શમ્મે ફરોઝા-૧૫
ડૉ. મહેબૂબ દેસાઈ
એકવાર હઝરત મહંમદ પયગંબર (સ.વ.) મક્કાની ઉત્તરે થોડે દૂર આવેલી અકબાની ટેકરી પર ઉપદેશ આપતા હતા. યસરબ (મદીના)ના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન મહંમદ સાહેબ તરફ ગયું. મહંમદ સાહેબના ઉપદેશ અને તેમના તેજની તેમના પર અસર થઇ. તેઓમાંથી છ મુસાફરોએ મહંમદ સાહેબ પાસે આવ્યા અને કહ્યું, “અમે છ ઈસ્લામને અપનવવા માંગીએ છીએ.”
આમ એ છએ ઇસ્લામનો અંગીકાર કર્યો. મહંમદ સાહેબના ઉપદેશની એમના પર એવી ઊંડી અસર થઇ કે બીજા વર્ષે યસરબના બીજા છ માણસોએ પણ ઇસ્લામનો સ્વીકાર કર્યો. આ માણસો યસરબના બે મોટા કબીલા “ઓસ” અને “ખઝરજ” ના આગેવાનો હતા. તેમણે પણ મહંમદ સાહેબ પાસે આવી. ઇસ્લામનો અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખી આપ્યા,
“અમે અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણી જોઈએ કોઈ પર જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો ભંગ નહિ કરીએ. અને સુખ દુઃખ બન્નેમાં પયગંબરને સંપૂર્ણ સાથ સહકાર આપીશું.”
માનવ મુલ્યો પર આધારિત ઇસ્લામના મૂળભૂત તત્વજ્ઞાન તરફ નિર્દેશ કરતી આ પ્રતિજ્ઞા ઇસ્લામના ઇતિહાસમાં “અક્બની પહેલી પ્રતિજ્ઞા” તરીકે જાણીતી છે.
*********************************************
શમ્મે ફરોઝા-૧૬
ડૉ. મહેબૂબ દેસાઈ
મહંમદ પયગંબર સાહેબ (સલ.) પોતાની દરેક
વાત લોકો આંખ બંધ કરીને ન માને તે માટે પુરતી તકેદારી રાખતા. અંધ વિશ્વાસના તેઓ
સખત વિરોધી હતા.
એકવાર મહંમદ સાહેબ એક ખજૂરના બગીચા
પાસેથી પસાર થતા હતા. કેટલાક માણસો બગીચામાં ખજુરની કલમો રોપતા હતા. મહંમદ સાહેબને
તેમાં રસ પડ્યો. એટલે ત્યાં ઉભા રહ્યા. કલમો રોપી રહેલ માણસોને સુચન કરતા તેઓ
બોલ્યા,
“સાથીઓ, મને લાગે છે તમે ખજૂરના રોપાઓને એમ ને એમ જ જમીનમાં ઉભા રોપી દો તો
સારું.”
ખજૂરના રોપા જમીનમાં વાવતા લોકોએ કશું
જ વિચાર્યા વગર મહંમદ સાહેબની વાત માની લીધી. અને મહંમદ સાહેબે કહ્યું તેમ ખજૂરના
રોપા જમીનમાં રોપી દીધા. મોસમ આવતા વૃક્ષો પર ખજુર ઓછી આવી. મહંમદ સાહેબને તેની
જાણ કરવામાં આવી કે,
“જે રોપા આપના કહેવા મુજબ રોપવામાં
આવ્યા હતા તેના પર ખજુર બહુ જ ઓછી આવી છે.”
હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું,
“હું ખુદાનો પયગામ (સંદેશ) લાવનાર
પયગંબર છું. ખુદા નથી. અંતે તો બધું ખુદાની મરજી મુજબ જ થાય છે. જયારે હું તમને
ધર્મની બાબતમાં કઈ કહું છું ત્યારે તે અવશ્ય માનજો. પણ જયારે ધર્મ સિવાઈ અન્ય કોઈ
બાબત વિષે કઈ કહું ત્યારે તમે પ્રથમ વિચાર જો અને પછી વર્તજો. અંધ વિશ્વાસ
ઇસ્લામમાં ક્યાંય નથી.”
************************************************
શમ્મે ફરોઝા-૧૭
ડૉ. મહેબૂબ દેસાઈ
શાંતિ
અને અહિંસાના પુરસ્કર્તા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જીવનના અંતિમ દસ વર્ષોમા
ચોવીસ યુધ્ધોમાં સરસેનાપતિ તરીકે લશ્કરને માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ તેમના
સરસેનાપતિ તરીકેના નેતૃત્વનો મુખ્ય ઉદેશ રક્ષણાત્મક હતો. તેમના દરેક યુધ્ધો આક્રમક
નહિ, રક્ષણાત્મક હતા.
પંડિત
સુંદરલાલજી મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આવા અહિંસક અભિગમની નોંધ લેતા લખે છે,
"અસીમ
ધેર્ય, શાંતચિત્ત, સહિષ્ણુતા અને શાલીનતા એ મહંમદ સાહેબના અહિંસક અભિગમના પાયામાં
હતા."
પ્રેમ, શ્રધ્ધા, કરુણા
અને અહિંસાની શીખ આપતી કુરાને શરીફની આયાતોને હઝરત મહંમદ સાહેબે પોતાના જીવનમાં સાકાર કરી હતી.
અને
એટલેજ મહંમદ સાહેબના અંગે ગાંધીજીએ કહ્યું છે,
"મહંમદ (સલ.) પણ
ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ
તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું ? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ
કર્યું"
******************************
શમ્મે ફરોઝા-૧૮
ડૉ. મહેબૂબ દેસાઈ
મહંમદ સાહેબ પર “સૂર એ મુદદસ સિર”ની
આયાત ઉતર્યા પછી આપ હઝરત ખદીજા સાથે ઘરમાં નમાઝ પઢતા હતા. એ સમયે હઝરત અલી બહારથી
ઘરમાં પ્રવેશ્યા. આપને અને બીબી ખદીજાને નમાઝ પઢતા જોઈ અલીને નવાઈ લાગી. અને આપને
પૂછ્યું,
“આ શું છે ?” આપે ફરમાવ્યું, “અલ્લાહની ઈબાદત છે. એનું નામ નમાઝ છે. હઝરત અલીએ પૂછ્યું, “આ જમીનમાં માથું ટેકવવાનું શું છે ?”
“એ રુકૂહ અને સજદો છે.”
હઝરત અલીએ પૂછ્યું, “ આપ કોને સિજદો કરો છો ?”
આપે ફરમાવ્યું,
“એ અલ્લાહને જે એક છે, જેનો કોઈ
ભાગીદાર નથી. જેણે વિશ્વનું સર્જન કર્યું છે. જેણે મને પયગંબર બનાવ્યો અને હુકમ
આપ્યો કે લોકોને સચ્ચાઈની રાહ પર ચાલવા નિમંત્રણ આપો. હું તેમને અલ્લાહના રસ્તા પર
બોલવું છું. અને અલ્લાહની જ ઈબાદત કરું
છું.”
આ સમયે હઝરત અલીની ઉંમર માત્ર દસ
વર્ષની હતી. મહંમદ સાહેબની વાતોથી તેઓ ખુબ પ્રભાવિત થયા. તેમણે પોતાના માતા પિતાને
આ અંગે પૂછવાનું વિચાર્યું. પણ તે રાત્રે તેમને ઊંઘ ન આવી. સવારે તેઓ સીધા મહંમદ
સાહેબ પાસે ગયા. અને બોલ્યા,
“અલ્લાહે મારા માબાપની સલાહ લીધા વગર
મને પયદા કર્યો છે. તો પછી અલ્લાહની ઈબાદત માટે મારા માબાપની શા માટે મારે સલાહ
લેવી જોઈએ ? આપ ફરમાવો એ માર્ગે તે માર્ગે અલ્લાહના માર્ગે ચાલવા હું તૈયાર છું.”
અને આમ હઝરત અલીએ માત્ર દસ વર્ષની વયે
ઇસ્લામનો અંગીકાર કર્યો. તેઓ જીવનના અનંત સુધી મહંમદ સાહેબ અને ઇસ્લામ માટે જીવ્યા
અને તેમના માટે જ શહીદ થયા. માટે જ હઝરત મહંમદ સાહેબે હઝરત અલી માટે ફરમાવ્યું છે,
“તું તો મારો હારુન છે. ફરક એટલો જ છે
કે મુસા પછી હારુન પયગંબર થયા હતા. પણ હું આખરી પયગંબર હોઈ તું પયગંબર નહિ બની
શકે.”
**********************
શમ્મે ફરોઝા-૧૯
ડૉ. મહેબૂબ દેસાઈ
મદીનામાં હઝરત મહંમદ પયગંબર સાહેબનું
ભવ્ય સ્વાગત થયું. મદીનાના અમીર ઉમરાઓ મહંમદ સાહેબ માટે ધન દોલત લુંટાવવા તૈયાર
હતા. પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. મદીનામાં મહંમદ સાહેબની ઊંટણી જે ખુલ્લી
જગ્યામાં બેઠી હતી, તે જમીન પર એક મસ્જિત બાંધવાનો વિચાર
મહંમદ સાહેબે જાહેર કર્યો. એ ખુલ્લી જગ્યા સહલ અને સુહૈલ નામના બે યતીમ બાળકોની
હતી. આ બન્ને બાળકો મઆઝ બિન અફરાસની સરપરસ્તીમાં હતા. મહંમદ સાહેબની ઈચ્છાની જાણ
મઆઝને થતા તે મહંમદ સાહેબ પાસે દોડી આવ્યો અને બોલ્યો,
“યા રસુલ્લીલાહ, હું રાજી ખુશીથી આ
જમીન આપની સેવામાં પેશ કરું છું. આપ ખુશી તેના પર મસ્જિત બનાવો.”
મહંમદ સાહેબે તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો
અને કહ્યું,
“હું એ યતીમ બાળકોની જમીન મફતમાં નહિ
લઉં. એ જમીન તેમની પાસેથી મો માંગી કિંમતે ખરીદીશ અને પછી જ તેના પર અલ્લાહનું ધર
બનાવીશ.”
ઘણી સમજાવટ છતાં મહંમદ સાહેબ પોતાના આ
નિર્ણયમાં મક્કમ રહ્યા. તેમણે એ જમીન દસ સોના મહોરમાં ખરીદી અને એ જમીન પર “મસ્જિદ
એ નબવી” નું સર્જન થયું. “મસ્જિત એ નબવી” એ
મસ્જિત છે જેના બાંધકામમાં અન્ય સાથીઓ સાથે મહંમદ સાહેબએ પણ ઈંટ, પથ્થરો
અને માટી ઉપાડવામાં ખભેથી ખભો મિલાવી મહેનત કરી હતી. મસ્જિતના બાંધકામ સમયે ઇંટો
ઉપાડતા ઉપાડતા સાથીઓ સાથે ઉત્સાહભેર મહંમદ સાહેબ દુવા પઢતા હતા,
“તમામ ભલાઈ બસ અંતિમ દિવસ (કયામત) માટે
જ છે, જેથી તું બેસહારાઓ પ્રત્યે તારી રહેમત ફરમાવ.”
************************
શમ્મે ફરોઝા-૨૦
ડૉ. મહેબૂબ દેસાઈ
સન ૨, હિજરીના રમઝાન માસની ૧૭મી તારીખ હતી. બદ્રના મેદાનમાં કુફ્ર અને ઇસ્લામનું
પ્રથમ પ્રથમ યુદ્ધ થવાનું હતું. સત્ય અને અસત્યના આ યુધ્ધના સેનાપતિ હઝરત મહંમદ પયગમ્બર હતા. પરોઢનું અજાવાળું રેલાતા મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફજરની નમાઝનું એલાન કર્યું.સૈનિકો સાથે મહંમદ સાહેબ નમાઝ પઢી.પછી સૈનિકોને સંબોધન કરતા ફરમાવ્યું,
“યાદ રાખો જીત કે ફતહનો આધાર સંખ્યા બળ પર નથી. શાનોશૌકત કે જાહોજલાલી પર નથી. વિપુલ હથિયાર કે અખૂટ સાધન સામગ્રી પર નથી. જીત કે ફતહ માટે જે વસ્તુ સૌથી વધુ અગત્યની છે તે સબ્ર, દ્રઢતા અને અલ્લાહ પર અતુટ વિશ્વાસ છે.”
મહંમદ સાહેબનું આધ્યાત્મિક અને શાસકીય જીવન એક જ હતું. ખુદાના પયગંબર તરીકે તેમણે જે મુલ્યો પ્રજા સમક્ષ મુક્યા હતા. તે જ મુલ્યોને અમલમાં મૂકી તેમણે ઇસ્લામી સામ્રાજ્યનું સંચાલન કર્યું હતું. ઇસ્લામ એટલે હિંસા નહી, પણ શાંતિ, સમર્પણ, ત્યાગ, બલિદાનની વિભાવના તેમણે સત્ય પૂરવાર કરી બતાવી હતી.
*************************************
શમ્મે ફરોઝા-૨૧
ડૉ. મહેબૂબ દેસાઈ
મહંમદ સાહેબે તેમના જીવનકાળ દરમિયાન કુલ ૨૪ યુદ્ધોમાં ભાગ લેવો પડ્યો હતો. આ તમામ યુધ્ધો સત્તા કે વિસ્તારની અભિલાષા માટે નહોતા લડાયા. પરંતુ પ્રજાના રક્ષણ માટે જ મહંમદ સાહેબે તેમાં લશ્કરને દોર્યું હતું. મહંમદ સાહેબે લડવા પડેલા ૨૪ યુધ્ધો આક્રમક નહિ, પણ સંપૂર્ણ પણે રક્ષણાત્મક હતા, તે તેમાં થયેલા સંહારના આંકડાઓ પરથી જાણી શકાય છે. ૨૪ યુદ્ધોમાં મહંમદ સાહેબના લશ્કરના માત્ર ૧૨૫ સૈનિકો શહીદ થયા હતા. જયારે સામા પક્ષે ૯૨૩ સૈનિકો જ મરાયા હતા. જો કે મૃતકોની આ સખ્યામાં યુદ્ધના મેદાનમાં મરાયેલા સૈનિકો તો જુજ જ હતા. પણ કુદરતી આફતો અને રોગચાળામાં મરાયાની સંખ્યા વિશેષ હતી.
કુરાને શરીફના આદેશ મુજબ આ તમામ યુધ્ધોનો આશ્રય મઝલુમો (નિસહાય) ના રક્ષણનો હતો. તેમાં સત્તા લાલસા કે રાજ્ય વિસ્તારનો કોઈ ઉદેશ ન હતો. અને એટલે જ મહંમદ સાહેબ યુદ્ધના આરંભ પૂર્વે જ સૈનિકોને કડક સુચના આપતા,
“યુદ્ધમાં હથિયારનો ઉપયોગ હિંસા માટે ક્યારેય ન કરશો. હથિયાર સ્વરક્ષણ માટે હોય છે. હિંસા માટે નહિ.”
મહંમદ સાહેબની તલવારની મૂઠ પર કોતરાયેલા શબ્દો હતા,
“જે તમને અન્યાય કરે તેને તું ન્યાય આપ, જે તને પોતાનાથી વિખૂટો કરે તેની સાથે મેળ કર, જે તારા પ્રત્યે બૂરાઇ કરે તેના પ્રત્યે તું ભલાઈ કર. અને હંમેશા
સત્ય બોલ, પછી ભલે તે તારા વિરુદ્ધ જતું હોય.”
**************************************
શમ્મે ફરોઝા-૨૨
ડૉ. મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બર સાહેબ કદી રેશમી કપડું પહેરતા નહિ. તેઓ કહેતા,
“ધર્મિષ્ટ માણસોએ કદી રેશમી કપડાં ન પહેરવા જોઈએ.”
રંગીન કપડાં તેઓ કયારેક પહેરી લેતા.
પરંતુ સફેદ રંગનું જાડું કપડું તેમને વધારે ગમતું. અને ઘણું ખરું એવું જ પહેરતા.
વગર સીવેલું કપડું તોઓ વધારે પહેરતા. સામાન્ય રીતે એક સફેદ ચાદર ઉપરથી નીચે સુધી લપેટી
રાખતા, અને તેના બન્ને છેડા ખભા પર ગરદન પાછળ બાંધી દેતા. તેઓ ઉઘાડે માથે અને ઉઘાડે પગે વધારે રહેતા. કોઈવાર તેઓ અર્ધી
બાંયનું ઢીલું પહેરણ, લુંગી અને માથે કપડું પણ બાંધતા. પાયજામો તેમણે કદી પહેર્યો
ન હતો. તેમની જરૂરિયાતો અત્યંત મર્યાદિત હતી. માટીના કે લાકડાના એક લોટા કે થાળી
સિવાઈ વધારે વાસણો તેઓ પોતાના ઘરમાં કદી ન રાખતા.
નાના મોટા સાથે તેમનું વર્તન હંમેશા
સમાન રહેતું. બાળકો પર તેમને વિશેષ પ્રીતિ હતી. રસ્તે ચાલતા ચાલતા ઉભા રહી ગલીમાં
બાળકો સાથે રમવું, તેમના માટે સામાન્ય વાત હતી. માંદા માનવીના ખબર અંતર પૂછવા જવું, મુસલમાન કે બિન મુસલમાન કોઈનો પણ જનાજો જતો હોય ઉભા થઈને થોડે દૂર
સુધી તેની સાથે ચાલવું અને કોઈ નાનામાં નાનો માણસ કે ગુલામ પણ નિમંત્રણ આપે તો તે
ખુશીથી સ્વીકારવું એ મહંમદ સાહેબના સ્વભાવની ખાસિયતો હતી.
*****************************************
શમ્મે ફરોઝા-૨૩
ડૉ. મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બરને તેમના પુત્રી
ફાતિમા ખુબ વહાલા હતા. એક દિવસ હઝરત અલી મહંમદ સાહેબ પાસે આવ્યા. અને મસ્તક
ઝુકાવીને અદબથી વિનતી કરી,
“યા રસુલીલ્લાહ, ખાતુને જન્નત ફાતિમા
સાથે નિકાહની દરખાસ્ત લઈને આવ્યો છું.”
આપે હઝરત અલીની આ દરખાસ્ત અંગે પુત્રી
ફાતિમાને પૂછ્યું. તેમણે મૌન સંમતિ દર્શાવી. અને આમ નિકાહ કરવાનું નક્કી થયું.
મહેર આપવા માટે હઝરત અલી પાસે કશું જ ન હતું. અંતે બદ્રની લડાઈમાં મળેલું બખ્તર
હઝરત ઉસ્માન ગનીને ૪૪૦ દિહરમમાં વેચી તેમાંથી સવાસો દિહરમ મહેરમાં મહંમદ સાહેબ
પાસે મુકાયા.
હઝરત મહંમદ સાહેબે પોતાની વહાલી પુત્રી
ફાતિમાને દહેજમાં આપેલ વસ્તુઓ પણ ઇસ્લામમાં દહેજ પ્રથાની થયેલી અવગણાના વ્યક્ત કરે
છે. આપે પ્રિય પુત્રી ફાતેમાને જહેજ (દહેજ)માં વાણનો એક ખાટલો, એક ચાદર, ચાપડાનો એક ગદેલો (ગાદલું) જેમાં રૂના બદલે ખજુરની છાલ ભરેલી હતી,
લોટ દળવાની બે ઘંટીઓ, પાણી ભરવાની એક મશક અને માટીના બે ઘડા
આપ્યા હતા.
ખુદાના પયગંબર, ઇસ્લામી સામ્રાજયના
સ્થાપક અને ઘડવૈયા હઝરત મહંમદ પયગમ્બરે પોતાની પ્રિય પુત્રીને આપેલ દહેજ આજના
સંદર્ભમાં દરેક સમાજ માટે ઉપદેશાત્મક છે.
*********************************
શમ્મે ફરોઝા-૨૪
ડૉ. મહેબૂબ દેસાઈ
હિજરત
એટલે મજહબ (ધર્મ) માટે પોતાનું કુટુંબ, વતન છોડી પરદેશ જવું. હિજરતને મહંમદ સાહેબે
ઈબાદત (ભક્તિ) નો દરજ્જો આપ્યો છે. મક્કાથી હિજરત કરી તેઓ દુશ્મનોથી બચવા એક
ગુફામાં છુપાયા હતા. દુશ્મનોએ તેમનો પીછો કર્યો. ગુફાના મુખ પાસે દુશ્મનો પહોંચ્યા
ત્યારે એક બોલી ઉઠ્યો,
“અહિયાં
ક્યાં આવ્યા ? જોતો નથી કરોળિયાનું જાળું તો મહંમદની પૈદાઇશ પહેલાનું લાગે છે. કોઈ
અંદર ગયું હોત તો આ જાળું સલામત હોત ખરું
?”
એમ
કહી દુશ્મનો પાછા ફરી ગયા. ત્રણ દિવસ અને ત્રણ રાત મહંમદ સાહેબ એ ગુફામાં રહ્યા. એ
પછી ત્યાંથી આગળ જવા હઝરત અબુબકરે એક ઊંટણીની વ્યવસ્થા કરી. અને મહંમદ સાહેબને
કહ્યું
“યા
રસુલિલ્લાહ, આપ આના પર સવાર થઇ આગળ નીકળી જાવ”
મહંમદ
સાહબે ફરમાવ્યું,
“મારી
પોતાની ખરીદેલી સવારી ઉપર જ હું બેશીશ.”
હઝરત
અબુબકરે મહંમદ સાહેબને ખુબ સમજાવ્યા. પણ તેઓ એકના બે ન થયા. અંતે મહંમદ સાહબે તે
ઊંટણી હઝરત અબુબકર પાસેથી ખરીદી અને પછી તેના પર સવાર થઇ આગળ જવા નીકળ્યા. રસ્તામાં
એક અનુયાયીએ આપને પૂછ્યું,
“યા
રસુલિલ્લાહ, હઝરત અબુબકરે તો આ ઊંટણીની કીમત કરતા પણ વધુ જાનમાલથી આપની ખિદમત
(સેવા) કરી છે, પછી આપે આ ઊંટણીની કિંમત આપવાનો શા માટે આગ્રહ રાખ્યો ?”
હઝરત
મહંમદ સાહબે ફરમાવ્યું,
“હિજરત
એક મહાન ઈબાદત છે. આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા માંગતો નથી. ખુદાની
રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત પોતાના જાનમાલથી કરવી જોઈએ.”
*****************************************
શમ્મે ફરોઝા-૨૫
ડૉ. મહેબૂબ દેસાઈ
મહંમદ સાહબે એકવાર કહ્યું, “મૃત્યુ પછી અલ્લાહ પૂછશે, હે માનવી, હું બીમાર હતો અને તું મને જોવા નહોતો આવ્યો.” માનવી કહેશે, “હે મારા ખુદા હું તને કેવી રીતે જોવા આવી શકું ? તું તો આખી
દુનિયાનો માલિક છે.”
અલ્લાહ ફરીવાર પૂછશે, “હે માનવ મેં
તારી પાસે ભોજન માગ્યું હતું. અને તે મને ભોજન આપ્યું નહોતુ.
માનવી કહેશે, “હે મારા ખુદા તું તો આખી દુનિયાનો માલિક છે હું તને ભોજન કેવી રીતે
આપી શકું ?”
અલ્લાહ પૂછશે, “ હે માનવી, મેં તારી પાસે પાણી
માંગ્યું હતું અને તે મને પાણી નહોતું આપ્યું,”
માનવી ફરી વાર નવાઈ સાથે કહેશે, “ હે મારા ખુદા
હું તમને કેવી રીતે પાણી આપી શું ? તું તો
આખી કાયનાતનો સર્જનહાર છે.”
પછી અલ્લાહ જબાબ આપશે,
“હે માનવી, શું તને ખબર નથી મારો એક બંદો બીમાર
હતો ત્યારે તું તેને જોવા નહોતો ગયો. જો તું
તેને જોવા ગયો હોત તો મને તેની પાસે જ જોત.
મારા એક બંદાએ તારી પાસે પાણી માંગ્યું હતું, જો તે
તેની પ્યાસ બુઝાવી હોત, તો મને તેની પાસે જ
પામત. મારો એક બંદો ભોજન માટે વલખી રહ્યો
હતો. પણ તે તેને ભોજન ન આપ્યું. જો તે તેની ભૂખ
સંતોષી હોત તો તું મને તેની પાસે જ જોત.”
**************************************************
શમ્મે ફરોઝા-૨૬
ડૉ. મહેબૂબ દેસાઈ
મહંમદ સાહેબના ઉપદેશો અને વ્યવહારમાં હંમેશા
માનવ મુલ્યો કેન્દ્રમાં રહેતા. એકવાર એક
અનુયાયી મહંમદ સાહેબ પાસે આવ્યો. અત્યંત
ગુસ્સામાં તે બોલ્યો,
“એક માનવીએ મને જાનમાલનું અઢળક નુકસાન કર્યું
છે. મને તેનો બદલો લેવાની પરવાનગી આપો”
મહંમદ સાહેબ માત્ર એટલું જ બોલ્યા, “તેને માફ
કરી દે”
મહંમદ સાહેબે એક વખત ઉપદેશ આપતા કહ્યું હતું,
“જે માણસ એક બાજુ નમાજ પઢશે, રોઝા રાખશે, દાન
આપશે. અને બીજી બાજુ કોઈના ઉપર જુઠ્ઠો
આરોપ મુકશે, બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે,
કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે.
એવા માનવીની નમાઝ, રોઝા, દાન કશું જ કામ નહિ આવે. તેણે જે કઈ
જીવનમાં સદકાર્યો કર્યા હશે
તેના બધા પુણ્યો જેમના પર તેણે જુલમ કર્યા હશે
તેના હિસાબમાં ઉમેરી દેવામાં આવશે.
એકવાર કોઈ કે મહંમદ સાહેબને પૂછ્યું,
“જન્નત (સ્વર્ગ) માં જવાનો માર્ગ કયો ?”
આપે ફરમાવ્યું,
“જે માનવી શાંત, સદાચારી અને બીજાના સુખમાં
સુખી રહેશે, તે કયારેય દોઝાક (નરક)માં નહિ જાય.”
**************************************************
શમ્મે ફરોઝા-૨૭
ડૉ. મહેબૂબ દેસાઈ
ઇસ્લામની સૌથી પહેલી મસ્જિત હતી
“મસ્જિત એ કુબા” હઝરત મહંમદ પયગમ્બર (સલ.) હિજરત
કરી મદીના જવા નીકળ્યા. ત્યારે
વચ્ચે આવતા કુબા નામના સ્થળે ૧૪ દિવસ રોકાયા હતા.
આપ
કુબામાં હઝરત કુલસુમ બિન હિદમના મહેમાન બન્યા હતા. હઝરત કુલસુમ પાસે એક
પડતર જમીન હતી. જેમાં ખજુરો
સૂકવવામાં આવતી હતી. એ જ જમીનમાં આપના મુબારક હાથોથી
મસ્જિતની બુનિયાદ નાખવામાં આવી
હતી. આ મસ્જિતના બાંધકામમાં બીજા સાથીઓ સાથે આપે
પણ વજનદાર પથ્થરો ઉપાડયા હતા. આ
મસ્જિતની શાનમાં સૂરે તવબહની આયાત નાઝીલ
(અવતરી) થઇ છે, જેમાં કહ્યું છે,
“બેશક જે મસ્જિતનો પાયો પ્રથમ
દિવસથી જ પરહેજગારી પર નાંખવામાં આવ્યો છે, તે ખરેખર
યોગ્ય જ છે. આ મસ્જિતમાં એવા નેક
પુરુષો નમાઝ માટે ઉભા થશે, જેઓ પાકસાફ રહેવાનું પસંદ
કરે છે. અને અલ્લાહ પણ એવા
પાકસાફ રહેનાર બંદાઓને પસંદ કરે છે.”
નમાઝ પહેલા વઝુ દ્વારા પાકસાફ
થવાની મહત્તાનો આ રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. વઝુ
એટલે ધોવું કે પાક સાફ થવું.
ઇસ્લામી સંસ્કાર મુજબ વઝુમાં મો ધોવું, કોગળા કરવા, દાંત સાફ કરવા,
નાક કાન સાફ કરવા, માથા પર
પાણીનો હાથ ફેરવવો, બન્ને હાથો કોણી સુધી ધોવા, પગ ઘૂંટી
સુધી ધોવી. અલ્લાહના ઘરમાં
અર્થાત મસ્જિતમાં દાખલ થતા પહેલા આ રીતે પાક (પવિત્ર) થયા
પછી જ નમાઝ પઢવાનો ઇસ્લામમાં આદેશ
છે. આ અંગે મહંમદ સાહેબ ફરમાવે છે,
“વઝુ વિના નમાઝ કબુલ થશે નહિ.”
**************************************************
શમ્મે ફરોઝા-૨૮
ડૉ. મહેબૂબ દેસાઈ
ઈ.સ. ૬૩૨મા મહંમદ સાહેબે પોતાની
જન્મભૂમિ મક્કાની છેલ્લી યાત્રા કરી. મુસ્લિમ ઇતિહાસમાં
આ યાત્રને “હજ્જ્તુલવિદા” અર્થાત
અંતિમ વિદાયની યાત્રા અથવા “હજ્જ્લ-અકબર” પણ કહે
છે. આ સમયે મહંમદ સાહેબની ઉમર ૬૨
વર્ષની હતી. મક્કામાં હજની વિધિઓ પૂરી કર્યા
પછી અરફાતની ટેકરી પર બેસીને
મહંમદ સાહેબે ભરેલા હદયએ સૌને ઉપદેશ આપતા ફરમાવ્યું હતું,
“હે લોકો, મારી વાત ધ્યાનપૂર્વક
સાંભળો. કેમ કે આ વરસ પછી હું તમારી પાસે આવી શકીશ કે
નહિ તેની મને ખબર નથી. જેમ આ
નગરમાં આ મહિનામાં આ દિવસો પવિત્ર મનાય છે, બરાબર તેજ
રીતે તમારામાંથી દરેકના તન, ધન
અને માલમિલકત એકબીજાને માટે પવિત્ર વસ્તુ છે. કોઈ બીજાના
જન કે માલ મિલકતને હાથ ન લગાડી
શકે.અલ્લાહે દરેક માણસને માટે તેના બાપદાદાની
માલમિલકતમાંથી તેનો હિસ્સો મુકરર
કરી દીધો છે. એટલે જે જેનો હક્ક છે તે તેની પાસેથી છીનવી
લેનારું કોઈ વસિયતનામું ખરું
માનવમાં નહિ આવે.”
“વ્યાજ લેવાનો રીવાજ એ ખરેખર
અજ્ઞાનના સમયનો છે. હવે પછી આ રીવાજ બિલકુલ બંધ
કરવામાં આવે છે….દરેક મુસલમાન
બીજા મુસલમાનનો ભાઈ છે. કોઈ કોઈ પર જુલમ ન કરે,
કોઈનો સાથ ન છોડે તથા કોઈને નાનો
ન સમજે….હે પુરુષો તમારા પણ હક્ક છે અને હે સ્ત્રીઓ
તમારા પણ હક્ક છે. હે લોકો તમારી
પત્નીઓ પર પ્રેમ રાખો અને તેમની સાથે નમ્ર વયવહાર રાખો.
ખરેખર અલ્લાહને વચ્ચે રાખીને તમે
તેમને તમારી સાથી બનાવી છે.”
ત્યાર પછી આકાશ તરફ જોઈ મહમદ
સાહેબે કહ્યું,
“હે માલિક, મેં તારો પૈગામ પહોંચાડી દીધો
અને મારી ફરજ અદા કરી. હે માલિક, મારી દુવા છે કે
તું જ મારો સાક્ષી રહેજે.”
**************************************************
શમ્મે ફરોઝા-૨૯
ડૉ. મહેબૂબ દેસાઈ
કુરાન એ શરીફમાં
ત્રણ પ્રકારના પાડોશીઓનું વર્ણન આપવામાં આવેલ છે. “વલા જારે
ઝિલ કુરબા”
અર્થાત એવા પાડોશી જે પાડોશી હોવા ઉપરાંત સગા પણ હોય. “વલા
જારિલ જુનુબે”
અર્થાત એવા પાડોશી જે કૌટુંબિક સગા ન હોય, માત્ર પાડોશી જ હોય.
એમા ગેરમુસ્લિમ
પાડોશીઓનો પણ સમાવેશ થાય. “વસ્સાહિબે બિલજ્મે” અર્થાત
એવા પાડોશી
જેનો કોઈ સંજોગોવશાત મુસાફરીમાં, દફતરમાં કે અન્ય કોઈ રીતે સંગ
કે પહેચાન થઇ
ગઈ હોય. આ ત્રણે પ્રકારના પાડોશીઓ સાથે ઇસ્લામમાં સદવર્તન
અને ભાઈચારો
રાખવાનો હુકમ આપવામાં આવેલ છે. જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ
(કયામત) પર
ઈમાન (વિશ્વાસ) રાખતો હોય તેણે પોતાના પાડોશીઓને કઈ પણ દુઃખ
કે તકલીફ આપવા
ન જોઈએ. એક હદીસમાં મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
“તે મુસલમાન
નથી જે પોતે પેટ ભરીને ખાય અને બાજુમાં રહેતા પોતાના પાડોશીને
ભૂખ્યો રાખે.”
એકવાર એક
સહાબીએ હઝરત મહંમદ પયગમ્બર સાહેબને અરજ કરી,
“હુઝુર, તે સ્ત્રી ઘણી
નમાઝો પઢે છે. ખુબ રોજા રાખે છે. અતિશય ખેરાત (દાન) કરે છે.
પરંતુ પોતાની
કડવી વાણીથી પોતાના પાડોશીઓને હેરાન પરેશાન કરે છે.”
મહંમદ સાહેબે
ફરમાવ્યું,
“તે સ્ત્રી
દોઝાકમાં જશે. કારણ કે તે સાચો મોમીન નથી, જેનો પાડોશી તેની શરારતોથી
પરેશાન હોય.”
***************************************
શમ્મે ફરોઝા-૩૦
ડૉ. મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બર તલાકને
ધિક્કારતા હતા. કારણ કે ખુદાતાઆલાએ પણ તલાકને
ધિક્કારેલ છે. કારણ વગર સ્ત્રીને તલાક આપવી એ ઇસ્લામમાં
મોટો ગુણો છે. અને ખુદા નજીક
તલાક આપનાર ગુનેગાર છે. ઝેનબ
રસૂલે પાકના ફોઈની દીકરી હતી. ઝેનબનો પિતા
જહશ કુરેશીઓના દુદાન શાખાનો હતો.
મહંમદ સાહેબે દુદાન શાખના આગેવાનોને ઝેનબની શાદી
ઝેબ સાથે કરવાની સલાહ આપી. ઝેબ
મહંમદ સાહેબનો આઝાદ કરેલો ગુલામ હતો. હઝરત
મહંમદ પયગંબરના સૂચનથી ઝેનબની
શાદી ઝેબ સાથે કરવામાં આવી. ઝેનબને પોતાના કુળ અને
કુટુંબનું ઘમંડ હતું. એક ગોરા
આરબની પુત્રીએ એક ગુલામ સાથે શાદી કરી, એ ગુલામ પર
મોટું અહેસાન કર્યું હોય તેમ તેના
પતિ ઝેબ સાથે વર્તતી હતી. ઝેનબના ઘમંડી સ્વભાવને કારણે
કયારેક ઝગડા થવા લાગ્યા. ઝેબે
થાકીને ઝેનબને તલાક આપવાનો વિચાર કર્યો. અને તે માટે
મહંમદ સાહેબની પાસે રજા માંગવા
આવ્યો. મહંમદ સાહેબે ઝેબને પૂછ્યું,
“કેમ ? તે ઝેનબમાં કશો મોટો દોષ
જોયો ?”
ઝેબે જવાબ આપ્યો,
“ના, કોઈ મોટો દોષ તો નથી. પણ તે
ઘમંડી છે. તેથી હું તેની સાથે રહી શકું તેમ નથી.”
મહંમદ સાહેબે ફરમાવ્યું,
“જા, તારી પત્નીને તારી સાથે જ રાખ
અને અલ્લાહથી ડર”
********************************************
No comments:
Post a Comment