ભારતના આધુનિક શાયરોમાં નિદા ફાજલીનું નામ અગ્ર છે. તેમની શાયરીમાં વ્યક્ત થતી ધર્મ ભાવના ભારતની બિનસાંપ્રદાયિકતાની અસલ ઓળખ છે. તેમનો પેલો જાણીતો શેર આજે પણ ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને સાકાર કરતો લોકજીભે જીવંત છે.
अपना ग़म लेके कहीं और न जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये
किसी रोते हुए बच्चे को हँसाया जाये
નમાઝની અહેમિયત ઇસ્લામમાં અનહદ છે. પાંચ વકતની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ ઇસ્લામમાં હોવા છતાં, માનવતાનો ધર્મ ઇસ્લામના કેન્દ્રમાં રહ્યો છે. એ ધર્મને સાકાર કરતા નીદાજી ઉપરોક્ત ચાર લાઈનોમા ગઝલના રૂઢ સ્વરૂપ ઈશ્ક, સૌદર્ય અને વિરહના સ્થાને ઇસ્લામની મૂળભૂત વિભાવનાને વ્યક્ત કરે છે. તેમની આ ચાર લાઈનોમાં તેઓ કહે છે,પોતાના દુઃખોના ગાણા લોકો પાસે ગાવા કરતા, ખુદાએ તને જે આપ્યું છે, તેનો શુક્ર અદા કરી, તેને સજાવ તેની ખુશી માનવ. ખુદાએ તને જે કઈ આપ્યું છે તેનો શુક્ર અદા કરવા ઈબાદત કર નમાઝ પઢ. અને જો નમાઝ અદા કરવા મસ્જિત તારા ધરથી દૂર હોઈ તો કોઈ રડતા બાળકને રમાડ, તેને હસાવ. તે પણ ખુદાની જ ઈબાદત છે. જો કે આ ગઝલ પાકિસ્તાનમાં પઢ્યા પછી ત્યાના મૌલવીઓનો રોષ નીદાજીએ વોહરી લેવો પડ્યો હતો.
"આપને મસ્જિત ઔર બચ્ચે કો એક સા ગીન કર, ખુદા કે ઘર મસ્જિત કી તોહીન (અપમાન) કી હૈ"
આવા અનેક સવાલોનો એક માત્ર જવાબ આપતા નીદાજી એ કહ્યું હતું,
"મસ્જિત કો તો ઇન્સાનને અપને હાથો સે બન્યા હૈ, ઔર બચ્ચે કો તો ખુદ ખુદા ને બનાય હૈ." અને ખુદાના સર્જનને ચાહવું, તેને પ્રેમ કરવો, તેની ખિદમત કરવી એ જ તો ઇસ્લામનો મૂળભૂત ઉદેશ છે. નીદાજીના આવા વિચારો ઇસ્લામની સાચી ઓળખ છે. એ ઓળખને વાચા આપતા નીદાજીના દોહા પણ માણવા જેવા છે. તેમાં પણ ધર્મની આપણી રૂઢ વિભાવનામાં ક્રાંતિકારી પરિવર્તનના એધાણ વર્તાય છે. એવા કેટલાક દુહો સો પ્રથમ આપણે માણીએ અને પછી કેટલાકનું આચમન કરીએ.
“સાતો દિન અલ્લાહ કે ક્યાં મંગલ કયા પીર
જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર”
“ઇસા, અલ્લાહ, ઈશ્વર, સારે મંતર શીખ
જાને કબ કિસ નામ પર મિલ જાયે ભીખ”
“અલ્લાહ અરબ મેં,ફારસીવાલો મેં વો ખુદા
મેને જો મા કા નામ લિયા ફિર કિસ કો ક્યા”
આ દુહાઓમાં ધર્મના નામ પર ચાલતા જીવનના દ્રષ્ટાંતો દ્વારા નીદાજી અલ્લાહના સાચા સ્વરૂપને સાકાર કરવાનો પ્રયાસ કરે છે. "મા" અલ્લાહનું આદર્શ સ્વરૂપ છે. ઇસ્લામમાં પણ ખુદા પછીનો દરજ્જો "મા" ને આપવામાં આવ્યો છે.
બચ્ચા બોલે દેખ કે મસ્જિત આલીશાન
અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન
મંદિરો-મસ્જીતોના મોટા પાયા પર સર્જન પ્રત્યેની આપણી વધતી જતી ઘેલછાને આ દોહામાં અસરકારક રીતે નીદાજીએ અભિવ્યક્ત કરી છે. માનવીઓને રહેવા માટે ૧૦x૧૦ની નાનકડી ઓરડી પણ આજે નથી મળતી. ત્યારે ખુદા-ઈશ્વરના નામે આપણે મોટા મોટા મંદિરો અને મસ્જીતોનું સર્જન કરવાની હોડ આરંભી છે. અને તે માટે અશાંતિ પણ સર્જીએ છીએ. એ વિચારને એક બાળકના મુખે વ્યક્ત કરી નીદાજીએ સમાજના ઠેકેદારોને વિચારતા કર્યા છે.
અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બહાર ખડા, ઈશ્વર માંગે દાન
દરેક ધર્મમાં માનવતાનું મુલ્ય કેન્દ્રમાં છે. ભગવાન કે ખુદાના ચરણે આપણે જે કઈ ધરીએ છીએ,તે ખુદાને પહોંચે છે કે નહિ તે આપણે જાણતા નથી. છતાં આપણી આસ્થા, વિશ્વાસ આપણને તેમ કરવા સતત પ્રેરે છે. પણ જરૂરત મંદ માનવીને મદદ કરવામાં પણ ખુદા-ઈશ્વરનો વાસ છે. તે સત્ય આપણે વાતોમાં વાગોળીએ છીએ, પણ વ્યવહારમાં આચરતા નથી.
સબકી પૂજા એક સી, અલગ અલગ હર રીત
મસ્જિત જાયે મોલવી , કોયલ ગાયે ગીત
ઈબાદત કે ભક્તિની રીત દરેક ધર્મમાં અલગ અલગ છે. પણ તે તમામ ક્રિયાઓના કેન્દ્રમાં ઈશ્વર-ખુદાનું સાનિધ્ય સાધવાની ખેવના જ છે. એ ખેવનાનું સંગીત કોયલના સ્વર જેવું મધુર છે. જેમાં કોઈ ધર્મના ભેદો નથી માત્ર તેમાં મધુરતા અને એકાગ્રતા જ છે.
મુઝ જૈસા એક આદમી મેરા હી હમ નામ
ઉલટા સીધા વો ચલે, મુઝે કરે બદનામ
નીદાજીના આ દોહમાં ખુદા-ઈશ્વરની ફરીયાદનો સુર ભાસે છે."મારા બનાવેલા મને બનાવે છે" જેવો ભાવ વ્યક્ત થાય છે.માનવીના હદયમાં ખુદા-ઈશ્વરનો વાસ છે. એ જ માનવી પોતાના કર્મોને કારણે દુઃખ, યાતનાઓ અને મુશ્કેલીયોમાં ફસાય છે. ત્યારે તે ઈશ્વર કે ખુદાને બદનામ કરે છે, તેને કોશે છે.પણ તેને એ સમયે તેણે કરેલા ઉલટા સિધા કામો યાદ નથી આવતા.
પૂજા ઘર મેં મૂર્તિ, મીરા કે સંગ શ્યામ
જીતની જિસકી ચાકરી,ઉતના ઉસ કા દામ
આ દોહામાં નીદાજીએ પૂજા ઘરમાં મુકવામાં આવેલ મુરત અને તેની ચાકરી અર્થાત ઈબાદત-ભક્તિના સંદર્ભ સાથે દામનો ઉલ્લેખ કર્યો છે.દામ એ ભક્તિ કે ઈબાદતના સંદર્ભમાં ઈશ્વર કે ખુદા તરફથી મળતી ભેટ છે. આ ભેટનું સ્વરૂપ ગમે તે હોઈ શકે. અથવા તે નિરાકાર પણ હોઈ શકે. ઈબાદત અને ભક્તિ માનવીને સુકુન, શાંતિ અને પરમ આનંદનો અહેસાસ કરાવે છે. એ અર્થમાં દામનું સ્વરૂપ કળવું મુશ્કેલ છે. વળી, આપણી ભક્તિ કે ઇબાદતમાં મોટે ભાગે માગવાનો ભાવ વિશેષ હોઈ છે. આપણી એક પણ પ્રાર્થના નિસ્વાર્થ હોતી નથી.તેમાં કયાંકને ક્યાંક ખુદા-ઈશ્વર પાસેથી કઈક પ્રાપ્ત કરવાની ખેવના સંતાયેલી હોઈ છે. નીદાજી તેને અહિયા"દામ"ના સ્વરૂપે વ્યક્ત કરવાનું ભૂલ્યા નથી. એક શાયર પોતાની કલમમાથી સમાજ ધડતરના આવા રત્નો સમાજને અર્પે ત્યારે સમાજમાં કલમ ધારકનું મુલ્ય થોડી પળો માટે પણ આપણને સમજાય છે. અને તે જ કલમધારકની સાચી સિદ્ધિ છે.