LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Saturday, September 11, 2021

:ગાંધીજીને અપાયેલાં માનપત્રો : ડો. મહેબૂબ દેસાઈ : અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                         બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .