LITERATURE : A SMALL EFFORTS TO TOUCH THE HEART

Thursday, May 23, 2013

સરદાર મુનવ્વર રાણાની ગઝલોમાં ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


"જિસ્મ પર મીટ્ટી મલેંગે પાક હો જાયેંગે હમ
એ ઝમીન એક દિન તેરી ખુરાક હો જાયેંગે હમ
એ ગરીબી દેખ હમે રસ્તે મેં મત છોડના  
એ અમીરી દૂર રહે નાપાક હો જાયેંગે હમ"
સરદાર મુનવ્વર રાણા હિન્દોસ્તાનના નામી શાયર છે. ઉર્દૂ અને હિન્દી બંને ભાષાઓમાં લખાયેલા તેમના શેરો આજે પણ લોકજીભે રમે છે. દેશવિદેશના મુશાયરાઓની તેઓ જાન છે. તેમની શાયરીમાં ઇસ્લામી તહેજીબ વારંવાર ડોકયા કરે છે. તેમના ઉપરોક્ત શેરની પ્રથમ બે લાઈનો તેની સાક્ષી પૂરે છે. શેરની પ્રથમ બે લાઈનોમાં ઇસ્લામનો એક અહેમ સિદ્ધાંત છુપાયેલો છે. જેનું નામ છે તયમ્મુમ. કુરાને  શરીફમાં કહ્યું છે,
"અય મોમીમો, જયારે તમે નમાઝ માટે ઈરાદો કરો ત્યારે તમે પહેલા પાક (પવિત્ર) થવા મો અને બંને હાથ પગ ધુવો અને જો એ માટે પાણી ન મળે તો પાક માટી તમારા મો અને બંને હાથો પર મસાહ કરી તયમ્મુમ કરો"
ઇસ્લામમાં ગરીબ અમીર વચ્ચેના ભેદોને નિવારવા જકાત અને ખેરાત અર્થાત દાનનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અમીરીનું અભિમાન અને તેનો સ્પર્શ પણ માનવીને નાપાક(અપવિત્ર)કરી નાખે છે. એ વિચાર મુનવ્વર રાણાએ બખૂબી અત્રે સાકાર કર્યો છે.
આજ તરહ પર એક અન્ય શેર પણ માણવા જેવો છે.
"ઇન્સાન થે કભી મગર અબ ખાક હો ગયે
 લે યે ઝમીન હમ તેરી ખુરાક હો ગયે
 રખતે હૈ હમકો ચાહને વાલે સંભાલ કે
 હમ નન્હેં રોઝદાર કી મિસ્વાક હો ગયે"
ઇસ્લામમાં પાંચ વક્તની નમાઝ નાના મોટા સૌ માટે ફરજીયાત છે.નમાઝ પૂર્વે પવિત્ર થવા માટે વઝું જરૂરી છે. અને વઝુમાં દાંત સાફ કરવા મિસ્વાક અર્થાત દાતણ દરેક પાંચ વખતનો નમાઝી પોતાની પાસે સંભાળીને રાખે છે. મિસ્વાક માટે મોટેભાગે પીલુ, જૈતુન કે લીમડાના ઝાડની પાતળી ડાળીમાંથી બનાવવામાં આવેલ દાંતણ વાપરવામાં આવે છે. મિસ્વાકની મહત્તા સ્વીકારતા હઝરત મહંમદ સાહેબએ ફરમાવ્યું છે,
"મિસ્વાક નિયમિત કરો. તેનાથી રોઝીમાં બરકત થાય છે. માથાની નસોને રાહત મળે છે. માથાનો દુખાવો દૂર થાય છે. કફ દૂર થાય છે. નજર તેજ બનાવે છે. હાજતને નિયમિત કરે છે. અને માનવીને સુકુન અને તંદુરસ્તી બક્ષે છે."
જેમ વાણીમાં મીઠાશ શક્કર (ખાંડ)ખાવાથી ન આવે. એ માટે સંયમ અને સહનશીલતા જરૂરી છે. વડીલોની ગાળો પણ ધીની નાળો જેવી હોય છે. એજ રીતે ઇબાદત, નમાઝ કે સિજદામાં મન સાફ અને પવિત્ર ન હોય તો સિજદો ગમે તેટલીવાર કરો પણ ખુદા રાજી થતો નથી. એ વિચારને વાચા આપતા મુનવ્વર રાણા સરળ અને અસરકારક શબ્દોમાં લખે છે,
"બડી કડવાહટ હૈ ઇસી લીયે ઐસા નહિ હોતા
 શક્કર ખાતા ચલા જાતા હું મુંહ મીઠા નહિ હોતા.
 દવા કી તરહ ખાતે જાઈએ ગાલી બુઝર્ગો કી
 જો અચ્છે ફલ હૈ ઉનકા જાયકા અચ્છા નહિ હોતા
 ન દિલ રાઝી, ન વો રાઝી તો કાહે કી ઈબાદત
 કિયે જાતા હું સજદા, પર સજદા નહિ હોતા"
આ દુનિયા બેશુમાર માનવીઓથી ભરેલી છે. પણ તેમાં નોંધ લઇ શકાય તેવા શખ્શો જુજ છે. સુદામા જેવો મિત્ર મળવો મુશ્કેલ છે.માછલીની આંખમાં નહિ પણ તેની કીકીને નિશાન બનાવે તેવો નિશાને બાજ અર્જુન મળવો મુશ્કેલ છે. ખુદાની ઈબાદત એવી કરો કે આખી દુનિયા ખલેલ કરે તો પણ તમારી ઈબાદતની એકાગ્રતા ભંગ ન થાય. પાણીની તડપ તો કરબલાના મૈદાનમાં હઝરત ઈમામ હુસેનએ  મહેસુસ કરી હતી. એમના જેવો તરસ્યો ઇન્સાન જગતમાં કયાં જોવા મળે છે  ?ગઈ કાલે જાહોજલાલી હતી. પણ આજે બેહાલી છે. એજ દુનિયાનો દસ્તુર છે. આ વિચારને સાકાર કરતા મુનવ્વર રાણા લખે છે
 "દુનિયા કે સામને ભી અપના કહે જિસે
 એક ઐસા દોસ્ત હો કી સુદામા કહે જિસે
 ચીડીયા કી આંખ મેં નહિ, પુતલી મેં જા લગે
 ઐસા નિશાન હો કી નિશાના કહે જિસે
 દુનિયા ઉઠાને આયે મગર હમ નહિ ઉઠે
 સજદા ભી હો ઐસા કી સજદા કહે જિસે
 ફિર કરબલા કે બાદ દિખાઈ નહિ દિયા
 ઐસા કોઈ ભી શખ્સ કે પ્યાસા કહે જિસે
 કલ તક ઈમારતો મેં થા મેરા ભી શુમાર
 અબ ઐસા હો ગયા હું કે મલવા કહે જિસે"
જેમ હિંદુ ધર્મમાં મૃત્યું પછી માનવીને પંચ મહાભુતોમાં વિલીન કરી દેવા અગ્નિદાહ આપવામાં આવે છે, તેમ જ ઇસ્લામમાં માનવીને મૃત્યું પછી કબરમાં દફનાવવામાં આવે છે. કારણ કે મીટ્ટીમાં પણ પંચ મહાભૂતો આકાશ, પૃથ્વી, વરુણ, વાયુ, અને અગ્નિનો વાસ છે. અને એટલે જ શાયર ખુદાને દુવા કરતા કહે છે કે ફરી એકવાર મને મીટ્ટી બનાવી દે, ઈજ્જત અને માન સાથે મને વિદા કરી દે.
"એકબાર ફિરસે મીટ્ટી કી સુરત કરો મુઝે
 ઈજ્જત કે સાથ દુનિયા સે રુક્સત કરો મુઝે"
બીજી કડીમાં જન્નત અને દોઝકની પરિકલ્પનાને શાયરે સાકાર કરી છે. દરેક ધર્મે સ્વર્ગ અને નર્કનો વિચાર માનવીને આપ્યો છે. સ્વર્ગ કે જન્નત સદ્કાર્યો કરનાર માનવી માટે ખુદાએ બનાવ્યા છે.જયારે દોઝક અર્થાત નર્ક માનવીના અપકૃત્યોની સજા રૂપે પ્રાપ્ત થાય છે.પણ પામર માનવીએ તો દુનિયાને જ જન્નત માની લીધી છે. સંસારી સુખો, સગવડતાઓ, એશો આરામ, સ્વજનો અને માલમિલકતને જન્નત માની માનવી ખુદા ઈશ્વરે બનાવેલી જન્નતને વિસરી ગયો છે. એ વિચારને મુનવ્વર રાણાએ અત્યંત  સરળ અને સુંદર શબ્દોમાં સાકાર કરતા કહ્યું છે.
 "જન્નત પુકારતી હૈ કી મેં હું તેરે લીયે
 દુનિયા ગલે પડી હૈ કી જન્નત કરો મુઝે"
અને છેલ્લે ઈબાદતના ઉદેશને સાકાર કરતો એક સુંદર શેર કહી વાત પૂરી કરીશ. જેમાં સિયાસત, મહોબ્બત અને ઈબાદતનો સુભગ સમન્વય જોવા મળે છે.
 "સિયાસી ગુફ્તગુ મત કીજીયે અચ્છા નહિ લગતા  
 રફુ પર રફુ મત કીજીયે અચ્છા નહિ લગતા
 બહાયા કીજીયે દો ચાર આંસુ ભી મહોબ્બત મેં
 ઈબાદત બે વજહ મત કિયા કીજીયે અચ્છા નહિ લગતા"