ્વદેશી વિચારને અમલમાં મુકવાના ભાગ રૂપે પંચાયતોને પુનઃ જીવંત કરવા પ્રજાને હાકલ કરી હતી.તેનું પ્રતિબિંબ આ માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજીને મળેલા માનપત્રોના ભિન્ન  સ્વરૂપને વ્યક્ત કરતુ એ અન્ય માનપત્ર માણવા જેવું છે. ઉર્દૂ ગઝલના સ્વરૂપમાં લખાયેલ આ માનપત્ર  ૧૩  નવેમ્બર ૧૯૨૯ના રોજ ગાંધીજીને આપવામાં આવ્યું હતુ. માનપત્રમા  રાયબરેલી જીલ્લાના લાખા ગામની મીડલ સ્કુલના હેડ માસ્તર અને જાણીતા શાયર જાનકી પ્રસાદ મૈકશ એ ગાંધીજીના આગમન સમયે પોતાની ગઝલ  દ્વારા તેમના કાર્યોને બિરદાવ્યા હતા. ઉર્દુમાં લખાયેલ અને ૧૩ નવેમ્બરના રોજ રાયબરેલી મુકામે ગાંધીજીના માનમાં યોજાયેલ સમાંરભમાં વાંચી સંભળાવી,તેમને અર્પણ કરવામાં આવેલા માનપત્રની ગઝલના એક એક શબ્દ અને વિચારોમાં ગાંધીજી દ્રશ્યમાન થાય છે. ગઝલના મથાળે લખ્યું છે,

જાનકી પ્રસાદ મૈકશહેડ માસ્તર મીડલ સ્કુલ લાખા જિલ્લા રાયબરેલીએ પછી આરંભેલ ગઝલમાં લખ્યું છે,

આજ કા દિન તુમકો મુબારક હો,

તુમ્હારે ઘરમે વતનકા મદદગાર આયા હૈ

ચરખે સે આવાઝ આતી હૈ  કે તુમ ઇસકો ચલાઓ,

અગર તુમ્હેં ખુશીકા ચહેરા દેખના હૈ,

કોશિશ કરકે તુમ સુત કાંતો ઔર કપાસ ઉગાઓ

તુમ નંગે રહેને કે બજાય બુન્નેકા પેશા ઇખ્ત્યાર કરો,

અગર તુમ હાથ પેર કો હરકત દોગે તો ખુદા બરકત દેગા,

ઔર ઇસકી વજહ સે તુમ તંદુરસ્ત રહોગે

ઔર તુમ્હે દાક્તર કી જરૂરત નહિ પડેગી

સખ્તી કો ઔર કડવાહટ કો તુમ બરદાસ્ત કરો, ઉફ મત કરો

યહી ગાંધીકા ઔર ઉસકે જીનેકા તરીકા હૈ

તુમ જાન ઔર માલ કી પરવા ન કરો

મેં વતન કી શમ્મા કા પરવાના હું

અગર હમારા ઇત્ફાક બલંદી પર હૈ

તો આઝાદીકા સુરજ કરીબી હૈ

ઉસકો ઝાહિર ઔર બાતીની કી સબ ખબર હૈ"

ઉપરોક્ત માનપત્રમા ગાંધીજીનો ચરખો અને તેની પાછળની રાષ્ટ્રને સ્વાવલંબી કરવાની ગાંધીજીની ભાવના શાયરે વ્યક્ત કરી છે. ૧૯૨૯ના ૧૩ નવેમ્બરનો યુગ રાષ્ટ્રીય જાગૃતિની પરાકાષ્ઠાનો યુગ હતો.એક બાજુ અહિંસક ગાંધી વિચારો પ્રસરેલા હતા, તો બીજી બાજુ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓથી  ભારતનો યુવા વર્ગ પ્રભાવિત હતો. એમ કહેવાય છે કે એ યુગમા ગાંધીજીની લોકપ્રિયતા કરતા ભગતસિંગની લોકપ્રિયતા બમણી હતી. અને આમ છતાં ગાંધીનો જાદુ યથાવત હતો. ચરખા અને અહિંસાની ખેવના લોકોના માનસમાં સંગ્રાહેલી હતી. જે આ ગઝલના સ્વરૂપમાં લખાયેલા માનપત્રમા જોઈ શકાય છે.

ગાંધીજી સીતાપુરથી રાયબરેલી આવ્યા. રાયબરેલીમાં તેમને મ્યુનિસિપાલટી, જીલ્લા બોર્ડ, અધ્યાપક સમિતિ, જીલ્લા કિસાન, કોંગ્રેસ કમીટી, સ્વાગત સમિતિ, મહાવીર પ્રસાદ છાત્રાલય અને આર્ય કુમાર વગેરે તરફથી માનપત્રો એનાયત થયા હતા. એમાનું એક આ માનપત્ર અધ્યાપક સમિતિ જીલ્લા રાયબરેલીના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને સભ્યો તરફથી આપવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના રાયબરેલી જીલ્લાનું મુખ્ય શહેર રાય બરેલી સાઈ નદી પર વસેલી છે. લખનૌ થી ૮૨ કિલોમીટરના અંતરે આવેલ આ શહેર ભારતના ગાંધી-નહેરુ પરિવાર સાથે જોડાયેલુ છે. આઝાદી પછી જવાહરલાલ નહેરુના જમાઈ ફિરોઝશાહ ગાંધી અહીંથી લોકસભામાં ચુંટાયા હતા. એ પછી ઇન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો પણ રાજકીય નાતો આ શહેર સાથે ઘનિષ્ઠ રહ્યો છે. એ શહેરના અધ્યાપકો દ્વારા આપવામાં આવેલ આ માનપત્રમાં ગાંધીજી સમક્ષ અધ્યાપકોનો મનોદશ વ્યક્ત કરે છે.

હિન્દી ભાષામાં પ્રિન્ટ કરી આપવામાં આવેલ આ માનપત્ર આજથી ૮૭ વર્ષ પૂર્વે તા. ૧૩ નવેમ્બર ૧૯૨૯ના રોજ રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિ દ્વારા ગાંધીજીને આપવામાં આવ્યું હતું. માનપત્રમાં એ યુગના અધ્યાપકોએ રજુ કરેલ પોતાની વ્યથા અને ગાંધીજી પ્રત્યેની અપેક્ષાઓ આજે પણ સુસંગત ભાસે છે. ગંગાધર પ્રેસ, રાયબરેલીમાં છપાયેલ આ માનપત્રના અંતે રાયબરેલી જિલ્લા અધ્યાપક સમિતિના સભાપતિ ઈન્દ્રપાલ સિંહ અને અન્ય સભ્યો લખવામાં આવ્યું છે. માનપત્રની હિન્દી ભાષા સરળ અને સ્પષ્ટ છે. "શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા"ના સંબોધનથી આરંભાયેલા માનપત્રના પ્રથમ પેરેગ્રાફમાં અધ્યાપક સમાજ ગાંધીજીની અપેક્ષાઓમાં ઉણો ઉતરવા બદલ શરમીંદગી વ્યક્ત કરે છે. અને ભારતમાં ગાંધીજી જેવા મહાપુરુષના જન્મથી ગર્વ પણ અનુભવે છે. છેલ્લા છ વર્ષથી રાયબરેલીમાં જિલ્લા અધ્યાપક સમિતિની રચના થઇ છે. જેનો ઉદેશ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન કરવા અને અધ્યાપકો ની લાયકાતમાં અભિવૃદ્ધિ કરવા પ્રયાસ કરવાનો છે. એ ઉદેશની પૂર્તિ માટે આ સમિતીએ પ્રોવિશિયલ ટીચર્સ એસોસિયેશન અને ભારતીય અધ્યાપક મહાસભાની સ્થાપનામાં યોગદાન આપ્યું છે. વળી, અધ્યાપક સમિતિ દ્વારા અસ્પૃશ્યતા નિવારણના ભાગ રૂપે અસ્પૃશ્યોના શાળા પ્રવેશ માટે પણ પ્રયત્નો થયા છે.  સ્કાઉટની પ્રવૃતિને પણ અધ્યાપક સમિતિ દ્વારા વિકસાવવાના પ્રયત્નો થયો છે. અને તેમાં પણ અધ્યાપકોએ રસ દાખવ્યો છે.

આમ છતાં એ યુગમાં પણ અધ્યાપકો પ્રત્યેના સરકારી વલણમાં આજની તુલનામાં કોઈ ઝાઝો ફેર જોવા મળતો નથી. તે માનપત્રના ત્રીજા પેરેગ્રાફમાં વ્યક્ત થયેલા વિચારો દ્વારા જાણી શકાય છે. અધ્યાપક સમિતિએ રાજ નૈતિક માર્ગ પર કદમો માંડ્યા નથી. રાજનીતિથી તે દૂર છે. છતાં માનપત્રમાં એવા આક્ષેપો થયેલા થયેલા જોવા મળે છે કે અધ્યાપકો રાષ્ટ્રીય કાર્યકર્તાઓના હાથની કઠપુતળી બની ગયા છે. પરિણામે શિક્ષા વિભાગ જ અધ્યાપક સમિતિને સહયોગ નથી આપતો. અધ્યાપક સમિતિના અધિવેશનોમાં પણ શિક્ષણ વિભાગ સહયોગ નથી આપતો. જયારે અન્ય સરકારી વિભાગો અધ્યાપક સમિતિને સહકાર આપે છે.

 

અધ્યાપક સમુદાયના સામાજિક દરજ્જા અન્વયે પણ આ માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. જે સમુદાય ગામડાઓ અને શહેરોમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરે છે. તેવા અધ્યાપક સમુદાય અંગે "દીન સમુદાય" તરીકે માનપત્રમાં ઉલ્લેખ જોવા મળે છે. વળી, અધ્યાપક સમુદાય પ્રત્યેનો દેશ નેતાઓનો અભિગમ પણ નિરાશાજનક જોવા મળે છે. એ અંગે ગાંધીજીને વિનંતી કરતા માનપત્રમાં કહેવામાં આવ્યું છે,

 

"દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ."

 

ટૂંકમાં આ માનપત્ર એ યુગના અધ્યાપકોની મનોદશાનું તાદ્રશ્ય આલેખન કરે છે. હવે આપણે તે મૂળ માનપત્રનો  અભ્યાસ કરીએ.

 

અભિનન્દન પત્રમ્

 

ભારતમુખ ઉજ્વલ  કારી મહાત્મા મોહનદાસ કર્મચન્દ જી ગાંધી મહોદય કે કરકમલો મેં સાદર સમર્પિત

 

શ્રધ્ધેય દેશાત્મા મહાત્મા જી,

 

જિલા અધ્યાપક સમિત કે હમ સદસ્યગણ આપકા અપને જિલે કી સમિતિ કી ઔર સે અપને પ્રાન્ત (બૈસવાડા) કે કેન્દ્રસ્થ રાયબરેલી નગર મેં સાદર તથા હાર્દિક સ્વાગત કરતે હૈ. ઔર અપને દર્શનો સે કૃત કૃત્ય હોકર અપને કો ધન્યમાનતે હૈ. પરન્તુ લજ્જિત હૈ કે પાહુન યોગ્ય હમારી સેવા નહિ, શ્રીમાન કે નેતૃત્વ મેં કિસાનો, મજદુરો, તથા ગરીબો કી દશા સુધારને કે લિયે જો પ્રભાવશાલી પ્રયત્ન હુયે હૈ વે કિસી સે છિપે નહિ હૈ. ઇસ સમય ભારત કો સંસાર મેં સબસે બડે મહ્પુરુષ કા જન્મ દેને કા ગર્વ જો પુનઃ પ્રાપ્ત હુઆ હૈ, ઉસકા એક માત્ર કારણ શ્રીમાન કા વ્યક્તવ્ય હૈ ઔર ઇસ ભારત કે અધ્યાપક સમાજ કો ભી ગર્વ હૈ.

 

હમારી સમિતિ ગત ૬ વર્ષ સે ઇસ જિલે મેં સ્થાપિત હૈ ઉસકા પ્રધાન ઉદેશ્ય શિક્ષા પ્રણાલી પર વિચાર કરના "અધ્યાપકો કી યોગ્યતા બઢાને મેં પ્રયત્નવાન રહના" એવંમ્ ઉનકી દશા સુધારને કે લિયે ઉદ્યોગ કરતે રહના હૈ. ઇન ઉદેશો કી પૂર્તિ કે લિયે હમારી સમિતિ ને પ્રાવિશિયલ ટીચર્સ એસોશીઅશન ઔર સર્વ ભારતીય અધ્યાપક મહા સભા કી સંસ્થાપના મેં ભરકસ યોગ દિયા હૈ.

હમ લોગો ને અછૂત બાલકો કો પ્રત્યેક સ્કૂલ મેં ભરતી કરને વ સ્પૃશ્યતા મિટાને કા સદા પ્રયત્ન કિયા હૈ. ઔર સ્કાઉટીડ મેં કાફી દિલચસ્પી લી હૈ.

 

યધપી હમારી સમિતિ ને અબ તક રાજનીતિ માર્ગ પર પૈર નહીં રકખા તથાપિ યહ શિકાયત કી જાતી હૈ કિ યહ સમિતિ રાષ્ટ્રીય કાર્યકર્તાઓ કે હાથ કી કઠપુતલી હૈ દુર્ભાગ્ય સે શિક્ષા વિભાગ હી ને અધિક રુખાઈ દિખાલાઈ ઔર અબભી સમિતિ કે અધિવેશનો મેં જહાં અન્ય સરકારી વિભાગ સહયોગ કરતે હૈ વહાં શિક્ષા વિભાગ ટેઢી ચાલ ચલતા હૈ. હમ શ્રીમાન કો યહ બતાના ચાહતે હૈ કિ ભારત કે હીન સમુદાયો મેં હમારા સમુદાય એક મહાન દિન સમુદાય હૈ જો ગાંવો મેં ફૈલા હુવા હૈ ઔર દેશ કો શિક્ષિત બનાને મેં યથા શક્તિ યોગ દેતા હૈ. ઔર રાષ્ટ્ર કા અત્યાવશ્ય અંગ હૈ.

 

દેશ કે નેતાઓ કા ધ્યાન ભી ઇન ગૃહસ્થો કી ઔર નહિ ગયા હૈ. ઉસી સે હમ બહુત નિરાશ હૈ. શ્રીમાન સે હમારા સાદર  અનુરોધ હૈ કી જિસ પ્રકાર આપ જિલે કે મજદુર આદિ ભિન્ન ૨ વર્ગો કી ઔર ધ્યાન દેતે હૈ ઉસી પ્રકાર હમારી હીન દશા કી  ઔર ભી દ્રષ્ટિ પાત કીજિયે. ક્યોકી ભગવાન ભાસ્કર કી કિરણો સર્વત્ર સમાન પડતી હૈ જબ કિ શ્રીમાન અપને આપ કો દરિદ્ર નારાયણ કા પ્રતિનિધિ કહતે હૈ તો ફિર હમારા સમુદાય ભી આપકી કૃપા કટાક્ષ કા અધિકારી હૈ.

 

અન્તમેં શ્રીમાન કા એક બાર ફિર સ્વાગત કરતે હૈ ઔર શ્રીમાન કે ચિરાયુ હોને તથા નિરોગ રહને કી ભગવાન ભૂતભાવન સે પ્રાર્થના કરતે હૈ.

 

હમ હૈ અનન્ય ભક્ત,-

 

ઈન્દ્રપાલ સિંહ સભાપતિ

ઔર સદસ્યગણ અધ્યાપક સમિતિ જિલા રાયબરેલી

 

ગંગાધર પ્રેસ, રાયબરેલી ૧૨.૧૧.૨૯

 

 

 

 

ગાંધીજીને સન્માનિત કરતા માનપત્રોની આ પરંપરા છેક ૧૯૪૭ સુધી અવિરત પણે ચાલુ રહી છે. એ માનપત્રોમા ગાંધીજીના આદર્શો, કાર્યો અને તેમના પ્રત્યેની પ્રજાની અપેક્ષો અહોભાવ પૂર્ણ રીતે નોંધાયેલી છે. પણ આ તમામ માનપત્રોમા ઉડીને આંખે વળગે તેવી બાબત ગાંધીજી માટે થયેલ વિવિધ સંબોધનો છે. જે તેમની પ્રજા માનસમાં અંકિત થયેલી છબી વ્યક્ત કરે છે. જેના પર એક નજર નાખતા માલુમ પડે છે.

 

પૂજ્ય પાદ મહાત્મા મોહનદાસ કર્મચંદ ગાંધી

શ્રીમાન સત્ય સંધ ત્યાગમૂર્તિ મહાત્મા ગાંધીજી

અમન અને શાંતિના ફરિશ્તા મહાત્મા ગાંધીજી

પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય મહાત્મા ગાંધીજી

ભારત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

દેશ કે મુકટ ઔર હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

પુણ્યશ્લોક મહાત્મા ગાંધીજી

પૂજ્યપાદ જગ વિખ્યાત મહાત્મા મોહનદાસ ગાંધી

ત્યાગ મૂર્તિ મહાત્મા ગાંધીજી

હમારે હદય સમ્રાટ પૂજનીય મહાત્માજી

નર શ્રેષ્ટ મહાત્માજી

ભારત ગૌરવ પૂજ્યપાદ શ્રી મહાત્મા ગાંધી

દરિદ્ર દેવ – અછૂત હદય સમ્રાટ મહાત્મા ગાંધીજી

શ્રી જગત વંદનીય પૂજ્ય મહાત્માશ્રી

 

જેવા અનેક તખલ્લુસોથી સમગ્ર વિશ્વમાં સન્માનિત થયેલા ગાંધીજીને કોઈ એક નાનકડો દેશ નોબેલ પારિતોષિકથી સન્માનિત ન કરે તેથી ગાંધીજીની પ્રતિભા જરાયે ઝાંખી થતી નથી, બલકે ગાંધીજીના અવસાનના ૬૬ વર્ષ પછી પણ એનો વસવસો નોબેલ પારિતોષિક સમિતિ આજે પણ કરી રહી છે. એ જ ગાંધીજીના વ્યક્તિત્વનું સાચું સન્માન છે.